કપૂર નબીરાના લવઅફેર્સ:એક સમયે કેટરીના કૈફ સાથે લિવ ઇનમાં રહેતા રણબીરના જીવનમાં આલિયા પહેલાં 8-8 યુવતીઓ આવી ચૂકી છે

મુંબઈ3 મહિનો પહેલા
  • રણબીર કપૂર ડિવોર્સી ને એક સંતાનની માતાને પણ ડેટ કરી ચૂક્યો છે

39 વર્ષીય રણબીર કપૂર ચાર વર્ષના ડેટિંગ બાદ 17 એપ્રિલના રોજ પોતાનાથી 11 વર્ષ નાની આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રણબીર કપૂરના જીવનમાં આલિયા ભટ્ટ પહેલાં ઘણી યુવતીઓ આવી ચૂકી છે. રણબીર એક્ટ્રેસ કેટરીના કૈફ સાથે લિવ ઇનમાં પણ રહી ચૂક્યો છે.

અવંતિકા મલિક

રણબીર કપૂર તથા અવંતિકા મલિક ટીનેજમાં એકબીજાને ડેટ કરતા હતા. જોકે, આ સંબંધ બહુ લાંબો ચાલ્યો નહોતો. અવંતિકા એક્ટર આમિર ખાનના ભાણીયા ઈમરાન ખાનના પ્રેમમાં પડી હતી અને તેની સાથે લગ્ન કર્યા હતા. જોકે, હવે અવંતિકા પતિ ઈમરાનથી અલગ રહે છે. રણબીર, અવંતિકા કરતાં 5 વર્ષ નાનો છે.

નંદિતા મહતાની

નંદિતા મહતાની એક્ટ્રેસ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની પહેલી પત્ની છે. નંદિતા ફેશન ડિઝાઇનર છે. નંદિતા એક્ટર રણબીર કરતાં 11 વર્ષ મોટી છે. બંને વચ્ચેના એજ ગેપને કારણે આ બંનેના રિલેશનશિપની ઘણી જ ચર્ચા થઈ હતી. આ બંને ક્યારેય પબ્લિકમાં સાથે જોવા મળ્યા નહોતા. થોડાં સમય બાદ જ બંને અલગ થઈ ગયા હતા. હાલમાં નંદિતા એક્ટર વિદ્યુત જામવાલને ડેટ કરે છે.

સોનમ કપૂર

સોનમ તથા રણબીરે સંજય લીલા ભણસાલીને 'બ્લેક'માં આસિસ્ટ કર્યા હતા. બંનેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરિયા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે લવ અફેર હોવાની ચર્ચા થઈ હતી. જોકે, પછી બંને અલગ થઈ ગયા હતા. સોનમ કપૂરે દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. હાલમાં સોનમ કપૂર પ્રેગ્નન્ટ છે. સોનમ કપૂર એક્ટર રણબીર કરતાં ત્રણ વર્ષ નાની છે.

દીપિકા પાદુકોણ

દીપિકા તથા રણબીરના સંબંધો બી-ટાઉનમાં ટૉક ઑફ ધ ટાઉન બન્યા હતા. બંને ફિલ્મ 'બચના ઓ હસીનો'ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. દીપિકાએ ગરદન પર RKનું ટેટુ પણ ત્રોફાવ્યું હતું. જોકે, 36 વર્ષીય દીપિકાએ રણબીરને અન્ય કોઈ યુવતી સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો અને બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. દીપિકાએ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે.

નરગિસ ફખરી​​​​​​​

રણબીરના સંબંધો પોતાનાથી ત્રણ વર્ષ મોટી એક્ટ્રેસ નરગિસ ફખરી સાથે પણ રહી ચૂક્યા છે. રણબીર તથા નરગીસે ફિલ્મ 'રૉકસ્ટાર'માં સાથે કામ કર્યું હતું. બંને વચ્ચે સ્પેશિયલ બૉન્ડ જોવા મળતું હતું. બંને ઘણીવાર ડિનર ડેટ પર પણ જોવા મળ્યા હતા. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. નરગિસના સંબંધો ઉદય ચોપરા સાથે પણ હતાં.

એન્જેલા જોનસન​​​​​​​

2011માં રણબીરનું અફેર સાત વર્ષ નાની એન્જેલા સાથે હોવાની ચર્ચા થઈ હતી. બંને સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. એન્જેલાએ બિન્દાસ રીતે કહ્યું હતું કે તે રણબીર સાથે છે અને તેની સાથે બહાર પણ જાય છે. આ વાત રણબીરને સહેજ પણ ગમી નહોતી અને પછી બંને અલગ થઈ ગયા હતા.

કેટરીના કૈફ​​​​​​​

38 વર્ષીય કેટરીના કૈફ તથા રણબીર વચ્ચેના સંબંધો 'અજબ પ્રેમ કી ગજબ કહાની'થી પાંગર્યા હતા. બંને આ સંબંધો અંગે ઘણાં જ ગંભીર હતા. આટલું જ નહીં કપૂર પરિવારના ક્રિસમસ લંચમાં પણ કેટરીનાએ હાજરી આપી હતી. કેટરીના તથા રણબીર અંદાજે એક વર્ષ લિવ ઇનમાં પણ રહ્યા હતા. જોકે, નીતુ સિંહને કેટરીના કૈફ વહુ તરીકે બિલકુલ પસંદ નહોતી અને તેથી જ બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતા અને બ્રેકઅપ થયું હતું. કેટરીનાએ બોલિવૂડ એક્ટર વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે.

માહિરા ખાન

37 વર્ષીય પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનના સંબંધો રણબીર કપૂર સાથે હતાં. માહિરા ડિવોર્સી તથા એક સંતાનની માતા છે. બંને ન્યૂ યોર્કમાં સિગારેટ પીતા સાથે જોવા મળ્યા હતા. જોકે, આ સંબંધો લાંબા ટક્યા નહોતા.