એક્ટરનું માફીનામુ:'રંગ દે બસંતી' ફૅમ સિદ્ધાર્થે અંતે સાઈના નેહવાલની માફી માગી, કહ્યું- 'તમે હંમેશાં મારા માટે ચેમ્પિયન રહેશો'

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

'રંગ દે બસંતી' ફૅમ સિદ્ધાર્થ બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલ પર 'સેક્સિસ્ટ' કમેન્ટ કરી હતી. આ કમેન્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટરને ટ્રોલ કર્યો હતો. અનેક લોકોએ સિદ્ધાર્થના સોશિયલ મીડિયા અકાઉન્ટને બ્લોક કરીને ધરપકડની ડિમાન્ડ કરી હતી. અનેક ચાહકોએ માગણી કરી હતી સિદ્ધાર્થ સાઈના નેહવાલની માફી માગે. વિવાદ વધતા સિદ્ધાર્થે સો.મીડિયામાં પોતાની કમેન્ટ માટે સાઈના નેહવાલની માફી માગીને ઓપન લેટર લખ્યો છે.

સિદ્ધાર્થે કહ્યું, ડિયર સાઈના, મને માફ કરી દો
સિદ્ધાર્થે કહ્યું હતું, 'ડિયર સાઈના થોડાં દિવસ મેં તમારી એક પોસ્ટના જવાબમાં તમારી સાથે અશિષ્ટ મજાક કરી હતી અને તે અંગે હું માફી માગું છું. હું તમારી અનેક વાતો સાથે અસહમત હોઈ શકું, પરંતુ જ્યારે પણ હું તમારી પોસ્ટ વાચું છું તો મારી નિરાશા અથવા ગુસ્સા માટે મારા ખોટા શબ્દોને યોગ્ય ઠેરવી શકતા નથી. મને ખ્યાલ છે કે મારામાં આનાથી વધારે ગ્રેસ છે. જ્યાં સુધી જોકની વાત છે તો હું તેને સમજાવવાનો પ્રયાસ કરું તો પહેલી વાત તો એ યોગ્ય નથી. તે જોક માટે સોરી.'

'તમે હંમેશાં મારા ચેમ્પિયન રહેશો'
વધુમાં સિદ્ધાર્થે કહ્યું હતું, 'અલબત્ત, મને ખ્યાલ છે કે મેં ખોટા ઈરાદાથી મારી મજાક તથા વર્ડ પ્લેનો ઉપયોગ કર્યો નહોતો. હું મહિલાઓનું સન્માન કરું છું. મને આશા છે કે સાઈના આ માફીનો સ્વીકાર કરશે અને આ ભૂલીને આગળ વધશે. તમે હંમેશાં મારા ચેમ્પિયન રહેશો. આ ઈમાનદારીથી કહી રહ્યો છું.'

શું છે સમ્રગ બાબત?
સાઈનાએ સો.મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના ફિરોઝપુર ખાતે થયેલી સુરક્ષામાં ચૂક થઈ એની નિંદા કરી હતી. સાઈનાએ કહ્યું હતું, 'કોઈ પણ રાષ્ટ્રના વડાપ્રધાનની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવે તો તે રાષ્ટ્ર ક્યારેય પોતાને સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં. હું કડક શબ્દોમાં અરાજકતાવાદીઓએ વડાપ્રધાન મોદી પર કરેલા કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું.'

સાઈનાની આ પોસ્ટ પર એક્ટર સિદ્ધાર્થે ચેમ્પિયન માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું, 'ભગવાનનો આભાર છે કે આપણી પાસે ભારતના રક્ષક છે. ધિક્કાર છે તમારી પર.' આ લાઇન્સની સાથે સિદ્ધાર્થે હેશટૅગમાં રિહાન્ના શબ્દનો ઉપયોગ કર્યો હતો.