રણવીર સિંહની જંગી ડીલ:રણવીર-દીપિકા હવે શાહરુખ-સલમાનના પાડોશી બનશે, બાંદ્રામાં 119 કરોડમાં અપાર્ટમેન્ટના ચાર માળ ખરીદ્યા

મુંબઈ3 મહિનો પહેલા

બોલિવૂડ સુપરસ્ટાર્સ શાહરુખ ખાન તથા સલમાન ખાનને નવો પડોશી રણવીર સિંહ મળ્યો છે. રણવીર સિંહે બાંદ્રામાં શાહરુખના મન્નત તથા સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની નજીકમાં નવી પ્રોપર્ટી ખરીદી છે.

119 કરોડનો ફ્લેટ ખરીદ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણવીર તથા તેના પિતા જગજીત સુરેન્દ્ર ભાવનાનીએ 119 કરોડના અપાર્ટમેન્ટ બુક કરાવ્યા છે. પ્રોપર્ટી 'ઓહ ફાઇવ મીડિયા વર્ક્સ LLP' હેઠળ રજિસ્ટર કરવામાં આવી છે. સાગર રેશમ બિલ્ડિંગમાં 16, 17, 18 તથા 19મા ફ્લોર લેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગ હજી અન્ડર કન્સ્ટ્રક્શન છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જૂની બિલ્ડિંગ હતી અને રિડેવલપ્મેન્ટમાં ગઈ છે. રણવીરનું અપાર્ટમેન્ટ 11,266 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. આ ઉપરાંત 1300 સ્કેવર ફુટનું ધાબુ પણ છે. આટલું જ નહીં 19 કાર પાર્ક થઈ શકે, તેટલો પાર્કિંગ સ્પેસ છે. રણવીરે 7.13 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. રજિસ્ટ્રેશન આઠ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી તથા જયા બચ્ચન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં પૂજા હેગડે સાથે જોવા મળશે. દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે 'પઠાન'માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે 'ફાઇટર'માં કામ કરી રહી છે. અમિતાભ બચ્ચન સાથે 'ધ ઇન્ટર્ન'માં કામ કરશે. પ્રભાસ સાથેની ફિલ્મનું શૂટિંગ થોડાં સમય પહેલાં જ હૈદરાબાદમાં કર્યું હતું.