ઓમિક્રોનની અસર:ફિલ્મ રિલીઝ ના થતાં 'RRR'એ 100 કરોડ ગુમાવ્યા, પ્રમોશનના 20 કરોડ પાણીમાં ગયા, એડવાન્સ બુકિંગના 10 કરોડ રિફંડ થશે

મુંબઈ21 દિવસ પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • આંધ્ર પ્રદેશમાં ટિકિટના ભાવ ઓછા હોવાથી 30% નુકસાન પહેલેથી જ થયું હતું
  • હવે, સોલો રિલીઝના ચાન્સ ઓછા, વ્યાજનો ખર્ચ પણ વધશે

ફિલ્મ 'RRR' સાત જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. ફિલ્મ રિલીઝ ના થવાથી અંદાજે 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ફિલ્મ રિલીઝમાં જેટલું મોડું થશે તેટલો વ્યાજનો ખર્ચ વધશે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન તથા અન્ય રાઇટ્સ 890 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

હવે 'RRR' રિલીઝ થશે ત્યારે કેટલીક ડીલ્સ ફરીથી કરવી પડશે. સાત જાન્યુઆરીએ ફિલ્મ સોલો રિલીઝ હતી, પરંતુ હવે જ્યારે પણ ફિલ્મ રિલીઝ થશે ત્યારે સોલો રિલીઝનો ફાયદો મળશે નહીં અને તેની સીધી અસર કમાણી પર પડશે.

અત્યાર સુધી પ્રમોશન પાછળ ખર્ચેલા 20 કરોડ પાણીમાં ગયા
'RRR'ના ડિરેક્ટર એસ એસ રાજમૌલિની સાથે લીડ એક્ટર્સ રામચરણ તેજા તથા જુનિયર NTR છેલ્લાં એક મહિનાથી દક્ષિણ ભારતના દરેક મોટા શહેર તથા મુંબઈ સહિત દેશના અન્ય રાજ્યોમાં ફિલ્મનું પ્રમોશન કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન તથા આલિયા ભટ્ટ પણ છે. આ બંને પણ પ્રમોશનમાં સાથે જોવા મળ્યા હતા. ટીવી રિયાલિટી શો ઉપરાંત અનેક લાઇવ ઇવેન્ટ પણ થઈ હતી. આ બધા પાછળ અત્યાર સુધી 20 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તમામ પૈસા વેડફાઈ ગયા.

હવે જ્યારે ફિલ્મની નવી રિલીઝ ડેટ ફાઇનલ થશે ત્યારે ફરીથી પ્રમોશનનો ખર્ચ થશે. હવે 3-4 મહિના બાદ જ્યારે ફિલ્મ ફરી રિલીઝ કરવાની હશે ત્યારે ફરીથી 20-30 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે.

ઓવરસીઝ બુકિંગમાં 10 કરોડનું રિફંડ
'RRR'ની રિલીઝ પોસ્ટપોન કરવાનો નિર્ણય મોડો એટલા માટે પણ લેવામાં આવ્યો, કારણ કે ઓવરસીઝમાં એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું હતું. 10 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ થયું હતું. હવે રિફંડ આપવામાં આવશે. હવે ભવિષ્યમાં ઓવરસીઝ ડીલમાં પણ નેગોશિયેશન કરવામાં આવી શકે છે.

આંધ્રમાં 50 કરોડ ઓછી કમાણી થશે
આંધ્રમાં ફિલ્મ મેકર્સ તથા સરકાર વચ્ચે ટિકિટ રેટ અંગે ચર્ચા ચાલી રહી છે. સરકારે ટિકિટ રેટની મર્યાદા નક્કી કરી છે. 'RRR'ના મેકર્સે પહેલાં પણ રાજ્ય સરકારને અપીલ કરી હતી કે તેમની ફિલ્મ બિગ બજેટની છે અને ખર્ચો કાઢવા માટે સરકાર ટિકિટના ભાવ વધારવાની મંજૂરી આપે. 'RRR'એ રિલીઝ રાઇટ્સ 165 કરોડ રૂપિયામાં વેચ્યા હતા, પરંતુ ટિકિટના ભાવ ઓછા હોવાથી ડિસ્ટ્રિબ્યૂટર્સે ઓરિજિનલ ડીલમાં પૈસા ઓછા કરવાની માગણી કરી હતી. મેકર્સ તથા ડિસ્ટ્રીબ્યૂટર્સ વચ્ચે 30% ઘટાડા પર સહમતિ બની હતી, એટલે કે 'RRR'ના મેકર્સને આંધ્રમાંથી 50 કરોડ રૂપિયા ઓછા મળશે.

રિલીઝમાં મોડું થતાં ફાઇનાન્સરને વ્યાજ ચઢશે
એક અનુમાન પ્રમાણે, હવે 'RRR' એપ્રિલ, 2022માં રિલીઝ થઈ શકે છે. તે સમયે દેશની સ્થિતિ સામાન્ય નહીં હોય તો આ ફિલ્મ સપ્ટેમ્બર, 2022માં રિલીઝ થશે. આ ફિલ્મના રોકાણ પર વ્યાજનો ખર્ચ પણ ત્યાં સુધી વધતો જશે. ફિલ્મના 450-500 કરોડના બજેટના હિસાબે વ્યાજની રકમ પણ વધુ હોઈ શકે છે.

સોલો રિલીઝ હવે મુશ્કેલ
'RRR' માટે આખી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી રાજમૌલિની સાથે ઊભી હતી. બીજા મેકર્સે પોતાની ફિલ્મ રિલીઝ ડેટ આગળ વધારી દીધી હતી. હિંદીમાં 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ પણ રિલીઝ ડેટ લંબાવી હતી. 'RRR' હવે જ્યારે પણ રિલીઝ થશે ત્યારે તેલુગુ તથા હિંદીમાં સોલો રિલીઝ મળવાની તક હવે ઓછી છે.