અલવિદા રિશી:28 દિવસ પહેલાં કોરોનાવાઈરસને લઈ અંતિમ ટ્વીટ કરી હતી, દોઢ વર્ષ સુધી કેન્સર સામે ઝઝૂમ્યાં

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેટરન એક્ટર રિશી કપૂરે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 28 દિવસથી તેઓ સોશિયલ મીડિયાથી દૂર હતાં. બીજી એપ્રિલે તેમણે અંતિમ ટ્વીટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, તમામ ભાઈ-બહેનોને અપીલ કરું છું કે મહેરબાની કરીને હિંસા, પથ્થમારો કે હત્યાની મદદ ના લેશો. ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પોલીસ તમામ તમને બચાવવા માટ પોતાનું જીવન જોખમમાં મૂકે છે. આપણે ભેગા મળીને કોરોનાવાઈરસ સામેનું યુદ્ધ જીતવાનું છે. પ્લીઝ, જયહિંદ.

ઉલ્લેખનીય છે કે રિશી દોઢ વર્ષ સુધી કેન્સર સામે ઝઝૂમ્યાં હતાં. આ દોઢ વર્ષની જર્ની પર એક નજર કરીએ. 

29 સપ્ટેમ્બર, 2018ના રોજ કહ્યું, સારવાર માટે જઉં છું
29 સપ્ટેમ્બર, 2018ના રોજ તેઓ ન્યૂ યોર્ક સારવાર માટે ગયા હતાં. તેમણે પોતાની બીમારીનો ખુલાસો કર્યો નહોતો. તેમણે લોકોને બીમારીના તુક્કા લગાવવાની ના પાડી હતી. તેમણે ટ્વીટ કરી હતી તમામને હેલ્લો, કોઈ સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છું. હું ચાહકોને અપીલ કરીશ કે તેઓ કોઈ પણ કારણ વગરના તુક્કા ના લડાવે. મને ફિલ્મમાં કામ કરતાં 45 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાને કારણે જલ્દીથી પરત ફરીશ. બે દિવસ બાદ એટલે કે પહેલી ઓક્ટોબરે તેમની માતાનું નિધન થયું. જોકે, રિશી, નીતુ કે રણબીર કોઈ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં. 

જાન્યુઆરી 2019: ઓક્ટોબર, 2018ના પહેલાં જ વીકથી ચર્ચા થતી હતી કે રિશી કપૂરને કેન્સર છે. જોકે, તેમના ભાઈ રણધીરે આ વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હજી સુધી રિપોર્ટ્સ આવ્યા નથી. જાન્યુઆરી, 2019માં જ્યારે આખી દુનિયાએ નવું વર્ષ સેલિબ્રેટ કર્યું ત્યારે નીતુએ પોતાની પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે રિશીને કેન્સર છે. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, હેપ્પી 2019, આ વર્ષે કોઈ સંકલ્પ લઈશ નહીં માત્ર પ્રાર્થના કરીશ. દુનિયામાં ટ્રાફિક પોલ્યુશન ઓછું થાય. આશા છે કે ભવિષ્યમાં કેન્સર બીમારી નહીં માત્ર રાશિનું નામ બનીને રહી જાય.

જાન્યુઆરી 2019: સારવાર પર રિશીએ વાત કરી
જાન્યુઆરી 2019ના અંતિમ વીકમાં બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં પહેલી જ વાર રિશી પોતાની બીમારીને લઈને બોલ્યા હતાં. તેમણે કહ્યું હતું, મારી સારવાર ચાલે છે. આશા છે કે જલ્દી ઠીક થઈ જઈશ અને ભગવાને ઈચ્છ્યું તો પરત આવીશ. આ સારવારની પ્રક્રિયા લાંબી તથા થકવી નાખનારી છે. આ પરિસ્થિતિમાં ધીરજ રાખવી જરૂરી છે. મારામાં આ ગુણ નથી. અત્યારે મારી પાસે કોઈ ફિલ્મ નથી અને આ વિશે વિચારતો પણ નથી. હું ફ્રેશ રહેવા ઈચ્છું છું. આ બ્રેક મારી સારવારમાં મદદરૂપ સાબિત થશે. 

