ભદ્દા જોકનું પરિણામ:એક્ટર રણદીપ હુડ્ડાએ યુનાઈટેડ નેશન્સનાં એન્વાયરમેન્ટ બોડીનું એમ્બેસેડર પદ ગુમાવ્યું, સો.મીડિયા યુઝર્સે કહ્યું- તેને અરેસ્ટ કરો

મુંબઈએક વર્ષ પહેલા
  • રણદીપ હુડ્ડાએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર ભદ્દો જોક કર્યો હતો
  • સંગઠને વેબસાઈટ પર લખ્યું, હવે તે એમ્બેસડર તરીકે કામ નહીં કરે
  • રણદીપને ફેબ્રુઆરી, 2020માં ત્રણ વર્ષ માટે યુનાઈટેડ નેશન્સે એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો હતો

હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ'માં મુખ્ય વિલનના રોલમાં જોવા મળેલ રણદીપ હુડ્ડા બહુજન સમાજ પાર્ટીના નેતા તથા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર ભદ્દો જોક કરીને વિવાદમાં ફસાયો છે. એક્ટરને યુનાઈટેડ નેશન્સના એન્વાયરમેન્ટ બોડીના એમ્બેસેડર પદેથી હટાવી દીધો છે. રણદીપને ફેબ્રુઆરી, 2020માં ત્રણ વર્ષ માટે યુનાઈટેડ નેશન્સ(UN)એ પર્યાવરણ સંધિ હેઠળ જંગલી પ્રાણીઓની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ માટે એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

સંગઠને વેબસાઈટ પર જાહેરાત કરી
43 વર્ષીય એક્ટર રણદીપ વિશે CMS(Conservation of Migratory Species of Wild Animals)એ પોતાની વેબસાઈટ પર એક સ્ટેટમેન્ટ જાહેર કરીને લખ્યું, એક્ટરનો ભદ્દો જોક વાંધાજનક લાગે છે આથી હવે તે એમ્બેસડર તરીકે કામ નહીં કરે.

લોકોએ તે જોકને સેક્સિસ્ટ તથા જાતિવાદી ગણાવ્યો છે. આ સાથે જ રણદીપની ધરપકડની માગણી કરી છે. સો.મીડિયામાં #arrestRandeepHooda ટ્રેન્ડ કરી રહ્યું છે.

રણદીપ વિરુદ્ધ UNના આકરા પગલાં
એક્ટરને યુનાઈટેડ નેશન (UN)એ જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સમેલન (CMS)ના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવી દીધો છે. રણદીપનો માયાવતી પરનો વીડિયો સામે આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

શું છે આખી ઘટના?
રણદીપ હુડ્ડાનો એક જૂનો વીડિયો સો.મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ઈવેન્ટમાં રણદીપ સ્ટેજ પર છે અને ઓડિયન્સને સંબોધિત કરે છે. આ દરમિયાન રણદીપે ઓડિયન્સ તરફ જોઈને કહ્યું હતું કે તે તેમને એક બહુ જ ગંદો જોક સંભળાવવા માગે છે. ત્યારબાદ રણદીપે માયાવતી અંગે જોક કહ્યો હતો. આ વીડિયો વર્ષ 2012નો છે.

વિવાદ કેવી રીતે વધ્યો?
રણદીપ હુડ્ડાના જોક સામે અનેક સો.મીડિયા યુઝર્સને વાંધો હતો. CPIML નેતા કવિતા કૃષ્ણનને નારાજગી પ્રગટ કરતાં કહ્યું હતું, આવી જ રીતે જાતિ આધારિત સેક્સ્યુઅલ વાયોલન્સ હંમેશાં કામ કરે છે. સાથે જ દલિત, આદિવાસી મહિલાને ગંદી, કદરૂપી તથા ઘૃણાસ્પદ રીતે રજૂ કરવામાં આવે છે અને તમામ માટે અત્યધિક રૂપથી કામુક તથા ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવે છે. આ બેવડી રણનીતિ કેવી રીતે કામ કરે છે, તેના ઉદાહરણ તરીકે સૂર્પણખા અંગે વિચારો.

રાજુ શ્રીવાસ્તવે કહ્યું, રણદીપ માફી માગે
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું કે હાસ્યના નામે ગમે તે આપી શકાય નહીં. રણદીપે માયાવતી તથા દેશની મહિલાઓની તાત્કાલિક માફી માગવી જોઈએ. પછી કાયદો નક્કી કરશે કે તેને માફી આપવી કે નહીં.

એક સો.મીડિયા યુઝરે કહ્યું હતું, પહેલાં આ વ્યક્તિ માટે ઘણું જ માન હતું. જોકે, તે બહુ જ અમાનવીય, સેક્સિસ્ટ તથા સ્પષ્ટ રીતે જાતિવાદી છે.

અન્ય એક યુઝરે કહ્યું હતું, શું તેને ખ્યાલ નથી કે આપણો સમાજ કેટલો જાતિવાદી તથા સેક્સિસ્ટ છે. ખાસ કરીને દલિત મહિલાઓ પ્રત્યે. મને નથી ખબર કે શું થશે. મજાક, દુસાહસ, ભીડ. બોલિવૂડના ટોપ એક્ટર રણદીપ હુડ્ડાએ એક દલિત મહિલા અંગે વાત કરી છે, જે પીડિતો માટે અવાજ રહી છે.

એક યુઝરે કમેન્ટ કરી હતી, પ્રિય રણદીપ હુડ્ડા. તથા કથિત વ્યક્તિ બન. પોતાની ભૂલ માટે મુંબઈ પોલીસની સામે આત્મસમર્પણ કર. જો તું ઈચ્છે છે તો હું ગુનાની વ્યાખ્યા તથા દંડાત્મક કલમો અંગે લખી શકું છું. નહીંતર કાયદાકીય રીતે આમ પણ તારે જેલ જવું પડશે. તારું ધ્યાન રાખજે.

એક યુઝરે કહ્યું હતું, આ દલિત મહિલા વિશે નથી. જાતિ તથા ધર્મથી ઉપર ઊઠીને મહિલાઓનું સન્માન કરવું જોઈએ. રણદીપ હુ્ડ્ડા તારી પર લાનત છે. તારી પર યૌન શોષણ તથા જાતિવાદનો આક્ષેપ છે.