બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ વખતે ઓસ્કર અવૉર્ડ્સ પ્રેઝેન્ટ કરશે. દીપિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. ઓસ્કરમાં કોઈ ભારતીય અવૉર્ડ્સ પ્રેઝેન્ટ કરશે તેવું ત્રીજીવાર બનશે. આ પહેલાં 2016માં પ્રિયંકા ચોપરા, 1980માં પૂર્વ મિસ ઇન્ડિયા (1965) પર્સિસ ખંભાતા ઓસ્કરમાં પ્રેઝેન્ટર તરીકે સામેલ થયાં હતાં. ઓસ્કર અવૉર્ડ્સ અમેરિકામાં 12 માર્ચે રાત્રે યોજાશે. ભારતીય સમય પ્રમાણે, 13 માર્ચની સવારે સાડા પાંચ વાગ્યે અવૉર્ડ સેરેમની શરૂ થશે.
દીપિકા સહિત 16 પ્રેઝેન્ટર ઓસ્કરમાં સામેલ હશે
દીપિકાએ સો.મીડિયામાં ઓસ્કર 2023 હેશટેગ સાથે એક લિસ્ટ શૅર કર્યું છે. આ લિસ્ટમાં તેની સાથે બીજા 15 પ્રેઝેન્ટર કયા છે, તેનાં નામ છે, જેમાં રિઝ અહમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, જેનિફર કૉનોલી, એરિયાના ડીબોસ, સેમ્યુઅલ જેક્શન, ડ્વેન જ્હોનસન, માઇકલ બી જોર્ડન, ટ્રોય કોત્સુર, જોનાથન મેજર્સ, મેલિસા મેક્કાર્થી, જેનેલ મોનાએ, ક્વેસ્ટલોવ, જો સલાદાના તથા ડોની યેન સામેલ છે.
ફિફા વર્લ્ડકપની ટ્રોફી રિવીલ કરનાર પહેલી ભારતીય બની હતી
દીપિકા પાદુકોણે ગયા વર્ષે ફીફા વર્લ્ડકપની ટ્રોફી રિવીલ કરી હતી. આમ કરનાર તે પહેલી ભારતીય હતી. આ ઉપરાંત દીપિકા પાદુકોણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બર તરીકે સામેલ થઈ હતી.
ઓસ્કર 2023થી ભારતને આશા
આ વખતનો ઓસ્કર અવૉર્ડ્સ ઘણી રીતે મહત્ત્વનો છે. ભારતને ત્રણ નોમિનેશન મળ્યાં છે, જેમાં 'RRR'ના ગીત 'નાટૂ નાટૂ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 'ઓલ ધેટ બ્રીથ્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર તથા 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરી હેઠળ નોમિનેશન મળ્યું છે. 'RRR' પ્રત્યે ભારતીયોને ઘણી જ આશા છે. આ ફિલ્મના ગીતને ગોલ્ડન ગ્લોબ તથા હોલિવૂડ ક્રિટિક્સ ચોઇસ અવૉર્ડ્સ મળ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.