રિમાન્ડ લંબાવાયા:કોર્ટના પટાંગણમાં ભાંગી પડ્યો રાજ કુંદ્રા, ચહેરા પર નિરાશા જોવા મળી; બોલ્યો- મેં કંઈ જ ખોટું કર્યું નથી, મને ફસાવવામાં આવી રહ્યો છે

મુંબઈ3 મહિનો પહેલા
  • રાજ કુંદ્રાને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો.
  • રાજ કુંદ્રા આર્થર રોડ જેલમાં રહેશે.

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાની આજે એટલે કે 27 જુલાઈના રોજ પોલીસ કસ્ટડી પૂરી થતી હતી. કોર્ટે રાજના રિમાન્ડ લંબાવ્યા છે. કોર્ટે રાજ કુંદ્રા તથા તેના સાથીદાર રયાન થોરપેને વધુ 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. રાજ કુંદ્રાએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ જામીન અરજી પર 29 જુલાઈના રોજ કોર્ટમાં સુનાવણી થશે.

કોર્ટના પટાંગણમાં ભાંગી પડ્યો રાજ કુંદ્રા
કોર્ટે રાજ કુંદ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કોર્ટના પટાંગણમાં રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને ભાંગી પડ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને ફસાવવામાં આવી રહ્યો છે અને તેણે કંઈ જ ખોટું કર્યું નથી. તેના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને તેથી જ તેને જામીન મળી શકે નહીં. મુંબઈ પોલીસ તેને કોઈ મોટી જાળમાં ફસાવી રહી છે અને તે તેનો હિસ્સો નથી.

આર્થર રોડ જેલમાં રહેશે
કુંદ્રાને કોર્ટમાંથી જે જે મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીંયા મેડિકલ તપાસ કરવામાં આવી હતી. રાજને હવે આર્થર રોડ જેલની સ્પેશિયલ બેરેકમાં રાખવામાં આવશે.

રાજના બે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા
મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાના સિટી બેંક તથા કોટક મહિન્દ્રા બેંકના અકાઉન્ટ ફ્રી કરી દીધા છે. કોટક મહિન્દ્રામાં રાજના 1.13 કરોડ રૂપિયા જમા હતા.

આ કારણે ધરપકડને કોર્ટમાં પડકારી
લૉ એસોસિયટ્સના માધ્યમથી દાખલ કરવામાં આવેલી કુંદ્રાની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અશ્લીલ સામગ્રી બનાવવા તથા પબ્લિશ કરવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી અને પછી જામીન મળી ગયા હતા. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ 19 જુલાઈના રોજ રાજની ઓફિસ આવ્યા હતા અને તપાસ બાદ નિવેદન આપવાના બહાને ભાયખલ્લા ઓફિસ બોલાવ્યો હતો. જોકે, ત્યાં પહોંચ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

શર્લિને ધરપકડથી બચવા કોર્ટમાં અરજી કરી
શર્લિન વિરુદ્ધ પોર્નોગ્રાફી કેસમાં સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. તેણે 27 જુલાઈ, સવારે 11 વાગે ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં હાજર થવાનું છે. જોકે, શર્લિને પહેલાં જ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. શર્લિને પહેલાં જ ક્રાઇમ બ્રાંચને આ અરજી અંગે જાણ કરી દીધી છે.

ગેહના 2-3 દિવસમાં હાજર થશે
ક્રાઇમ બ્રાંચે ગેહના વશિષ્ઠને પણ સમન્સ પાઠવ્યું હતું. હવે તેની વકીલ સોનાજી કલેલે કહ્યું હતું કે તેમની ક્લાયન્ટ 2-3 દિવસની અંદર ક્રાઇમ બ્રાંચ સામે હાજર થશે.

રાજે માર્ચ મહિનામાં ફોન બદલી નાખ્યો
સૂત્રોના મતે, પોર્નોગ્રાફી કેસમાં ફેબ્રુઆરીમાં જ્યારે 9 લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે રાજ કુંદ્રાએ માર્ચ મહિનામાં પોતાનો ફોન બદલી નાખ્યો હતો. આ કારણે કોઈ ડેટા રિકવર કરી ના શકે. જ્યારે ક્રાઇમ બ્રાંચની ટીમે રાજને જૂના ફોન અંગે સવાલ કર્યો તો તેણે એવું કહ્યું હતું કે તેણે ફોન ફેંકી દીધો હતો. પોલીસ માની રહી છે કે જૂના ફોનમાં અનેક મહત્ત્વની માહિતી હોઈ શકતી હતી.

