તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'આયરન મેન'ના પિતાનું નિધન:રોબર્ટ ડાઉની સીનિયરનું 85 વર્ષની ઉંમરમાં અવસાન, દીકરાએ પોસ્ટ શૅર કરી

લોસ એન્જલસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડના સુપરસ્ટાર રોબર્ટ ડાઉની જુનિયરના પિતા રોબર્ટ ડાઉની સીનિયરનું બુધવાર, સાત જુલાઈના રોજ 85 વર્ષની ઉંમરમાં અવસાન થયુ હતુ. આ અંગેની માહિતી રોબર્ટ ડાઉન જુનિયરે સો.મીડિયામાં આપી હતી. રોબર્ટે પિતાની જૂની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરી હતી. રોબર્ટે કહ્યું હતું કે તેના પિતા લાંબા સમયથી પાર્કિસન બીમારીથી પીડિત હતા.

ઊંઘમાં જ ગુજરી ગયા
લોકપ્રિય ફિલ્મ 'આયર્ન મેન' તથા 'ધ એવેન્જર્સ' ફૅમ એક્ટર રોબર્ટ ડાઉની જુનિયરે પિતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'RIP બોબ ડી. સીનિયર 1936-2021. પાર્કિસન બીમારી લાંબા સમય સુધી સહન કર્યા બાદ, ગઈ રાત્રે પિતા ઊંઘમાં જ શાંતિથી ગુજરી ગયા. એક સાચા મેવરિક ફિલ્મમેકર હતા અને હંમેશાં આશાવાદી રહ્યા. મારી સાવકી માતાના મતે, તેમના લગ્નને 2000 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. રોજમેરી રોજર્સ ડાઉની, તમે એક મહાત્મા છો. અમારા વિચાર તથા પ્રાર્થના તમારી સાથે છે.'

સેના છોડ્યા પછી ફિલ્મ મેકિંગમાં કરિયર બનાવી હતી
રોબર્ટ ડાઉની સીનિયરનો જન્મ વર્ષ 1936માં ન્યૂયોર્કમાં થયો હતો. તેમનું નામ રોબર્ટ એલિયાસ જુનિયર હતું. પછી તેમણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. તે સેનામાં જવા માગતા હતા અને તેથી જ તેમણે નામ બદલીને સાવકા પિતાનું નામ રાખ્યું. સેનામાં થોડાં દિવસ કામ કર્યા બાદ તે બહેનની સાથે ન્યૂયોર્કમાં રહેવા લાગ્યા હતા. અહીંયા તેમણે ફિલ્મમેકિંગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

ડાઉની સીનિયરે સત્તા વિરોધી ફિલ્મ બનાવી હતી
ડાઉની સીનિયર સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા. તેમણે સત્તા વિરોધી ફિલ્મ બનાવી હતી, જેમાં 'પટની સ્વૉપ', 'ગ્રીસર્સ પ્લેસ' તથા 'મેડિસન એવેન્યૂ' સામેલ છે. તેમણે છેલ્લે 2005માં ડોક્યુમેન્ટ્રીનું ડિરેક્શન કર્યું હતું. આ ડોક્યુમેન્ટ્રીનું નામ 'રિટનહાઉસ સ્કેવર' હતું. આ ડોક્યુમેન્ટ્રી ફિલાડેલ્ફિયા પાર્ક અંગે હતી.

રોબર્ટ ડાઉની સીનિયરે 'ટુ લિવ એન્ડ ડાય ઇન LA'માં થોમસ બેટમેન, 'બુગી નાઈટ્સ'માં સ્ટૂડિયો મેનેજર તથા 'મેગનોલિયા'માં શો ડિરેક્ટરની ભૂમિકા ભજવી હતી. રોબર્ટ ડાઉની સીનિયરે ત્રણ લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન એલસી એન ડાઉની સાથે કર્યાં હતાં. આ લગ્નથી તેમને બે બાળકો એક્ટ્રેસ એલીસન ડાઉની તથા એક્ટર રોબર્ટ ડાઉની જુનિયર છે.