સંસ્મરણ:ઢોંગી સાધુના રોલ માટે ઈરફાન ખાન ચિલમ પીતા શીખી રહ્યાં હતાં, એક બાબાએ અસલી ગાંજો પીવડાવ્યો તો શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું

મુંબઈ3 વર્ષ પહેલાલેખક: ધર્મેન્દ્ર કૃષ્ણા તિવારી
  • કૉપી લિંક
  • એક્ટર-ડિરેક્ટર રાજા બુંદેલાએ દિવ્ય ભાસ્કર સાથે ઈરફાન ખાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તે જણાવ્યું
  • રાજાના ડિરેક્શનમાં ઈરફાને ફિલ્મ ‘પ્રથા’ તથા સિરિયલ ‘રાજપથ’માં કામ કર્યું હતું

બોલિવૂડના જાણીતા એક્ટર ઈરફાન ખાનની આકસ્મિક વિદાયથી બોલિવૂડ અને ચાહકોમાં ઘેરો શોક જોવા મળ્યો હતો. ઈરફાન ખાનની સાથે એક ફિલ્મ તથા એક સિરિયલ બનાવી ચૂકેલા એક્ટર-ડિરેક્ટર રાજા બુંદેલાએ દિવ્ય ભાસ્કર સાથે તેમની સાથે જોડાયેલા સંસ્મરણો શૅર કર્યાં હતાં. રાજાએ કહ્યું હતું કે ઈરફાન સારો કલાકાર જ નહીં પણ સારો વ્યક્તિ હતો. તે પોતાના પાત્રને જીવતો હતો. હિંદુ-મુસ્લિમની ચર્ચા પર દુઃખી થઈ જતો હતો. ઈરફાનન સાથે રાજાની આગામી ફિલ્મ ‘ખજુરાહો’ આ વર્ષના અંતમાં શરૂ થવાની હતી. 

ઈરફાન પોતાના દરેક રોલ જીવતો હતો
રાજાએ કહ્યું હતું, વર્ષ 2001માં અમે લલિતપુરમાં ફિલ્મ ‘પ્રથા’નું શૂટિંગ કરતા હતાં. ડિરેક્ટર તરીકે મારી આ પહેલી ફિલ્મ હતી. ઈરફાન પણ પહેલી જ વાર કોઈ ફિલ્મમાં વિલનનો રોલ પ્લે કરતો હતો. તે ઢોંગી સાધુ બન્યો હતો. તેણે ચિલમ પીવાની હતી. તે સાધુના ગેટઅપમાં ગામના એક મંદિરમાં બાબાની પાસે પહોંચી ગયો હતો. બાબાને મેં કહી રાખ્યું હતું કે ઈરફાનને ચિલમ પીતા શીખવાડજો. બાબાને 100 રૂપિયા પણ આપ્યા હતાં. ઈરફાનને સાધુના ગેટઅપમાં જોઈને બાબાએ બહુ ધ્યાન ના આપ્યું અને ગાંજો ભરેલી અસલી ચિલમ આપી દીધી હતી. ઈરફાનને એટલો નશો ચઢ્યો કે તે દિવસે શૂટિંગ જ ના કરી શક્યો.

રોલ માટે પ્રોપર હોમવર્ક કરતો હતો
‘ઈરફાન ઢોંગી સાધુનો રોલ કરતો હતો. તેણે એક શોટ માટે પલાંઠી વાળીને બેસવાનું કહેવામાં આવ્યું તો તેણે કહ્યું, પદ્માસનમાં શાંત ચિત્તે સાધુ બેસે છે. ઢોંગી સાધુ નહીં. મારે તો વારંવાર મારું આસન બદલવું પડશે. ત્યારે જ અસલી ક્રિમિનલ માઈન્ડેડ શાતિર સાધુ લાગીશ. તેની આ વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો હતો. મેં પૂછ્યું તો તેણે કહ્યું હતું કે સ્ક્રિપ્ટ વાંચ્યા બાદથી જ તેણે સાધુઓ પર વાંચવાનું શરૂ કર્યું હતું.’

કેમેરામેન બની ગયો હતો
‘એક દિવસ શૂટિંગમાં કેમેરામેન મોડો આવ્યો હતો. તેના સ્ટાફે કેમેરા સેટઅપ કર્યો હતો. શૂટ તૈયાર હતું. બસ કેમેરામેનની રાહ જોવાતી હતી. તે સમયે લલિતપુર જિલ્લામાં મોબાઈલ નહોતાં. બહુ વાર થઈ તો ઈરફાને કેમેરામેનના આસિસ્ટન્ટને સમજાવ્યું અને શૂટિંગ શરૂ કર્યું. પછી પૂછ્યું તો તેણે કહ્યું હતું કે સ્ટેજના કલાકારોને બધી ખબર પડે છે અને તેણે બધું જાણવું પડે છે.’

હિંદુ-મુસ્લિમની ચર્ચા થતાં દુઃખી થઈ જતો હતો
‘ઈરફાન એકદમ સારા સ્વભાવનો હતો પરંતુ જ્યારે પણ હિંદુ-મુસ્લિમની ચર્ચા થતી તો દુઃખી થઈ જતો હતો. ‘પ્રથા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિવાદ થયો હતો કે મુસ્લિમ ઈરફાન હિંદુ સાધુનો રોલ કેવી રીતે કરી શકે. આનાથી દુઃખી ઈરફાન લોકોને સમજાવતો હતો કે હિંદુ-મુસ્લિમ પછી બનજો પહેલાં માણસ તો બનો. ઈરફાન શૂટિંગ માટે મંદિર જતો તો ત્યાં સ્થાપિત કરેલા શિવલિંગને પ્રણામ પણ કરતો હતો.’

ઈરફાનના પિતા કહેતાં હતાં, તારી આંખો નથી પણ નશાના બે ગ્લાસ છે રાજાએ કહ્યું હતું, એકવાર મેં ઈરફાનને કહ્યું હતું કે યાર તારી આંખો બહુ જ નશીલી છે. તો એક્ટરે રિપ્લાય આપતા કહ્યું હતું કે યાર કોઈ નવી વાત નથી. આ તો મારા પિતા પણ કહેતા કે તારી આંખો નથી પણ નશાના બે ગ્લાસ છે. 

‘ખજુરાહો’ માટે સાઈન કર્યાં હતાં
રાજા બુંદેલા ‘ખજુરાહો’ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે ઈરફાન ખાનને સાઈન કર્યાં હતાં. ઈરફાનને સ્ક્રિપ્ટ આપી હતી પરંતુ થોડાં સમય બાદ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું. રાજાને આશા હતી કે આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે. જોકે, હવે લીડ રોલ માટે નવો ચહેરો શોધવો પડશે. રાજા કહે છે કે હીરો તો બહુ મળી જશે પરંતુ ઈરફાન જેવો કોઈ નહીં મળે.