એક દાન આવું પણ:ફિલ્મ 'સાંડ કી આંખ'ની પ્રોડ્યૂસરે 100 લીટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું હતું, જણાવી પૂરી વાત

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો.મીડિયામાં નિધિ પરમાર હીરાનંદાનીએ પોતાની પ્રોફેશનલ તથા પર્સનલ લાઇફ શૅર કરી

ફિલ્મ 'સાંડ કી આંખ'ની પ્રોડ્યૂસર નિધિ પરમાર હીરાનંદાની હાલમાં કોઈ ફિલ્મને કારણે નહીં, પરંતુ ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે. આ ઇન્ટરવ્યૂમાં તેણે 100 લીટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવાની વાત કરી હતી. તેણે શા માટે બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું તે પાછળનું કારણ પણ કહ્યું હતું.

શું કહ્યું નિધિએ?
નિધિએ પ્રોફેશન તથા પર્સનલ જર્ની અંગે વાત કરી હતી. નિધિ જ્યારે 37 વર્ષની હતી, ત્યારે તેણે પોતાના એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. નિધિએ કહ્યું હતું કે જ્યારે તે માતા બનવા માગતી હતી, તે સમયે કરિયર પર પણ ધ્યાન આપવું જરૂરી હતી. તે વર્ષો પહેલાં મુંબઈ આવી હતી અને અહીંયા પોતાનું સ્થાન બનાવવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામન કરવો પડ્યો હતો.

પતિ તુષાર સાથે નિધિ
પતિ તુષાર સાથે નિધિ

નિધિએ આસિસ્ટન્ટ ડિરેક્ટરથી લઈ ટેલેન્ટ એજન્ટ તરીકે કામ કર્યું છે. આ બધાની વચ્ચે તેણે પોતાના માટે લાઇફ પાર્ટનર પસંદ કર્યો અને લગ્ન કર્યા. નિધિએ પોતાની જર્ની 'હ્યુમન્સ ઓફ બોમ્બે' સાથે શૅર કરી હતી.

નિધિએ કહ્યું હતું, 'હું 37 વર્ષની હતી અને મેં મારા એગ્સ ફ્રીઝ કરાવ્યા હતા. હું માતા બનવા માગતી હતી, પરંતુ કરિયરને પ્રાથમિકતા આપવા માગતી હતી. એગ્સ ફ્રીઝ કરાવતા પહેલાં હું ફિલ્મમેકર બનવાનું સપનું લઈને મુંબઈ આવી હતી. અહીંયા આવ્યા બાદ ભીડમાં મારું નામ બનાવવા માટે મારે ઘણી જ મહેનત કરવી પડી હતી. મેં આસિસ્ટન્ટ ડિરેક્ટર તથા ટેલેન્ટ એજન્ટ તરીકે કામ કર્યું. આ દરમિયાન મને મારો પ્રેમ મળ્યો અને મેં લગ્ન કર્યા. તે સમયે હું મારી ત્રીસીમાં હતી અને મારે કોઈ બાળક નહોતું. મારા પેરેન્ટ્સ તથા સમાજ મને સવાલ કરતા કે હું ક્યારે પ્લાન કરું છું? લોકોની આ આશા મારી પાછળ પડી ગઈ હોય તેમ મને લાગતું હતું. આ બાજુ હું મારું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવા માગતી હતી. મારા પતિએ એગ્સ ફ્રીઝ કરવાની સલાહ આપી હતી. મેં તેમની સલાહ પર કામ કર્યું.'

નિધિનો પતિ તુષાર તથા દીકરો વીર
નિધિનો પતિ તુષાર તથા દીકરો વીર

વધુમાં તેણે કહ્યું હતું, 'આના પર ખુલીને વાત કરવું ઘણું જ મુશ્કેલ હતું. મેં અને મારા પતિએ નક્કી કર્યું હતું કે જો એગ્સ ફ્રીઝ કરાવવાનો ઉપાય કારગર ના નીવડ્યો તો અમે બાળક દત્તક લઈશું, પરંતુ પરિવારને આ વાત મંજૂર નહોતી. મને મારા મિત્રની વાત યાદ આવી, તેણે મને કહ્યું હતું, 'તું કન્સીવ કરવા માટે દાદીની ઉંમર સુધી કેમ રાહ જુએ છે?' આ કમેન્ટથી હું ઘણી જ હર્ટ થઈ હતી, પરંતુ પછી મેં મારું સપનું પૂરું કરવાનું નક્કી કર્યું હતું. મને ખ્યાલ હતો કે મારા સપના માટે મારે કંઈક ભોગવવું પડશે. આ સમયે મારો પરિવાર મારી નિકટ આવ્યો. મેં મારી પોતાની કંપની શરૂ કરી અને 'સાંડ કી આંખ' ફિલ્મ બનાવી. પછી મને લાગ્યું કે હું માતા બનવા માટે તૈયાર છું અને હું નેચરલી પ્રેગ્નન્ટ થઈ હતી.'

નિધિએ આગળ કહ્યું હતું, 'તે નવ મહિના કમાલના હતા. હવે હું મારા બાળક પર ધ્યાન આપું છું. જ્યારે નાનકડા વીરને પહેલીવાર સ્પર્શ કર્યો તે લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું 40ની હતી અને માતા બની. હવે મારે મારી કરિયર તથા બાળક બંને પર બરોબર ધ્યાન આપવાની જરૂર હતી. જોકે, મને આનંદ છે કે મારે જે રીતે કરવું હતું, તે જ રીતે કર્યું. મેં દરેક ક્ષણને માણી છે. આથી જ હું મારી વાત શક્ય તેટલી મહિલાઓ સાથે શૅર કરવા માગું છું, જેથી તેઓ પણ માતા બનવા માટે પોતાની જાતને તૈયાર કરી શકે.'

નિધિએ 2020માં ફેબ્રુઆરીમાં દીકરાને જન્મ આપ્યો હતો
નિધિએ 2020માં ફેબ્રુઆરીમાં દીકરાને જન્મ આપ્યો હતો

બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું
નિધિએ વાત કરતાં કહ્યું હતું, 'આ દરમિયાન મેં બ્રેસ્ટફીડિંગ તથા ડોનેશનની જૂની ધારણાઓ તોડવાનો પ્રયાસ કર્યો હતો. લૉકડાઉન દરમિયાન મેં મારું 100 લીટર બ્રેસ્ટ મિલ્ક પ્રી મેચ્યોર બાળકો માટે ડોનેટ કર્યું. મને ઘણીવાર પૂછવામાં આવતું કે મેં મારા બાળક માટે કરિયર ચેન્જ કેમ ના કરી તો હું જવાબ આપતી કે આને મેં મારી જાતે પસંદ કરી છું અને આથી જ હું વીરની પ્રેમાળ માતાની સાથે સાથે એક પ્રોડ્યૂસર પણ છું.

સો.મીડિયા પોસ્ટ