ક્રૂર હત્યા:ઈરાની ડિરેક્ટરે લગ્નની ના પાડી તો મા-બાપે ઠંડા કલેજે હત્યા કરીને લાશના ટૂકડા બેગમાં ભરીને ફેંકી દીધા

તેહરાન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બબાક લંડનમાં રહીને શોર્ટ ફિલ્મ બનાવતો હતો
  • બાળકોને ફિલ્મ સ્ટડી ભણવવા માટે તે લંડનથી ઈરાન આવ્યો હતો

ઈરાનમાં હાલમાં જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક ફિલ્મ ડિરેક્ટરની હત્યા કરી નાખવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે ડિરેક્ટરના મા-બાપે જ તેની હત્યા કરી હતી. આટલું જ નહીં મા-બાપે હત્યા કર્યા બાદ દીકરાની લાશના ટૂકડા કરીને તેને બેગમાં ભરીને ફેંકી દીધા હતા.

લગ્ન ના કર્યા તો હત્યા કરી
47 વર્ષીય બબાક ખોર્રામદીન લંડનમાં રહીને ફિલ્મ બનાવતો હતો. ડેલી મેલના અહેવાલ પ્રમાણે, તે ઈરાનમાં બાળકોને ફિલ્મ સ્ટડીઝ ભણવવા માટે પરત ફર્યો હતો. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના પેરેન્ટ્સે લગ્ન અંગે ચર્ચા કરી હતી. જોકે, બબાકે લગ્નની ના પાડી તો તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ડિરેક્ટરના પરિવારે તેની હત્યા કરી નાખી હતી.

પિતાએ ગુનો કબૂલ કર્યો
તેહરાન ક્રિમિનલ કોર્ટના હેડ મોહમ્મદ શાહરિયારીએ કહ્યું હતું કે ડિરેક્ટરના પિતાએ કબૂલ કર્યું છે કે તેમણે સૌ પહેલાં દીકરાને એનેસ્થેસિયા આપ્યું હતું. ત્યારબાદ તેની પર ચાકુથી હુમલો કર્યો હતો. દીકરાનું મોત થઈ જતાં તેમણે ચાકુથી દીકરાની લાશના ટુકડા કર્યા હતા. પછી લાશના ટુકડા બેગમાં ભરીને ફેંકી દીધી હતી. ડિરેક્ટરના માતા-પિતાની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બબાકે વર્ષ 2009માં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ ઓફ યુનિવર્સિટી ઓફ તેહરાનમાંથી સિનેમામાં માસ્ટર્સ ડિગ્રી લીધી હતી. ત્યારબાદ તે લંડન ગયો હતો. અહીંયા કેટલીક શોર્ટ ફિલ્મ બનાવી હતી, જેમાં 'ક્રેવાઈઝ' તથા 'ઓથ ટ્રૂ યશર' સામેલ છે.

બબાકના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશનમાં
બબાકના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશનમાં

ઈરાનમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં વધારો
આ અંગે ઈરાન ઈન્ટરનેશનલ ટીવીના એડિટર જેસન બ્રોડસ્કીએ કહ્યું હતું કે ડિરેક્ટરની હત્યા એ વાતનો પુરાવો છે કે ઈરાનમાં ઘરેલુ હિંસા કઈ હદે થઈ રહી છે. આ પહેલાં અલી નામના યુવકની હત્યા તેના જ પરિવારે કરી હતી, કારણ કે તે ગે હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે 14 વર્ષની કિશોરી રોમિનાનું ઓનર કિલિંગ કરવામાં આવ્યું હતું. તેના પિતાએ રોમિનાનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. 2020માં ચાઈલ્ડ પ્રોટેક્શન કાયદો પાસ થયો હોવા છતાંય પરિસ્થિતિ આ હદે ખરાબ છે. આ એક એવો મુદ્દો છે, જેના પર ઈન્ટરનેશનલ સમુદાયે પણ ધ્યાન આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન તથા ક્વૉરન્ટીન જેવી પરિસ્થિતિમાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. આ કારણે પરિવારની વચ્ચે તણાવ વધ્યો છે અને તે જ કારણે હિંસા થઈ રહી છે.