સોહેલ-સીમાના ડિવોર્સ:સલમાન ખાને ભાઈનું તૂટતું ઘર બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, છેલ્લાં છ વર્ષથી અણબનાવ હતો

મુંબઈ10 દિવસ પહેલા
  • સોહેલ તથા સીમા લગ્નનાં 24 વર્ષ બાદ ડિવોર્સ લઈ રહ્યાં છે

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનો સૌથી નાનો ભાઈ સોહેલ ખાન પણ ડિવોર્સ લઈ રહ્યો છે. સલમાનના બીજા નંબરના ભાઈ અરબાઝ ખાનના 2017માં ડિવોર્સ થયા હતા. સોહેલ તથા સીમા લગ્નનાં 24 વર્ષ બાદ ડિવોર્સ લઈ રહ્યાં છે. ખાન પરિવાર માટે આ બહુ જ આંચકાજનક સમાચાર છે. સલમાને આ સંબંધને બચાવવા પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યો.

ઘણા સમયથી બંને અલગ રહે છે
સીમા ખાન પતિ સોહેલ ખાનથી ઘણાં વર્ષોથી અલગ રહે છે. વેબ સિરીઝ 'ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ'માં સીમા ખાને સ્વીકાર્યું હતું કે તે પતિથી અલગ રહે છે. જોકે સીમાએ અલગ રહેવાનું કોઈ કારણ જણાવ્યું નહોતું.

હુમા કુરૈશી સાથે સોહેલ.
હુમા કુરૈશી સાથે સોહેલ.

સોહેલનું નામ હુમા કુરૈશી સાથે જોડાતાં સીમા ગુસ્સે થઈ
સોહેલ ખાનનું નામ હુમા કુરૈશી સાથે જોડાતાં સીમા ગુસ્સે થઈ ગઈ હતી. કહેવાય છે કે સીમા ખાન ગુસ્સામાં બે બાળક સાથે ઘર છોડીને જતી રહી હતી. હુમા કુરૈશી તથા સોહેલ ખાન વચ્ચે સેલિબ્રિટી ક્રિકેટ લીગ દરમિયાન નિકટતા વધી હતી. સોહેલે હુમા કુરૈશીને પોતાની ક્રિકેટ ટીમ 'મુંબઈ હીરો'ની બ્રાન્ડ-એમ્બેસેડર બનાવી હતી. હુમા તથા સોહેલ વચ્ચે કંઈક હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી. ચર્ચા તો ત્યાં સુધી હતી કે સોહેલ ખાન જે બિલ્ડિંગમાં રહે છે એ જ બિલ્ડિંગમાં હુમા કુરૈશી શિફ્ટ થઈ ગઈ હતી.

સીમા ખાન.
સીમા ખાન.

સલમાને સમાધાન કરાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા
2016માં સોહેલ તથા સીમા વચ્ચે અણબનાવ શરૂ થયા હતા. બંને ત્યારથી જ અલગ-અલગ ઘરમાં શિફ્ટ થઈ ગયાં હતાં. સલમાન ખાને ભાઈનો પરિવાર ના તૂટે એ માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા. સલમાન ખાન બંનેનાં ઘરે ગયો હતો અને કલાકો સુધી બેસીને બંનેને સમજાવવાનો પ્રયાસો કર્યા હતા. જોકે સીમા કે સોહેલ સાથે રહેવા તૈયાર નહોતાં અને તેઓ પોતાના નિર્ણયમાં મક્કમ હતાં. આટલું જ નહીં, સલમાન ખાને હુમાને પણ ચોખ્ખા શબ્દોમાં સોહેલથી દૂર રહેવાનું કહ્યું હતું. સલમાનની ચેતવણી બાદ હુમાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સોહેલ તેના મોટા ભાઈ જેવો છે.

બંને બાળકો માટે એકબીજાના ઘરે આવ-જા કરે છે.
બંને બાળકો માટે એકબીજાના ઘરે આવ-જા કરે છે.

સીમાએ કહ્યું, ઘર નહોતું છોડ્યું, પનવેલ ગઈ હતી
ઘર છોડવાની વાત પર સીમા ખાને એવો બચાવ કર્યો હતો કે તેણે ઘર છોડ્યું જ નહોતું. તે દીકરાઓ તથા સાસુ-સસરા સાથે પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહેવા ગઈ હતી. જોકે સીમા પછી ક્યારેય સોહેલના ઘરે રહેવા આવી નહોતી. તે બાંદ્રામાં પોતાની બહેન સાથે રહેવા લાગી હતી.

સીમાએ વેબ સિરીઝમાં કહ્યું, અમે અલગ છીએ
વેબ સિરીઝ 'ધ ફેબ્યુલસ લાઇફ ઑફ બોલિવૂડ વાઇફ'માં સીમા ખાને કહ્યું હતું કે તેમનો પરિવાર ઘણો જ સારો છે. સોહેલ સારો પિતા છે. તે બાળકોના જન્મથી હંમેશાં તેની સાથે છે. તે સોહેલને પ્રેમ કરે છે અને હંમેશાં કરતી રહેશે. જોકે ઘણીવાર એવું બને છે કે તમારી ઉંમર વધે છે, તેમ તમારા સંબંધો અલગ અલગ દિશામાં જાય છે. તેઓ અલગ હોવા છતાં એક છે.

મોટા દીકરા નિર્વાણ સાથે સીમા.
મોટા દીકરા નિર્વાણ સાથે સીમા.

દીકરા પર ગુસ્સે થઈ હતી
વેબ સિરીઝના એક એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે સીમા-સોહેલનો મોટો દીકરા નિર્વાણ અમેરિકાથી પરત ફર્યો હતો. સીમાએ તેને પોતાના ઘરે રહેવાનું કહ્યું હતું. જોકે નિર્વાણ પિતાના ઘરે જતો રહ્યો હતો. આ વાત પર સીમા ગુસ્સે થઈ ગઈ હતી. માતાના ગુસ્સે થવા પર નિર્વાણે એવો જવાબ આપ્યો હતો કે તે એ રીતનું વર્તન કરે છે કે જાણે કે વિદેશમાં હોય. તે સામેના ઘરમાં જ રહે છે.

સીમા તથા સોહેલ બંને દીકરા સાથે.
સીમા તથા સોહેલ બંને દીકરા સાથે.

સીમાએ દીકરાની વાત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તે દીકરાને બહુ મળી શકતી નથી. તે મોટા ભાગે પિતા સાથે જ રહે છે. દીકરાની આ વાત તેને સૌથી વધુ ખરાબ લાગે છે.