એક્ટરની કરોડોની ડીલ:રાજકુમાર રાવે જાહન્વી પાસેથી મુંબઈમાં 44 કરોડનાં 3 એપાર્ટમેન્ટ ખરીદ્યા, એક્ટ્રેસે 2 વર્ષ પહેલાં 39 કરોડમાં લીધા હતા

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પત્ની પત્રલેખા સાથે મુંબઈમાં ટ્રિપ્લેક્સ ખરીદ્યા છે. આ એપાર્ટમેન્ટ જાહન્વી કપૂરે 2020માં 39 કરોડમાં ખરીદ્યા હતા. હવે જાહન્વી કપૂરે પોતાના ફ્લેટ રાજકુમાર રાવને 43.87 કરોડમાં વેચ્યા છે. જાહન્વીને અંદાજે પાંચ કરોડનો નફો થયો છે. નોંધનીય છે કે 11 વર્ષની રિલેશનશિપ બાદ ગયા વર્ષે નવેમ્બરમાં રાજકુમાર રાવ તથા પત્રલેખાએ ચંદીગઢમાં લગ્ન કર્યાં હતાં.

જુહુ-વિલે પાર્લેમાં આવેલા છે
જાહન્વીએ 2020માં જુહુ-વિલે પાર્લેમાં આવેલા લોટ્સ આર્યા બિલ્ડિંગમાં 14, 15 તથા 16મા માળે ફ્લેટ ખરીદ્યો હતો. આ ટ્રિપ્લેક્સ 3456 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે. ફ્લેટધારકને 6 પાર્કિંગ સ્લોટ મળશે. રાજકુમાર રાવ-પત્રલેખા તથા જાહન્વી વચ્ચે 31 માર્ચ, 2022માં ડીલ થઈ હતી, પરંતુ રજિસ્ટ્રેશન 21 જુલાઈ, 2022ના રોજ થયું હતું. રાજકુમાર રાવે 2.19 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. જાહન્વી કપૂરે બે વર્ષ પહેલાં 78 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી. એ સમયે સરકારે સપ્ટેમ્બર, 2020થી ડિસેમ્બર 2020 સુધીમાં કન્સ્ટ્રક્શન કંપનીને રાહત આપવા માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.

રાજકુમાર-પત્રલેખાનો આ જ બિલ્ડિંગમાં ફ્લેટ છે
રાજકુમાર રાવ તથા પત્રલેખાનો આ જ બિલ્ડિંગમાં 11 તથા 12 માળે એપાર્ટમેન્ટ આવેલો છે. આ બિલ્ડિંગને જાણીતા પ્રોડ્યુસર-બિલ્ડર આનંદ પંડિતે બનાવ્યું છે.

રાજકુમાર-જાહન્વીએ બે ફિલ્મમાં સાથે કામ કર્યું છે
રાજકુમાર તથા જાહન્વીએ હોરર કોમેડી ફિલ્મ 'રુહી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. હવે બંને 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. ફિલ્મને શરણ શર્મા ડિરેક્ટ કરે છે. સ્પોર્ટ ડ્રામા આ ફિલ્મ વર્ષના અંતે રિલીઝ થશે. હાલમાં જાહન્વીની 'ગુડ લક જેરી' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. રાજકુમાર રાવ છેલ્લે 'હિટઃ ધ ફર્સ્ટ કેસ'માં સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળ્યો હતો.