કર્ણાટક સરકાર મરણોપરાંત દિવંગત કન્નડ અભિનેતા પાવરસ્ટાર પુનીત રાજકુમારને ‘કર્ણાટક રત્ન’ એવોર્ડથી સન્માનિત કરશે. શુક્રવારનાં રોજ CM બસવરાજ બોમ્મઇએ આ અંગે જાહેરાત કરી હતી. આ સન્માન 1 નવેમ્બરનાં રોજ એટલે કે કન્નડ રાજ્યોત્સવનાં કાર્યક્રમમાં પુનીતને આપવામાં આવશે. પુનિત રાજ્યમાં સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થનાર 10મી વ્યક્તિ છે. આ પહેલાં ડૉ. વિરેન્દ્ર હેગડેને 13 વર્ષ પહેલાં એટલે કે 2009માં સમાજ સેવા માટે આપવામાં આવ્યું હતું. કવિ કુવેમ્પુની સાથે તેમનાં પિતા ડૉ. રાજકુમારને પણ વર્ષ 1992માં આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકુમાર કર્ણાટક રત્ન એવોર્ડથી સન્માનિત થનારાં પ્રથમ લોકોમાં સામેલ છે.
પુનિત પરોપકારનાં પાવરસ્ટાર પણ હતાં
પોતાનાં 46 વર્ષના ટૂંકા આયુષ્યમાં પુનિત પરોપકારનાં પાવર સ્ટાર પણ હતા. તે ધર્મોની વિરુદ્ધ કશું જ સાંભળી શકતા ન હતાં. કોરોના મહામારી દરમિયાન પણ પુનીતે CM રિલીફ ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પુનિતે 45 શાળાઓ, 26 અનાથાશ્રમો, 16 વૃદ્ધાશ્રમો, 19 ગૌશાળાઓ અને 1800 અનાથ છોકરીઓનાં ઉચ્ચ શિક્ષણની જવાબદારી ઉપાડી હતી.
હાર્ટ એટેકથી તેમનું મોત થયું હતું
પુનીત રાજકુમારનું ગયા વર્ષે 29 ઓક્ટોબરે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમનાં પરિવારમાં તેમની પત્ની અશ્વિની રેવંત અને બે પુત્રીઓ ધૃતિ અને વંદિતા છે. તેની છેલ્લી ફિલ્મ 'જેમ્સ' આ વર્ષે 17 માર્ચે રિલીઝ થઈ હતી, જેને બોક્સઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી.
પુનીતની ફિલ્મી સફર
પુનીતનાં પિતા રાજકુમાર સાઉથનાં આઈકોન રહી ચૂક્યા છે. પુનિતે પોતાની કારકિર્દીની શરૂઆત ‘બાળ કલાકાર’ તરીકે કરી હતી. બેટ્ટાદ હુવુ ફિલ્મ માટે તેમને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેણે 'અપ્પુ' ફિલ્મથી લીડ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આકાશ (2005), આરસુ (2007), મિલન (2007) અને વંશી (2008) જેવી ફિલ્મોમાં તેમના દમદાર અભિનય માટે જાણીતાં છે, જે તેમની અત્યાર સુધીની સૌથી મોટી વ્યાવસાયિક હિટ ફિલ્મો છે. સાઉથમાં ફિલ્મો પ્રત્યે તેમનો જુસ્સો એવો હતો કે એક સમયે તેમની 14 ફિલ્મો સતત કમ સે કમ 100 દિવસ સુધી થિયેટરોમાં રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.