અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની અંગત જિંદગીમાં છેલ્લા કેટલાક દિવસોથી તોફાન ચાલી રહ્યું છે. નવાઝ અને તેની પૂર્વ પત્ની વચ્ચેના વિવાદની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકીની પૂર્વ પત્ની આલિયાએ જણાવ્યું હતું કે નવાઝે તેને બાળકો સહિત ઘરની બહાર કાઢી મૂકી હતી. આલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહી રહી છે કે નવાઝે તેને ગાર્ડની મદદથી ઘરમાં આવવા દીધી ન હતી.
તો વીડિયોમાં જોઈ શકાય છે કે નવાઝ અને આલિયાની દીકરી રસ્તા પર રડતી જોવા મળી રહી છે. આલિયાના જણાવ્યા અનુસાર, વર્સોવા પોલીસ સ્ટેશનથી પરત ફર્યા બાદ તેને ઘરની અંદર જવા દેવામાં આવી ન હતી. આલિયા કહે છે કે તે માની શકતી નથી કે એક પિતા તેનાં બાળકો સાથે આ હદ સુધીનું ખરાબ વર્તન કરી શકે છે.
વિશ્વાસ નથી આવતો કે નવાઝે આવું કર્યું - આલિયા
વીડિયો શેર કરતાં આલિયાએ જણાવ્યું હતું કે '40 દિવસ ઘરે રહ્યા પછી મને વર્સોવા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી. ત્યાંથી પરત ફર્યા બાદ નવાઝે ગેટ પર ગાર્ડ્સ ગોઠવી દીધા અને મને અને મારાં બાળકોને ક્રૂરતાપૂર્વક રસ્તા પર છોડી દીધાં હતાં. મારી પુત્રી માની શકતી નથી કે તેના પોતાના પિતા આ કરી શકે છે. તે રસ્તા પર ઊભી રહીને રડી રહી હતી.
આ સ્થિતિ જોતાં મારા એક સંબંધીએ મને એક રૂમ રહેવા માટે આપ્યો હતો. નવાઝે જે કર્યું છે એ દર્શાવે છે કે તેની માનસિકતા કયા પ્રકારની છે. જોકે ચિંતા કરશો નહીં, હું એવા દેશની નાગરિક છું, જ્યાં હંમેશાં ન્યાય મળતો હોય છે. મને આશા છે કે જલદી ન્યાય મળશે. તમે આ હરકત કરીને મને અને મારાં બાળકોને તોડી શકતા નથી.
એક રૂમમાં બાળકો સહિત રહેવું પડે છે
આલિયાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવાઝ જાણીજોઈને મને અને મારાં બાળકોને હેરાન-પરેશાન કરી રહ્યો છે, જેથી તે બાળકોની કસ્ટડી મેળવી શકે. આલિયાએ કહ્યું, 'નવાઝ ઘણો પડી ગયો છે. જે વ્યક્તિ ફિલ્મોમાં જે પ્રકારના રોલ ભજવે છે તે વાસ્તવિક જીવનમાં પણ એવું જ કરે છે.
ગુરુવારે મોડી રાત્રે જ્યારે નવાઝે મને બેઘર કરી ત્યારે હું મારી ભત્રીજી સાથે રહી હતી, જે પોતે મુંબઈમાં તેના ભાઈ સાથે સંઘર્ષ કરી રહી છે. તે કોસ્ચ્યૂમ વિભાગમાં છે, તેથી અમે પાંચ જણ તેના એક રૂમમાં રહીએ છીએ. બાકી હું અને મારાં બાળકોને અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવા માટે હું લોકોની મદદ માગી રહી છું.
બંગલો માતાના નામે છે
જોકે નવાઝુદ્દીન સિદ્દીકીના નજીકના મિત્રએ આલિયાના આ આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું હતું કે 'નવાઝે પોતાનો બંગલો તેની માતા મેહરુન્નિસા સિદ્દીકીને ટ્રાન્સફર કરી દીધો છે. હવે આ બંગલા પર તેમનો કોઈ અધિકાર નથી. એટલા માટે તેમને એ પૂછવાનો અધિકાર નથી કે ઘરની અંદર કોણ આવે છે કે નહીં. મેહરુન્નિસા સિદ્દીકીના કેરટેકરનું કહેવું છે કે બંગલાની પ્રોપર્ટીમાં ફક્ત તેના પૌત્રોને જ જવાની મંજૂરી છે.
નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની માતાને મળવા વર્સોવા સ્થિત બંગલે આવ્યો હતો. જોકે ભાઈ ફૈઝુદ્દીને ઘરની બહાર જ રોકી રાખ્યો અને અંદર જવા દીધો નહીં. હાલમાં નવાઝનો ઝઘડો પૂર્વ પત્ની આલિયા ને સગા ભાઈ શમસનો સાથે ચાલી રહ્યો છે અને આ જ કારણે માતાની તબિયત લથડી છે. આ જ કારણે નવાઝ વર્સોવા સ્થિત બંગલે આવ્યો હતો, પરંતુ માતાને મળી શક્યો નહોતો.
ભાઈ ફૈઝુદ્દીને શું કહ્યું?
મીડિયાએ ફૈઝુદ્દીનને જ્યારે નવાઝને કેમ અટકાવ્યો એ પૂછ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે નવાઝભાઈની પૂર્વ પત્નીએ તેમની પર રેપનો કેસ કર્યો છે. અમ્મી આ બધી વાતોથી દુઃખી છે અને સ્ટ્રેસમાં છે. ડૉક્ટર્સે તેમને આરામ કરવાનું કહ્યું છે, આથી જ તેમણે નવાઝભાઈને કહ્યું હતું કે અમ્મીની તબિયત સારી નથી અને કોર્ટમાં કેસ ચાલે છે. તેઓ નથી ઈચ્છતા કે અમ્મી કોઈ સ્ટ્રેસ લે અને તેથી જ મળવાની ના પાડી દીધી. અમ્મી તબિયત ખરાબ હોવાની વાત સાંભળીને નવાઝભાઈ દેહરાદૂનથી તાત્કાલિક આવ્યા હતા. જોકે નવાઝનાં બાળકો પોતાની દાદીને મળી શકે છે.
આલિયાએ નવાઝ પર રેપ કેસ કર્યો
આલિયાએ નવાઝ પર રેપનો કેસ કર્યો છે. આલિયાએ 24 ફેબ્રુઆરીએ સો.મીડિયામાં કહ્યું હતું, 'નવાઝની માતા મારા માસૂમ બાળકને નાજાયઝ કહે છે અને આ બકવાસ માણસ ચૂપ રહે છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં પ્રૂફની સાથે રેપની ફરિયાદ કરી છે. કંઈપણ થઈ જાય, પરંતુ તે લોકોને મારાં બાળકો નહીં આપું.'
એક ફિલ્મને કારણે ભાઈઓમાં ઝઘડો થયો
ફિલ્મ 'બોલે ચૂડિયાં'માં નવાઝ લીડ રોલમાં હતો અને શમસ ફિલ્મ-ડિરેક્ટર હતો. જોકે ફિલ્મમેકિંગ દરમિયાન બંને ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. નવાઝે ફિલ્મને ખરાબ કહીને પ્રમોશન કર્યું નહીં. આ જ કારણે બંનેના સંબંધો વણસ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.