રણવીર શૌરી ટ્રોલ:એક્ટરે તાજમહેલના રૂમ ખોલવાની માગણી કરી, યુઝર્સે કહ્યું- મગજ ખોલવાની જરૂર છે

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાની સાત અજાયબીમાંથી એક તાજમહેલ અંગે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં તાજમહેલ અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં તાજમહેલના 20 રૂમ ખોલવાની વાત કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ 20 રૂમ ખોલવાથી ખ્યાલ આવશે કે તાજમહેલની અંદર મંદિર હતું કે નહીં. જોકે, હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. હવે એક્ટર રણવીર શૌરીએ આ અંગે સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી.

શું કહ્યું રણવીરે?
રણવીરે કહ્યું હતું, 'વિશ્વાસ નથી થતો કે 21મી સદીમાં, આઝાદીના 70 વર્ષ પછી પણ ભારતમાં રાષ્ટ્રીય ઐતિહાસિક બિલ્ડિંગમાં તાળા લગાવેલા સિક્રેટ્સ રૂમ છે. મહેરબાની કરીને આને ખોલો અને અમને કહો કે તેમાં શું છે. પછી આપણે પણ ઇન્ડિઆના જોન્સ જેવી ફિલ્મ બનાવી શકીએ.' નોંધનીય છે કે 'ઇન્ડિઆના જોન્સ' અમેરિકન ફિલ્મ છે. આ ફિલ્મ પુરાતત્વશાસ્ત્રના કાલ્પિનિક પ્રોફેસરના સાહસો પર આધારિત છે. આ ફિલ્મના અત્યાર સુધી ચાર ભાગ આવી ગયા છે. પાંચમો ભાગ 2023માં રિલીઝ થશે.

યુઝર્સે ટ્રોલ કર્યો
રણવીર સિંહને આ પોસ્ટ અંગે ટ્રોલ કરવામાં આવ્યો છે. યુઝર્સે કહ્યું હતું કે જો રણવીર આ બધી વાતમાં વિશ્વાસ કરે છે તો તે મૂર્ખ છે. એક યુઝરે કહ્યું હતું કે રણવીર શૌરી વ્હોટ્સએપમાંથી વાંચીને અહીંયા બધું પોસ્ટ કરે છે. અન્ય એકે યુઝરે કહ્યું હતું કે 21મી સદીમાં બેકારી, મોંઘવારીને બદલે તાજમહેલ પર ચર્ચા કરવામાં આવી રહી છે, આ યોગ્ય નથી. એક યુઝરે કહ્યું હતું કે રૂહઅફ્ઝાની સિક્રેટ રેડ રેસિપી ત્યાં છુપાયેલી છે. બીજા એકે એવી કમેન્ટ કરી હતી કે સૌ પહેલાં તારા મગજને ખોલવાની જરૂર છે, પરંતુ શું ફાયદો, અંદર છાણ ને ઘાસ જ ભરેલું હશે.

ઉલ્લેખનીય છે કે શાહજહાંએ 1632માં બેગમ મુમતાઝ માટે તાજમહેલ બનાવવાની શરૂઆત કરી હતી. આ મકબરો 1653માં તૈયાર થયો હતો. 22 વર્ષમાં 22 હજાર મજૂરોએ આ મકબરો બનાવ્યો હતો.

હાઇકોર્ટમાં શું અરજી કરવામાં આવી?
હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અહીંયા પહેલાં શિવ મંદિર હતું અને તેની ઉપર મકબરો બનાવવામાં આવ્યો છે. આ મંદિરનું નામ તેજો મહાલય છે. તાજમહેલના રૂમ છેલ્લે 1934માં ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી કંઈ જ મળ્યું નહોતું.