ટૂંક સમયમાં જ માતા-પિતા બનનારાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે એક સોંગ લોન્ચ ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. આ બંનેની સાથે દિગ્દર્શક અયાન મુખર્જી પણ હાજર હતાં. અહી તેણે મોઢા પર સિમ્પલ સ્માઈલ અને બેબી બમ્પને ફ્લોન્ટ કરતો પોઝ આપ્યો હતો.
પ્રમોશનલ ઈવેન્ટ માટે આલિયા ભટ્ટે બ્રાઉન કલરનો ડ્રેસ પસંદ કર્યો હતો. રણબીર તેનાં બ્લેક આઉટફિટમાં એકદમ ક્લાસી લાગી રહ્યો હતો. આ જોડીએ કેમેરા માટે કેટલાક મનમોહક પોઝ પણ આપ્યા હતા.
આ પહેલીવાર છે જ્યારે આલિયાએ જાહેરમાં તેના બેબી બમ્પ સાથે પોઝ આપ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ડાર્લિંગ્સનાં પ્રમોશન દરમિયાન તેણે મોટાભાગે લૂઝ ફિટિંગનાં આઉટફિટ્સ પર પસંદગી ઉતારી હતી. બ્રહ્માસ્ત્રનું પહેલું ગીત ‘કેસરિયા’ 15 જુલાઈએ રિલીઝ થયું હતું અને આ અઠવાડિયાની શરૂઆતમાં અયાને બીજા ગીતનું ટીઝર રિલીઝ કર્યું હતું અને આખું સોન્ગ 8મી ઓગષ્ટે સોમવારનાં રોજ રિલીઝ થશે. શ્રાવણ માસનાં બીજાં સોમવારે આ સોન્ગ રિલીઝ કરીને ફિલ્મ માટે દિગ્દર્શક અયાન મુખર્જી મહાદેવનાં આશીર્વાદ લેવા ઈચ્છે છે.
અયાન કહે છે, કે આ ગીત સાથે લાગણીઓ જોડાયેલી છે અને તેને હું દરેક સાથે શેર કરવા માટે ઉત્સુક છું. ‘દેવા દેવા’ગીત બ્રહ્માસ્ત્ર માટે કમ્પોઝ થયેલું પહેલું ગીત હતું. આ ગીત ભરપૂર આનંદ અને ઉર્જાનો અનુભવ કરાવે છે, આશા છે કે લોકોને ફિલ્મમાં પણ આ જ આનંદ અને ઉર્જાનો અનુભવ થાય. બ્રહ્માસ્ત્ર 9મી સપ્ટેંબરે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં થિયેટરોમાં રજૂ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.