થોડાં દિવસ પહેલાં જ રણબીર કપૂરે રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ 'ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ'ની પૂરી ટીમને શુભેચ્છા પાઠવી હતી. આટલું જ નહીં તેણે પાકિસ્તાનના કલાકારો સાથે કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. રણબીરે કહ્યું હતું કે કલાકારની કોઈ બોર્ડર હોતી નથી. આથી જ તે પાકિસ્તાનના કલાકારો સાથે કામ કરવા માગશે. હવે ભારતમાં આ નિવેદનનો ઉગ્ર વિરોધ થયો છે.
કળાની કોઈ સીમા હોતી નથી
રણબીરે ફિલ્મ ફેસ્ટિવલના GQ મીટ એન્ડ ગ્રીટ સેગમેન્ટમાં ભાગ લીધો લીધો હતો. આ દરમિયાન રણબીરને સવાલ કરવામાં આવ્યો હતો કે તે કઈ પાકિસ્તાની ફિલ્મમાં કામ કરવા માગે છે? જવાબમાં રણબીરે કહ્યું હતું કે કળાની કોઈ સીમા હોતી નથી અને તે કામ કરવા માગે છે. તે 'મૌલા જટ્ટ'ની સફળતા થવા અંગે પાકિસ્તાની સિનેમાને શુભેચ્છા પાઠવે છે.
સો.મીડિયા યુઝર્સ ભડક્યા
રણબીર કપૂરની આ વાત સાંભળીને સો.મીડિયા યુઝર્સ નારાજ થયા છે. એક યુઝરે કહ્યું હતું કે જો તમને પાકિસ્તાન પ્રત્યે આટલી બધી કૂણી લાગણી હોય તો તમે ત્યાં કેમ જતા નથી? દેશમાં આવા લોકોની જરૂર નથી.
ભારતમાં ફિલ્મ રિલીઝ થવાની વાતથી મનસે નેતા ભડક્યા
થોડાં દિવસ પહેલા એવી ચર્ચા હતી કે પાકિસ્તાની ફિલ્મ 'લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થશે. જોકે, રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અમેય ખોપકરે કહ્યું હતું કે તે કોઈ પણ કિંમતે આ ફિલ્મને ભારતમાં રિલીઝ થવા દેશે નહીં. જેને પણ આ ફિલ્મ કે લીડ એક્ટર ફવાદ ખાન પ્રત્યે હમદર્દી છે તે પાકિસ્તાન જાય. ઉલ્લેખનીય છે કે ફવાદ ખાનની આ ફિલ્મે પાકિસ્તાનમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે.
અમેયે કહ્યું હતું, 'પાકિસ્તાની ફિલ્મ 'ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાવી રહ્યું છે. આ આઘાતજનક વાત છે કે એક ભારતીય કંપની આ ફિલ્મને દેશમાં રિલીઝ કરવાનું વિચારી રહી છે. રાજસાહેબના આદેશ બાદ આ ફિલ્મને દેશના કોઈ પણ હિસ્સામાં રિલીઝ થવા દઈશું નહીં.'
રણબીર-ફવાદે સાથે કામ કર્યું છે
રણબીરે ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'માં ફવાદ ખાન સાથે કામ કર્યું હતું. રણબીરના ફેવરિટ સિંગરમાંથી એક આતિફ અસલમ છે. નોંધનીય છે કે રણબીર પહેલાં કરન જોહરે ફિલ્મ 'ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ'ના વખાણ કર્યા હતા. કરને દુબઈના મોલમાં આ ફિલ્મ જોઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.