ફિલ્મનો વિલન રિયલ લાઇફ હીરો બન્યો:'જયકાંત શિકરે' પ્રકાશ રાજે ગરીબ દલિત યુવતીને UK ભણવા મોકલી, હવે નોકરી શોધવા માટે પણ આર્થિક મદદ કરી

મુંબઈએક મહિનો પહેલા
  • તમિળ ડિરેક્ટરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી

ફિલ્મમાં મોટા ભાગે વિલનના રોલમાં જોવા મળતો એક્ટર પ્રકાશ રાજ રિયલ લાઇફમાં હીરો કરતાં સહેજેય ઓછો નથી. પ્રકાશ રાજ અવારનવાર ગરીબો તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. હાલમાં જ પ્રકાશે પિતા વિહોણી દલિત યુવતીની મદદ કરી હતી.

ખરી રીતે આ યુવતીએ ઇંગ્લેન્ડ જઈને ભણવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવામાં પ્રકાશ રાજે મદદ કરી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં નોકરી મળે તે માટે પણ પ્રકાશ રાજે યુવતીની મદદ કરી હતી. જાણીતા ફિલ્મમેકર નવીન મોહમદઅલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

આભાર તથા પ્રકાશ રાજને સલામઃ નવીન
નવીન મોહમદઅલીએ પ્રકાશ રાજ તથા યુવતીની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'આભાર તથા પ્રકાશ રાજને સલામ. તેમણે એક અનાથ ગરીબ હોંશિયાર દલિત યુવતી શ્રીચંદનાની આર્થિક મદદ કરી. બ્રિટનની યુનિવર્સિટીમાં તેનું એડમિશન કરાવ્યું. માસ્ટર્સનો અભ્યાસ પૂરો કરાવ્યો અને હવે નોકરી શોધવા માટે પણ પૈસા આપ્યા. કોઈના જીવનમાં પરિવર્તન લાવવા માટે થેંક્સ સર.'

સશક્ત બનાવવાની ખુશીઃ પ્રકાશ રાજ
નવીન મોહમદઅલીની પોસ્ટ પર પ્રકાશ રાજે કહ્યું હતું, 'આ રીતે મારું ધ્યાન દોરવા માટે તમારો આભાર. આ ખુશીની વાત છે. જ્યારે અનેક હાથ સાથે મળીને પરિવર્તન લાવે છે. સ્ટે બ્લેસ્ડ. સશક્ત બનાવવાનો આનંદ.'

ચાહકોએ વખાણ કર્યા
પ્રકાશ રાજની આ પોસ્ટ પર સેલેબ્સ સહિત ચાહકોએ પણ વખાણ કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું, 'તમારી પર ગર્વ છે સર. તમને મળવાની ઈચ્છા છે.' અન્ય એકે કહ્યું હતું, 'ગ્રેટ જોબ સર.'

નવીને જ પ્રકાશ રાજને આ યુવતીની વાત કહી હતી
ઉલ્લેખનીય છે કે શ્રીચંદનાની ઈચ્છા હતી કે તે ઇંગ્લેન્ડમાં જઈને અભ્યાસ કરે, પરંતુ આર્થિક તંગીને કારણે તેનું આ સપનું પૂરું થવું શક્ય નહોતું. એન્ટ્રેસ એક્ઝામમાં શ્રીચંદનાને સારા માર્ક્સ આવ્યા હોવા છતાં પૈસાના અભાવે તે વિદેશ જઈ શકે તેમ નહોતી. શ્રીચંદનાના પિતા નથી.

'સિંઘમ'ના એક સીનમાં અજય-પ્રકાશ રાજ.
'સિંઘમ'ના એક સીનમાં અજય-પ્રકાશ રાજ.

તમિળ ડિરેક્ટર નવીન મોહમદઅલીને આ વાતની ખબર પડી તો તેમણે પ્રકાશ રાજને આ અંગે કહ્યું હતું. ત્યારબાદ પ્રકાશ રાજે યુવતીને ઇંગ્લેન્ડમાં એડમિશન મળે તે માટે આર્થિક મદદ કરી હતી.

2009માં બોલિવૂડ ડેબ્યૂ
પ્રકાશ રાજે કન્નડ, તમિળ, મરાઠી, મલયાલમ જેવી વિવિધ ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે. એક્ટરે 2009માં ફિલ્મ ‘વોન્ટેડ’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી. તે પછી ‘સિંઘમ’,‘દબંગ 2’, ‘મુંબઈ મિરર’, ‘પુલિસગિરી’, 'ભાગ મિલ્ખા ભાગ', ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી ફિલ્મ્સમાં કામ એક્ટિંગ કરી હતી. મોટાભાગની ફિલ્મ્સમાં તે વિલનના રોલમાં જ જોવા મળ્યા.