રિયાનું કરિયાણાની જેમ ડ્રગ્સનું પણ બજેટ હતું!:સુશાંત માટે જ નહીં, ભાઈ શોવિક માટે પણ ડ્રગ્સની ખરીદી કરતી હતી, ચાર્જશીટમાં થયા અનેક ઘટસ્ફોટ

5 મહિનો પહેલાલેખક: આશિષ રાય
  • કૉપી લિંક

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને 760 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કારણ જાણી શકાયું નથી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારે 286 પેકની ડ્રાફ્ટ ચાર્જશીટ NDPS કોર્ટમાં આપી હતી. 237 પાનાંમાં 33 આરોપીનાં નિવેદનોની વિગતો આપવામાં આવી છે. તો પેજ 49માં આરોપી નંબર 10 એટલે કે રિયા, આરોપી નંબર 7 એટલે કે તેના ભાઈ શોવિકની ભૂમિકા જણાવવામાં આવી છે.

એનસીબીએ કોર્ટમાં 6272 પાનાંના ડિજિટલ પુરાવા, 2226 પાનાંના બેંક દસ્તાવેજો અને મોબાઈલ નંબરની સીડી પણ જમા કરાવી છે. પુરાવા તરીકે 2960 દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે.

ભાસ્કરના પત્રકારો અક્ષય બાજપેયી અને આશિષ રાયે 286 પાનાંની ચાર્જશીટને વિગતવાર સમજવાનો પ્રયાસ કર્યો હતો. તે આધાર પર આરોપી નંબર 10 એટલે કે રિયાની ભૂમિકા જણાવી રહ્યા છીએ. બીજા રિપોર્ટમાં ભાઈ શોવિક અને લોકો વિશે કહેવામાં આવશે.

49 પેજના રિપોર્ટમાં 32 વાર રિયાનું નામ
એનસીબીનાં 49 પાનાંના રિપોર્ટમાં રિયાના નામનો 32 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોઈન્ટ નંબર 11માં લખવામાં આવ્યું છે કે, શોવિક, સેમ્યુઅલના ખુલાસા પછી દીપેશ અને રિયાને 6, 7, 8 સપ્ટેમ્બર 2020ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ડ્રગ્સના કેસમાં આ લોકોની સંડોવણીના પુરાવા મળ્યા હતા. એના આધારે 8 સપ્ટેમ્બર 2020ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી, તે હવે જામીન ઉપર બહાર છે.

10 હજારમાં 5 ગ્રામ ગાંજો
તો પોઈન્ટ નંબર 53માં લખ્યું છે કે 17 માર્ચ 2020ના રોજ સુશાંતના કહેવા પર રિયાના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેના મેનેજર સેમ્યુઅલ મીરાન્ડાએ ઝૈદ વિલાત્રા નામના પેડલર પાસેથી 10,000 રૂપિયામાં 5 ગ્રામ ગાંજા ખરીદ્યો હતો. તો રિયા અને શોવિકે દીપેશ સાવંતને 7000 રૂપિયા આપીને કૈઝાન ઈબ્રાહિમ પાસેથી ચરસ લેવા માટે કહ્યું હતું.

તો ચાર્જશીટના પોઈન્ટ નંબર 63માં લખ્યું છે કે 17 એપ્રિલ, 2020ના રોજ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકે, દીપેશ સાવંતને કૈઝાન ઈબ્રાહિમ પાસેથી ચરસ અને ગાંજો લેવા માટે કહ્યું હતું. માઉન્ટ બ્લેન્ક બિલ્ડિંગ પાસે આ ચરસ અને ગાંજાની સાંજે ડિલિવરી થઈ હતી. દીપેશે કૈઝાનને આ માટે 7 હજાર રૂપિયા આપ્યા હતા. આ પૈસા તેને રિયાએ આપ્યા હતા. રિયા કરિયાણા અને ગાંજાની ખરીદી માટે દીપેશ સાવંતને અલગથી પૈસા આપતી હતી.

25-25 ગ્રામનાં બે પેકેટની ખરીદી
પોઈન્ટ નંબર 64માં લખવામાં આવ્યું છે કે રિયાએ દીપેશ સાવંતને 10,000 રૂપિયા આપ્યા હતા, આ પૈસા સાવંતે માઉન્ટ બ્લેન્ક બિલ્ડિંગની બહાર ડ્વેન ફર્નાન્ડિસને આપ્યા હતા અને તેની પાસેથી 25-25 ગ્રામ ગાંજાનાં બે પેકેટ ખરીદ્યા હતા. રિયાએ શોવિક માટે એ પૈકી એક પેકેટ ખરીદ્યું હતું.

