નેશન ફર્સ્ટ:પ્રિયંકા ચોપરાએ ભારતની મદદ કરવા બધાને આજીજી કરી, કહ્યું-જ્યાં સુધી બધા સુરક્ષિત નથી ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી

6 મહિનો પહેલા
પ્રિયંકાએ અમેરિકાના સરકારી અધિકારીઓને ભારતને વેક્સિન આપવાની માગ કરી હતી.
  • હાલ પ્રિયંકા ચોપરા લંડનમાં છે
  • પ્રિયંકાએ ગિવ ઇન્ડિયાની લિંક શેર કરીને એમાં ડોનેશન કરવા કહ્યું છે

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચારેતરફ ફેલાયેલો છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ કપરા સમયમાં મદદ માટે આગળ આવ્યા છે. લંડનમાં બેઠેલી પ્રિયંકા ચોપરાએ ભારતને કોરોનાકાળમાં મદદ કરવા માટે આખી દુનિયાને વિનંતી કરી છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દેશની સ્થિતિ જણાવી અને શક્ય હોય તેટલા લોકોને મદદ કરવા આજીજી કરી છે. પ્રિયંકા અને તેના પતિ નિક જોનસની મદદ સતત ચાલુ જ છે. પ્રિયંકાએ ગિવ ઇન્ડિયાની લિંક શેર કરીને એમાં ડોનેશન કરવા કહ્યું છે.

વીડિયોમાં પ્રિયંકાએ કહ્યું, શા માટે આપણે બધાને ધ્યાન રાખવાની જરૂર છે? શા માટે અત્યારે બધું અર્જન્ટ છે? હું અત્યારે લંડનમાં છું અને સતત મારા મિત્રો તથા ફેમિલી મેમ્બર્સ તરફથી ભારતની સ્થિતિ સાંભળી રહી છું. હોસ્પિટલ ફુલ છે, ICU ખાલી નથી, એમ્બ્યુલન્સ વ્યસ્ત છે, ઓક્સિજન સપ્લાઇ ઓછો છે, સ્મશાનમાં ભીડ છે, કારણ કે મૃત્યુઆંક વધી રહ્યો છે. ભારત મારું ઘર છે અને એની સ્થિતિ ખરાબ છે, પ્લીઝ મદદ કરો. આપણે ગ્લોબલ કમ્યુનિટી તરીકે મદદ માટે આગળ આવવાનું છે. જ્યાં સુધી બધા સેફ નથી, ત્યાં સુધી કોઈ સેફ નથી. પ્લીઝ, તમારા રિસોર્સનો ઉપયોગ કરો. શક્ય હોય તેટલી મદદ કરો. ભારતને તમારી જરૂર છે.

વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું, આશરે 6.30 કરોડ લોકો મને ફોલો કરે છે, તેમાંથી જો 1 લાખ લોકો પણ 10 ડોલરની મદદ કરશે તો તે 10 લાખ ડોલરની મદદ થશે. તમારું ડોનેશન ડાયરેક્ટ હેલ્થકેર સેક્ટરમાં મદદ માટે વાપરવામાં આવશે. મારી અને નિકની મદદ સતત ચાલુ છે અને આગળ પણ અમે મદદ ચાલુ જ રાખીશું. આ મુશ્કેલ ઘડીમાં તમારી મદદની જરૂર છે. પ્લીઝ, ડોનેટ.

વિદેશમાં બેઠેલી એક્ટ્રેસ સતત ભારતની ચિંતા કરી રહી છે. આની પહેલાં પણ તેણે લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

મારા દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે
પ્રિયંકાએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અમેરિકાના સરકારી અધિકારીઓને ભારતને વેક્સિન આપવાની માગ કરી હતી. એ ઉપરાંત તેણે કહ્યું છે કે મારા દેશની સ્થિતિ ઘણી ગંભીર છે. તેણે પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘મારું હૃદય દુઃખી થઈ ગયું છે. ભારત કોરોનાથી પીડિત છે અને USને 550 મિલિયન ( 55 કરોડ) વધારે વેક્સિન ઓર્ડર કરી છે. જોકે આટલી જરૂર નથી. AstraZenecaને વિશ્વવ્યાપી શેર કરવા માટે POTUS, HCOS, સેક બ્લિંકેન અને જેક સુલિવનનો આભાર, પરંતુ મારા દેશમાં કોરોનાને કારણે સ્થિતિ ઘણી ગંભીર છે. શું તમે ભારતને તાત્કાલિક વેક્સિન શેર કરી શકો છો? #vaxlive.’

સોશિયલ મીડિયા યુઝર્સે પ્રિયંકાને ટ્રોલ કરી
પ્રિયંકાની આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેણે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ પોસ્ટની જરૂરિયાત 2 અઠવાડિયાં પહેલાં હતી. તમારે તમારા સાથી દેશવાસીઓ માટે પોસ્ટ કરવા માટે વેક્સ લાઈવ અભિયાનની રાહ ન જોવી જોઈએ.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘ગુડ મોર્નિંગ. અમેરિકા પહેલાંથી જ વેક્સિન ડેવલપમેન્ટ માટે રૉ મટીરિયલ મોકલવા માટે સંમત થઈ ગયો છે. તેને તમારે આવતીકાલે પોસ્ટ કરવાની જરૂર હતી.’ જ્યારે અન્ય કેટલાક લોકોએ ઈન્ડિયાની સ્થિતિ અંગે બોલવા પર પ્રિયંકાની પ્રશંસા કરી અને પ્રયત્નો માટે તેનો આભાર માન્યો છે.

બોલિવૂડ સેલેબ્સની મદદ ચાલુ જ છે:

અજય દેવગણે 1 કરોડ રૂપિયા આપ્યા
અજયે BMCને આશરે 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે, જેથી 20 બેડની ઈમર્જન્સી હોસ્પિટલ બની શકે. ગયા વર્ષે પણ એક્ટરે ધારાવીમાં સારવાર કરાવી રહેલા દર્દીઓ માટે વેન્ટિલેટર ડોનેટ કર્યાં હતાં.અક્ષય ઉપરાંત ભૂમિ પેડનેકર, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ કોવિડ વોરિયર્સની મદદ માટે આગળ આવ્યાં છે.

અક્ષય કુમારે 1 કરોડ રૂપિયાની મદદ કરી
અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ 100 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. આ વાતની જાણકારી ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. કોરોના મહામારીની બીજી લહેરમાં પણ સુપરસ્ટાર અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો. તેણે ક્રિકેટરમાંથી પોલિટિશિયન બનેલા ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા, જેથી જરૂરિયાતમંદ કોરોના દર્દીઓની મદદ કરી શકાય.