બોલિવૂડ સ્ટાર કપલ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે લક્ઝૂરિયસ હોલિડે હોમ ખરીદ્યું છે. બંનેએ હાલમાં જ મહારાષ્ટ્રના અલીબાગમાં લક્ઝૂરિયસ બંગલો ખરીદ્યો છે. નોંધનીય છે કે શાહરુખ ખાનનો બંગલો પણ અલીબાગમાં છે. અહીંયા તે ઘણીવાર વીકેન્ડ પર આવતો હોય છે.
બે બંગલો ખરીદ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડાં દિવસ પહેલાં જ રણવીર તથા દીપિકા અલીબાગમાં આવેલી રજિસ્ટર ઓફિસમાં જોવા મળ્યા હતા. બંનેએ અહીંયા પેપરવર્ક પૂરું કર્યું હતું. બંનેએ અલીબાગના કોસ્ટલ એરિયામાં બે બંગલો ખરીદ્યા છે. આ બંગલાની આસપાસ નારિયેળીના ઝાડ છે. આ બંગલાની કિંમત હજી સુધી બહાર આવી નથી.
વહેલી સવારે અલીબાગ આવ્યા હતા
દીપિકા તથા રણવીર ગઈ કાલે (13 સપ્ટેમ્બર) વહેલી સવારે કારમાં અલીબાગ જવા નીકળ્યા હતા. દીપિકાએ રણવીર કારમાં સૂતો હોય તેવી પોસ્ટ પણ સો.મીડિયામાં શૅર કરી હતી. પેપર વર્ક પૂરું થયા બાદ ટૂંક સમયમાં દીપિકા-રણવીરને બંગલાનું પઝેશન મળી જશે.
બેંગલુરુમાં પણ ઘર ખરીદ્યું
ગયા મહિને દીપિકાએ બેંગલુરુમાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી બુક કરાવી હતી. આ અપાર્ટમેન્ટ લક્ઝૂરિયસ હોવાનું માનવામાં આવે છે. દીપિકાએ રોકાણના હેતુથી આ અપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
મુંબઈમાં 4BHK ફ્લેટ
દીપિકાએ 2010માં મુંબઈના પ્રભાદેવીમાં લક્ઝૂરિયસ 4BHK(બેડરૂમ, હોલ, કિચન) અપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ બંને આ અપાર્ટમેન્ટમાં રહે છે. નોંધનીય છે કે જુલાઈ, 2021માં રણવીર સિંહે મર્સિડિઝ મેબેક GLS 600 ખરીદી હતી. આ કારની કિંમત 2.43 કરોડ રૂપિયા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા-રણવીર ફિલ્મ '83'માં સાથે જોવા મળશે. આ ઉપરાંત દીપિકા 'ફાઇટર', 'પઠાણ', 'ધ ઇન્ટર્ન'માં જોવા મળશે. શકુન બત્રા તથા નાગ અશ્વિનની અનટાઇટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે. રણવીર સિંહ 'સર્કસ, 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા 'જયેશભાઈ જોરદાર'માં દેખાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.