'જયેશભાઈ જોરદાર'નો ભાસ્કર ઇન્ટરવ્યુ:રણવીર સિંહે કહ્યું, પત્ની દીપિકાનો ઓપિનિયન ઘણો જ મહત્ત્વનો, મારે દીકરી જોઈએ'

મુંબઈ10 દિવસ પહેલા

13 મેના રોજ રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' રિલીઝ થઈ છે. રણવીરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને ફિલ્મના મેકિંગ તથા કરિયર અંગે વાત કરી હતી. રણવીરે પર્સનલ લાઇફ અંગે કહ્યું હતું કે તેને દીકરી જોઈએ છીએ.

બૉડી ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કર્યું?
હું દરેક પાત્ર માટે પ્રયાસ કરું છું કે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કરું. મારી આખી પ્રોસેસમાં શરૂઆત જ ત્યાંથી થાય છે. જ્યાં સુધી મારી બૉડીમાં ફેરફાર થતો નથી, ત્યાં સુધી કેરેક્ટરાઇઝેશન થતું નથી અને મને એવું ફીલ થતું નથી. જ્યારે મેં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું ત્યારે આખું ડાયટ ચેન્જ કર્યું હતું. એ જ રીતે આ ફિલ્મની વર્કશોપમાં એવું લાગ્યું જ નથી કે બમન સરના કેરેક્ટરથી હું ડરી ગયો છે, આથી જ મને કહેવામાં આવ્યું કે તારે મસલ્સ ઘટાડવા પડશે. મેં બે વીકનો બ્રેક લીધો અને એકદમ દૂબળો-પાતળો બની ગયો. ફિલ્મમાં જયેશ પોતાના પિતાથી ઘણો જ ડરે છે. મેં ડાયટ બદલ્યું અને પૂરી રીતે વીગન થયો.

તમારે દીકરો જોઈએ કે દીકરી?
સૌ પહેલા હું એમ કહીશ કે મને હમણાં જ એક મહિલા મળી હતી. તેણે કહ્યું હતું કે તમે જે વાત ફિલ્મમાં કરી, એવું મારી સાથે બન્યું હતું. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારાં દાદી મને મળવા નહોતાં આવ્યાં. તેઓ મને જોવા પણ ઈચ્છતાં નહોતાં. મારા પિતાએ તેમની પાસે જઈને ભીખ માગી હતી કે આવું ના કરો. આ વાત મને સ્પર્શી ગઈ હતી. આ કેરેક્ટર મારા દિલની નિકટ છે. પર્સનલી કહું તો મને દીકરી જોઈએ. મને લાગે છે કે દીકરો મારા જેવો બદમાશ હશે.

ડેબ્યુથી લઈ અત્યારસુધી એક્ટિંગમાં શું પરિવર્તન આવ્યું?
મેં જ્યારે આ ફિલ્મ જોઈ ત્યારે લાગ્યું કે યાર 10 વર્ષમાં હું કંઈક તો શીખ્યો જ છું. પહેલાં હું બહુ જ રૉ હતો અને એક્સપ્લોરેશનના મૂડમાં હતો. હવે હું એફિશિયન્ટ એક્ટર બની ગયો છું.

દીપિકા અને તમે એકબીજાની ફિલ્મ પર કેવું રિએક્શન આપો છો?
મારા માટે તેનો ઓપિનિયન ઘણો જ મહત્ત્વનો છે. તે ઓનેસ્ટલી વાત કરે છે. મારી લાઇફમાં જે સર્કલ છે, એ સ્મોલ છે. મારા પેરેન્ટ્સ, પરિવાર, ફ્રેન્ડ્સ તથા ટીમ સ્મોલ સર્કલ છે, પરંતુ એ સર્કલની દરેક વ્યક્તિ પર હું ઘણો જ વિશ્વાસ કરું છું.