થોડા દિવસ પહેલાં કંગના ઉત્તરાખંડના હરિદ્વાર પહોંચી હતી. અહીં એક્ટ્રેસે મીડિયા સાથે વાત કરતા 'ધ કેરલ સ્ટોરી' ફિલ્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો. કંગનાએ 'ધ કેરલ સ્ટોરી' પર રાજ્યના પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
એક્ટ્રેસે કહ્યું કે 'ફિલ્મને CBFC તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. આ પછી પણ કેટલાક રાજ્યોએ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે, જે બિનજરૂરી અને બંધારણના દાયરાની બહાર છે.'
CBFC સર્ટિફિકેટ મળ્યા બાદ ફિલ્મનો વિરોધ કરવો ખોટુંઃ કંગના
ફિલ્મ પરના પ્રતિબંધ અંગે મીડિયા સાથે વાત કરતા કંગનાએ કહ્યું છે કે 'જ્યારે કોઈ ફિલ્મને રિલીઝ માટે CBFC દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તો તેનો વિરોધ ન કરવો જોઈએ.' તેણે આગળ કહ્યું, 'જ્યારે કોઈ પણ ફિલ્મ સારું પ્રદર્શન કરે છે, ત્યારે તેનો ફાયદો ઈન્ડસ્ટ્રીને જ થાય છે.'
પરંતુ, 'ધ કેરલ સ્ટોરી' જેવી ફિલ્મો લોકોની દર્દનાક કહાની બહાર લાવે છે. આવી ફિલ્મોથી માત્ર ઈન્ડસ્ટ્રીને જ ફાયદો નથી થતો પરંતુ લોકો તેને જોવાનું પણ પસંદ કરે છે.
અમે એવી ફિલ્મો નથી બનાવતા જે લોકો જોવા માગે છેઃ કંગના
કંગનાએ કહ્યું કે, અમને અવારનવાર સાંભળવા મળે છે કે દર્શકો બોલિવૂડ ફિલ્મોના કન્ટેન્ટની પસંદગીથી નાખુશ છે. આ ફરિયાદનું કારણ એ છે કે, લોકો જે પ્રકારની ફિલ્મો જોવી પસંદ કરે છે તે પ્રકારની ફિલ્મો અમે બનાવતા નથી. પરંતુ, જ્યારે પણ કોઈ ફિલ્મ બનાવવામાં આવે છે જે લોકો ખરેખર જોવા માગે છે, મોટા પ્રમાણમાં દર્શકો તેને પસંદ કરે છે.
2023માં 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરનાર બીજી ફિલ્મ
હકીકતમાં ફિલ્મે સોમવાર સુધીમાં કુલ 203.47 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પછી 2023માં 200 કરોડના ક્લબમાં પ્રવેશનારી 'ધ કેરલ સ્ટોરી' બીજી ફિલ્મ બની છે. બીજી તરફ શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન'એ અત્યાર સુધીમાં 543.09 કરોડનું કલેક્શન કરીને વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.
SCએ પ્રતિબંધ ઉઠાવી લીધો, ફિલ્મ પર ડિસ્ક્લેમર મૂકવા કહ્યું
તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે,કેવી રીતે કેરળની 32,000 છોકરીઓને બળજબરીથી ISIS દ્વારા ધર્મપરિવર્તિત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે તમિલનાડુના થિયેટરોએ ફિલ્મનું પ્રદર્શન બંધ કરી દીધું હતું. ફિલ્મની રિલીઝને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જો કે, આ કેસમાં, SCએ બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને ફિલ્મ જોવા જતા લોકોની સુરક્ષાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.
SCએ કહ્યું કે, ફિલ્મ પર એક ડિસ્ક્લેમર મૂકવો જોઈએ કે, 32,000 મહિલાઓના ધર્માંતરણનો કોઈ ડેટા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.