ડિરેક્ટરનો પબ્લિસિટી સ્ટંટ:રામ ગોપાલ વર્માએ દેવી મૈસમ્માને દારૂ ધરાવ્યો, ફોટો શૅર કરીને કહ્યું- 'હું માત્ર વોડકા પીઉં છું, દેવીને વ્હિસ્કી પીવડાવી'

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામ ગોપાલ વર્માએ અપકમિંગ ફિલ્મ 'કોંડા' પહેલાં માતાના આશીર્વાદ લીધા

રામ ગોપાલ વર્મા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમની અપકમિંગ ફિલ્મ 'કોંડા'ના શૂટિંગ સાથેનો વિવાદ સામે આવ્યો છે. આ ફિલ્મની શરૂઆત પહેલાં રામ ગોપાલ વર્મા વારંગલના મૈસમ્મા દેવી મંદિરમાં આશીર્વાદ લેવા ગયા હતા. રામુએ મંદિરની કેટલીક તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી, પરંતુ તેમની ભાષા વિવાદ ઊભો કરે તેવી છે.

રેલી ના કરી શક્યા તો દેવી અનુષ્ઠાન કર્યું
સો.મીડિયા પોસ્ટમાં રામુએ કહ્યું હતું, 'જોકે, હું માત્ર વોડકા પીઉં છું, પરંતુ મેં દેવી મૈસમ્માને વ્હિસ્કી પીવડાવી છે.' તસવીર શૅર કરીને રામુએ કહ્યું હતું, 'ચીયર્સ.' ઉલ્લેખનીય છે કે રામ ગોપાલ વર્માની આ ફિલ્મ 'કોંડા' તેલંગાણાના રાજનેતા કોંડા મુરલી તથા કોંડા સુરેખા પર આધારિત છે. 'કોંડા'ની વાત કરીએ તો ફિલ્મમાં આદિથ અરૂણ તથા ઈરા મોર મેઇન રોલમાં છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ તેલંગાણાના વારંગલમાં જ થશે.

આ ખાસ અનુષ્ઠાન પહેલાં રામ ગોપાલ વર્માએ વારંગલમાં રેલીની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપવાની ના પાડી દીધી હતી.

કોણ છે મૈસમ્મા દેવી?
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં દેવી મૈસમ્માની પૂજા થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ મેસાઈ તથા મેસ્કો નામથી પૂજા થાય છે. શીતળા જેવા રોગોને દૂર રાખવા માટે દેવી મૈસમ્માની પૂજા અર્ચના થાય છે. હૈદરાબાદમાં ટેંક બૂંદમાં આવેલું કટ્ટા મૈસમ્મી મુખ્યમંદિર છે. કહેવાય છે કે આ મંદિરની સામે 1908માં છઠ્ઠા નિઝામ મીર મહબૂલ અલી ખાને પણ શિશ ઝૂકાવ્યું હતું. ત્યારબાદ મૂસી નદીમાં આવેલું પૂર નિયંત્રણમાં આવ્યું હતું.

અષાઢ મહિનામાં સેલિબ્રેટ થતો બોનાલુ તહેવાર મૈસમ્માને સમર્પિત છે. જોકે, આ મંદિરમાં દેવીને દારૂ ચઢાવવામાં આવે છે અને આનો ઉલ્લેખ બહુ ઓછો મળે છે.

આ દેવી સ્થાનો પર દારૂ ચઢાવવામાં આવે છે

  • રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મા ભુવાલ કાળી માતાનું એક મંદિર છે, અહીંયા પ્રસાદ તરીકે દારૂ ચઢાવવામાં આવે છે. આ દેવી માતાને અઢી ગ્લાસ દારૂ ચઢાવાય છે. જો ગ્લાસમાં એક ટીપું પણ પ્રસાદ ઓછો હોય તો તે ગ્રહણ કરતા નથી, તેવી માન્યતા છે.
  • આ જ રીતે હરિદ્વારમાં મા દક્ષિણા કાળીનું મંદિર છે. આ મંદિરમાં દર શનિવારે અનેક ભક્તો દારૂ ચઢાવે છે. માન્યતા છે કે આ માતાને દારૂ ચઢાવવાથી નશાની લત છૂટી જાય છે.
  • મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં મહામાયા દેવીનું મંદિરમાં છે. આ મંદિરને મહાલાયા ચૌબીસ ખંભા માતાના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં નવરાત્રિની અષ્ટમી પર દારૂનો ભોગ ધરાવાય છે. આ પરંપરા મહારાજ વિક્રમાદિત્યના સમયથી ચાલે છે.
  • રાજસ્થાનના આમેર કિલ્લામાં મહાકાળીનું એક મંદિર છે. આ દેવીને શિલા દેવી પણ કહેવામાં આવે છે. આ રાજા માનસિંદની ઈષ્ટદેવી છે. તેમણે માતાને પ્રસાદ તરીકે દારૂ ચઢાવ્યો હતો અને ત્યારથી જ દારૂ ચઢાવવાની પરંપરા ચાલતી આવી છે. માનવામાં આવે છે કે આ રીતે માતા તમામ મનોકામના પૂરી કરે છે.