પોઈન્ટ નંબર 78માં લખવામાં આવ્યું છે કે, રિયા ડ્રગ્સના ફાઈનાન્સથી લઈને તેના મેનેજમેન્ટ સુધીનાં તમામ કામ કરતી હતી. 16 માર્ચે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદતાં પહેલાં રિયા ચક્રવર્તીએ તેના ભાઈઓ શોવિક, સેમ્યુઅલ, દીપેશ સાવંત અને અન્ય લોકો સાથે મીટિંગ કરી હતી.

તો ડ્રગ્સની ખરીદી કરતાં પહેલાં એની શું કિંમત છે, એના પૈસા કોણ ચૂકવશે અને ડિલિવરી પર પણ ચર્ચા કરવામાં આવતી હતી. આ પોઈન્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રિયાએ કરિયાણું અને ગાંજો લેવા માટે દીપેશને 7 હજાર રૂપિયા આપ્યા હતા.

ડ્રગ્સના ઉપયોગ માટે રિયાએ સુશાંતને ઘર આપ્યું
પોઈન્ટ નંબર 79માં લખવામાં આવ્યું છે કે નવેમ્બર 2019ના છેલ્લા અઠવાડિયામાં રિયા અને શોવિકની સંમતિથી ડ્રગ્સ તેના ઘરે પહોંચાડવામાં આવ્યું હતું. ડ્રગ્સનો ઉપયોગ કરવા માટે રિયાએ સુશાંતને પોતાનું ઘર આપ્યું હતું.

NCBના જણાવ્યા અનુસાર, આ NDPS એક્ટનું ઉલ્લંઘન છે. એનસીબીનો આરોપ છે કે રિયાએ તેના ઘરે ડ્રગ્સની ડિલિવરી લીધી હતી. તેના ઘરે ડ્રગ્સનો સંગ્રહ પણ કર્યો હતો. ડ્રગ્સ માટે પૈસા પણ ચૂકવ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે રિયા ડ્રગ્સના વેપારમાં એક્ટિવ હતી અને તેના ભાઈએ આ કામમાં રિયાને સંપૂર્ણ મદદ કરી હતી.

સુશાંતને ડ્રગ્સ પહોંચાડવામાં આ 5 લોકોનો હતો મહત્ત્વનો હાથ
પોઈન્ટ નંબર 81માં એનસીબીએ જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તી આ આખી ગેમ કેવી રીતે ઓપરેટ કરી રહી હતી, જેનો NCBએ ફ્લો ચાર્ટ બનાવ્યો છે. એમાં રિયાને વચ્ચે રાખીને તેની ચેટ, બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શન બતાવવામાં આવ્યાં છે. રિયા જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરતી હતી એ પણ દર્શાવવામાં આવ્યો છે.

પોઈન્ટ નંબર 132માં લખ્યું છે કે પાંચ લોકો દ્વારા ડ્રગ્સ સુશાંત સુધી પહોંચતું હતું. પ્રથમ ડ્રગ-પેડલર અનુજ કેસવાની તેને કૈઝાન ઈબ્રાહિમ સુધી પહોંચાડતો હતો. આ પછી તે સુશાંતના ઘરઘાટી દીપેશ સાવંત પાસે પહોંચતો હતો. દીપેશ પાસેથી શોવિક કે રિયા સુધી અને રિયા દ્વારા સુશાંત સુધી આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું.

3 મોટી એજન્સીમાં NCB પહેલી છે, જે ચાર્જશીટના સ્ટેજ સુધી પહોંચી છે
NCB પહેલી એજન્સી બની છે, જે સુશાંતના મૃત્યુના મામલામાં ચાર્જશીટ સુધી પહોંચવામાં સફળ રહી છે. સીબીઆઈએ આ કેસમાં 6 ઓગસ્ટ 2020ના રોજ કેસ નોંધ્યો હતો. એની તપાસ કર્યાને 708 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી એજન્સીના હાથમાં કંઈ આવ્યું નથી. તો EDને પણ કંઈ મળ્યું નથી.

આ ત્રણ એજન્સી ઉપરાંત મુંબઈ અને બિહાર પોલીસે પણ આ કેસમાં તપાસ કરી હતી. મુંબઈ પોલીસે સુશાંતના મૃત્યુને આત્મહત્યા ગણાવી છે .બિહાર પોલીસે કહ્યું કે મુંબઈ પોલીસે અમને તપાસ કરવા દીધી નથી.