પોલીસને દરોડા દરમિયાન ઓફિસમાંથી શું શું મળ્યું હતું?
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની વિઆન ઇન્ડસ્ટ્રીની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ત્રણ સેન બોક્સ મળ્યા હતા, જેમાં 24 હાર્ડ ડિસ્ક હતી અને બધામાં ચાર હાર્ડ ડિસ્કવાળા આઠ સર્વર હતા. આ સાથે જ પોલીસને અત્યાર સુધી 51 વીડિયો મળ્યા છે. આ તમામ પોર્ન વીડિયો છે. પોલીસને અત્યાર સુધી 119 ફિલ્મનું લિસ્ટ મળ્યું છે. આ તમામ ફિલ્મને એક કંપનીને 1.2 મિલિયન ડોલર (અંદાજે 9 કરોડ)માં વેચવાનું પ્લાનિંગ હતું. ​​​​

23 જુલાઈએ પોલીસે શું કહ્યું હતું કોર્ટમાં?
રાજ કુંદ્રાને ભાયખલા જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. રાજની સાથે પોલીસ અધિકારી પણ હતા. કોર્ટે 23 જુલાઈ સુધી રાજને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. 23 જુલાઈના રોજ પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે તેમને શંકા છે કે રાજે પોર્નોગ્રાફીમાંથી કરેલી કમાણીનો ઉપયોગ ઓનલાઇન સટ્ટાબાજીમાં કર્યો છે. રાજ કુંદ્રાના યસ બેંક અકાઉન્ટ તથા યુનાઇટેડ બેક ઓફ આફ્રિકાના અકાઉન્ટની તપાસ કરવી જરૂરી છે. કોર્ટે રાજના રિમાન્ડ લંબાવ્યા હતા અને તેને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.

પોલીસ તપાસમાં સહયોગ ના આપ્યો
સૂત્રોના મતે, રાજે પોલીસે પૂછેલા તમામ સવાલના યોગ્ય રીતે જવાબ આપ્યા નથી. રાજે પોતાની પર મૂકવામાં આવેલા તમામ આરોપોને નકાર્યા છે. આટલું જ નહીં રાજે પોલીસને એમ કહ્યું હતું કે તેણે ક્યારેય પોર્ન મૂવી બનાવી નથી. સૂત્રોના મતે, રાજ ભલે ગમે તે કહે, પરંતુ પોલીસ પાસે તેની વિરુદ્ધ નક્કર પુરાવા છે.

20 જુલાઈએ કોર્ટમાં શું થયું હતું?
મુંબઈની પ્રોપર્ટી સેલે કહ્યું હતું કે રાજ કુંદ્રાને આ પોર્ન વીડિયો બનાવવામાં તથા વેચાણને કારણે આર્થિક ફાયદો થઈ રહ્યો હતો. Vian કંપનીના અકાઉન્ટમાં ઘણું વિદેશી હૂંડિયામણ રાખવામાં આવ્યું છે. પોલીસે રાજ કુંદ્રાનો ફોન પણ સીઝ કરી દીધો હતો. રાજ કુંદ્રાનાં નિવેદનોને અન્ય આરોપીઓ સાથે ક્રોસ ચેક કરવામાં આવશે. પોલીસ રાજ કુંદ્રા તથા બીજા આરોપી રયાનની વધુમાં વધુ દિવસની કસ્ટડી ઈચ્છતી હતી.

વકીલ અબાદ પોંદાએ રાજ કુંદ્રાની તરફેણમાં દલીલો કરી હતી. વકીલ અબાદે કહ્યું હતું કે પોલીસ રાજની ગેરકાયદે રીતે કસ્ટડી માગી રહી છે. કાયદાને ધ્યાનમાં રાખતાં રાજની કસ્ટડી આપવી જોઈએ નહીં. પોલીસે એ કહેવું જોઈએ કે કેમ રાજની કસ્ટડી વગર તે આ કેસની તપાસ ચાલુ રાખી શકે તેમ નથી. માત્ર 2 સેક્શન જ બિનજામીન પાત્ર છે. સેક્શન 420 તથા 67 (a), સેક્શન 420માં સાત વર્ષની સજા હોય છે અને 67 (a)માં પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.

પાંચ વર્ષ જેલની જોગવાઈ
કુંદ્રા સામે IT એક્ટ 2008ની કલમ 67 (એ), આઈપીસીની કલમ 420, 34, 292, 293 અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રથમ ગુના માટે પાંચ વર્ષ સુધી જેલ અથવા રૂ. 10 લાખના દંડની સજાની જોગવાઈ છે. બીજી વાર આવા ગુનો કર્યો તો 7 વર્ષ સુધી જેલ થઈ શકે છે.

ગુજરાતનું પણ કનેકશન
ફેબ્રુઆરીમાં પોલીસે આ પોર્ન ફિલ્મ રેકેટ પકડી પાડ્યા પછી તનવીર હાશ્મી (40)ની ગુજરાતના સુરતથી ધરપકડ કરાઈ હતી. આ ટોળકી અલગ અલગ વીડિયો એપ્સ પર ફિલ્મ કઈ રીતે ડાઉનલોડ કરતી એની સંપૂર્ણ માહિતી હાશ્મીએ પોલીસને આપી હતી. વેબસિરીઝને નામે પોર્ન સિરીઝ બનાવવાનું રેકેટ મુંબઈ અને ગુજરાતમાંથી દેશવિદેશમાં ફેલાયું હોવાની માહિતી પણ તેના થકી બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...