શૂટિંગ અપડેટ:બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ગુજરાતમાં 'રામ સેતુ'નું શૂટિંગ કરશે?

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અક્ષય કુમાર લંડનમાં રકુલ પ્રીત સાથે અનટાઇટલ્ડ મૂવીનું શૂટિંગ કરી રહ્યો છે.

અક્ષય કુમાર હાલમાં લંડનમાં એક અનટાઇટલ્ડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રકુલ પ્રીત સિંહ છે. અક્ષય કુમાર ઓક્ટોબરમાં ભારત પરત ફરશે. ભારત પરત ફર્યા બાદ અક્ષય કુમાર 'રામ સેતુ'નું શૂટિંગ શરૂ કરશે. માનવામાં આવે છે કે અક્ષય કુમાર ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં આવીને કરશે.

ભારત આવીને 'રામ સેતુ'નું શૂટિંગ કરશે
અક્ષય કુમાર ઓક્ટોબરમાં ભારત આવશે. અહીંયા આવીને તે તરત જ પોતાની આગામી ફિલ્મ 'રામ સેતુ'નું શૂટિંગ કરશે. અક્ષય કુમાર ડિસેમ્બર સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત માર્ચ, 2021માં અયોધ્યામાં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં શૂટિંગ પણ થયું હતું. જોકે, પછી કોરોનાની બીજી લહેર આવી જતાં મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અક્ષય કુમાર સહિત સેટ પર 45 લોકોને કોરોના થતાં શૂટિંગ કેન્સલ થયું હતું.

શ્રીલંકામાં શૂટિંગ થવાનું હતું
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, પહેલાં એવી ચર્ચા હતી કે ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં પણ કરવામાં આવશે. જોકે, શ્રીલંકાએ વિદેશથી આવતા પ્રવાસીઓએ ફરજીયાત સાત દિવસ ક્વૉરન્ટિન થવાનો નિયમ બનાવ્યો છે અને તેથી જ હવે ત્યાં શૂટિંગ કરવામાં આવશે નહીં.

કેરળમાં શૂટિંગ કરવાનું વિચાર્યું હતું
શ્રીલંકાને બદલે મેકર્સે કેરળમાં શૂટિંગ કરવાનું વિચાર્યું હતું. જોકે, હવે કેરળ કોરોનાના કેસનું હોટસ્પોટ બની ગયું છે. આથી જ મેકર્સે અન્ય રાજ્યમાં શૂટિંગ કરવાનું વિચાર્યું છે. મેકર્સે ગુજરાતની પસંદગી કરી છે. માનવામાં આવે છે કે ગુજરાતના દરિયાકિનારે આ ફિલ્મનું શૂટિંગ થશે. ગુજરાત ફિલ્મના શૂટિંગ માટે બેસ્ટ પ્લેસ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં જ્યારે સિરિયલના શૂટિંગ બંધ થઈ ગયા હતા ત્યારે મોટાભાગના મેકર્સે ગુજરાતમાં આવીને શૂટિંગ કર્યું હતું.

ફિલ્મને અભિષેક શર્મા ડિરેક્ટ કરશે
આ ફિલ્મને 'તેરે બિન લાદેન' તથા 'પરમાણુ' જેવી ફિલ્મ ડિરેક્ટ કરનારા અભિષેક શર્મા ડિરેક્ટ કરશે. ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરૂચા છે.

'રામ સેતુ' એક્શન એડવેન્ચર ડ્રામા છે
'રામ સેતુ' અક્ષય કુમારની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી ક્રિએટિવ પ્રોડ્યુસર છે. ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિઝ તથા નુસરત ભરૂચા મહત્ત્વના રોલમાં છે. ડૉ. દ્વિવેદીએ અક્ષય કુમારને ફિલ્મ 'પૃથ્વીરાજ'માં ડિરેક્ટ કર્યો છે. આ ફિલ્મની વાર્તા સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વારસાનાં મૂળિયાં શોધવા પર આધારિત છે. 'રામ સેતુ' થિયેટરમાં રિલીઝ થશે અને પછી એમેઝોન પર સ્ટ્રીમ થશે.

અક્ષયની હાલમાં જ 'બેલ બોટમ' રિલીઝ થઈ
અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ' 19 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધી 25.63 કરોડની કમાણી કરી છે. અક્ષય કુમારે કોરોનાકાળમાં 'પૃથ્વીરાજ', 'અતરંગી રે' તથા 'રક્ષાબંધન'નું શૂટિંગ પૂરું કર્યું હતું. 'બચ્ચન પાંડે' તથા 'સૂર્યવંશી' રિલીઝ માટે તૈયાર છે.