એપ્રિલ 2019: રાહુલ રવૈલે કહ્યું, રિશી કેન્સર ફ્રી
એપ્રિલ, 2019ના રોજ રિશીના ખાસ મિત્ર રાહુલ રવૈલે કહ્યું હતું કે રિશી કેન્સરની સારવાર માટે જ ન્યૂ યોર્ક ગયા હતાં. તેમણે પોસ્ટમાં કહ્યું હતું, રિશી (ચિંટુ)ને કેન્સરમાંથી આઝાદી મળી. 

10 મહિના બાદ રિશીએ કહ્યું, કેન્સરની સારવાર ચાલતી હતી ઓગસ્ટ 2019માં રિશીએ એક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં કહ્યું હતું, હું મારી બીમારીને 10 મહિનાની લાંબી રજાઓ તરીકે જોવું છું. જોકે, ઘરમાં બનેલી નરમ રોટલીઓ, પોમ્ફ્રેટ ફિશને મિસ કરું છું. મને તેનો સ્વાદ અહીંયા (ન્યૂ યોર્ક)માં મળતો નથી. કેન્સર તથા તેની સારવારે મને બદલી નાખ્યો છે. હું આ દરમિયાન પોતાને શાંત રાખતા શીખ્યો. પહેલાં પરિવાર તથા ચાહકો પર ગુસ્સે થતો હતો. જોકે, હવે મેં ગુસ્સાને કાબૂમાં રાખવાનું શીખી લીધું છે. હું પરિવાર તથા ચાહકોનો આભારી છું કે તેમણે મને આટલો બધો પ્રેમ કર્યો. મારી પત્ની નીતુ મજબૂતાઈથી મારી સાથે ઊભી રહી. મારા પરિવારે મને લડવાની તાકાત આપી. 

સપ્ટેમ્બર 2019: 11 મહિના ને 11 દિવસ બાદ રિશી ભારત પરત ફર્યાં
10 સપ્ટેમ્બર, 2019ના રોજ રિશી કપૂર પત્ની નીતુ સાથે ભારત પરત ફર્યાં હતાં. રિશીએ ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી હતી અને કહ્યું હતું, કમબેક, 11 મહિના 11 દિવસ. તમામનો આભાર. આ સમય દરમિયાન કેટલાંક તસવીરો વાયરલ થઈ હતી, તેઓ એરપોર્ટ પર સ્માઈલ સાથે જોવા મળ્યાં હતાં. 

જાન્યુઆરી 2020: દિલ્હીની હોસ્પિટલમાં દાખલ 
જાન્યુઆરી, 2020ના છેલ્લાં વીકમાં રિશી નવી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અહીંયા તેઓ બહેન રિતુ નંદાની શોકસભામાં સામેલ થવા આવ્યા હતાં. આ ઉપરાંત તેઓ ‘શર્માજી નમકીન’નું શૂટિંગ પણ કરતાં હતાં. તબિયત ખરાબ થતાં 31 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. 

ડિસ્ચાર્જ બાદ રિશીએ ટ્વીટ કરીને કહ્યું હતું, પ્રિય પરિવારજનો, દોસ્તો, વિરોધીઓ તથા ચાહકોએ મારા સ્વાસ્થ્યને લઈ ચિંતા પ્રગટ કરી તેનાથી અભિભૂત થયો. તમારો ઘણો જ આભાર. હું છેલ્લા 18 દિવસથી દિલ્હીમાં શૂટિંગ કરતો હતો. પ્રદૂષણ તથા ન્યૂટ્રોફિલ્સની ઉણપને કારણે મને ઈન્ફેક્શન થયું. આથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. થોડો તાવ હતો અને તપાસ દરમિયાન ડોક્ટરને એક પેચ મળ્યો, જેને કારણે ન્યૂમોનિયા થઈ શકતો હતો. હાલમાં પેચ કાઢી નાખવામાં આવ્યો છે. લાગે છે કે લોકોએ કંઈક અલગ જ વિચારી લીધું. હું એ તમામ વાતો પર પૂર્ણવિરામ મૂકું છું. તમારું મનોરંજન કરવા તત્પર છું. હાલમાં મુંબઈમાં છું. 

ત્યારબાદ વાયરલ તાવ આવતા ફરી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને ત્યાંથી જલ્દીથી રજા મળી ગઈ હતી. 

29 એપ્રિલના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને અહીંયા જ અંતિમ શ્વાસ લીધા હતાં. 

અન્ય સમાચારો પણ છે...