એક્ટર રસિક દવેનું શુક્રવાર, 29 જુલાઈના રોજ 65 વર્ષની ઉંમરમાં કિડની ફેલ્યરને કારણે અવસાન થયું છે. સૂત્રોના મતે, તેઓ છેલ્લા બે વર્ષથી ડાયલિસિસ પર હતા. તેમના અંતિમ સંસ્કાર આજે એટલે કે 30 જુલાઈના રોજ સવારે સાત વાગે કરવામાં આવ્યા હતા. ગુજરાતી નાટકો ઉપરાંત તેમણે ફિલ્મ તથા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. બી આર ચોપરાના 'મહાભારત'માં નંદનો રોલ પ્લે કર્યો હતો. પહેલી ઓગસ્ટના રોજ સાંજે પાંચથી સાત વાગે મુંબઈના જૂહુ ઇસ્કોન મંદિરમાં પ્રાર્થના સભા રાખવામાં આવી છે.
કિડનીની બીમારી હતી
સૂત્રોના મતે, રસિક દવેને લાંબા સમયથી કિડનીની બીમારી હતી અને ડાયલિસિસ પર હતા. છેલ્લાં એક મહિનાથી તેમની તબિયત ઘણી જ લથડી ગઈ હતી. રસિક દવેએ લોકપ્રિય ટીવી એક્ટ્રેસ કેતકી દવે સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી ને એક દીકરો છે. કેતકી દવે લોકપ્રિય એક્ટ્રેસ સરિતા જોષીની દીકરી છે. સરિતા જોષી હાલમાં ટીવી સિરિયલ 'પુષ્પા ઇમ્પોસિબલ'માં જોવા મળે છે. કેતકી દવે 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'માં દક્ષાનો રોલ પ્લે કર્યો હતો. સિરિયલમાં 'અરરર..' ડાયલોગ બોલીને દેશભરમાં લોકપ્રિય થઈ હતી.
ચાહકોએ શ્રદ્ધાંજલિ પાઠવી
રસિક દવેના અવસાનથી સો.મીડિયામાં ચાહકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાતી થિયેટર કંપનીના માલિક
રસિક દવે તથા કેતકી દવેએ ઘણી સિરિયલમાં સાથે કામ કર્યું છે. તેઓ એક થિયેટર કંપનીના માલિક છે.
'પુત્રવધૂ' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી
રસિક દવેએ 1982માં ગુજરાતી ફિલ્મ 'પુત્રવધૂ'થી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 'મહાભારત', 'સંસ્કારઃ ધરોહર અપનો કી' જેવા હિંદી શોમાં પણ કામ કર્યું હતું. 2006માં ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે'માં પત્ની કેતકી સાથે જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.