વિવાદ:ફિલ્મ 'જય ભીમ'માં હિંદી બોલતા એક વ્યક્તિને પ્રકાશ રાજે થપ્પડ મારી, સો.મીડિયા યુઝર્સે હોબાળો મચાવ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • 'જય ભીમ' 2 નવેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ

2 નવેમ્બર, એમેઝોન પ્રાઇમ વીડિયોમાં સાઉથ એક્ટર સૂર્યાની તમિળ લીગલ ડ્રામા ફિલ્મ 'જય ભીમ' વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મમાં એક વ્યક્તિ હિંદી બોલતો હતો અને તેને પ્રકાશ રાજ થપ્પડ મારે છે. આ સીન્સ પર સો.મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના હિંદી ડબિંગવાળા વર્ઝનમાં આ જ સીનમાં ‘તમિળમાં બોલ’ ડાયલોગને બદલીને ‘સાચું બોલ’ એવો વાક્યપ્રયોગ કરી દેવામાં આવ્યો છે.

સો.મીડિયામાં વિવાદ
ટી જે ગનાનવેલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રકાશ રાજ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મનો એક સીન વિવાદમાં આવ્યો છે. આ વિવાદિત સીનમાં એક વ્યક્તિ હિંદીમાં વાત કરે છે. હિંદી સાંભળીને પ્રકાશ રાજ તેને તમાચો મારે છે. તે વ્યક્તિ સવાલ કરે છે કે તેને કેમ થપ્પડ મારી. તો પ્રકાશ રાજ જવાબમાં કહે છે કે તમિળમાં વાત કર.

ફિલ્મ ક્રિટિક રોહિત જયસ્વાલે કહ્યું હતું કે આ સીન જોઈને તેમનું હૃદય ભાંગી પડ્યું.

તેમણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, આપણે તમિળ ફિલ્મની રાહ જોઈએ છીએ. આપણે તેમને સપોર્ટ કરીએ છીએ. અમે મેકર્સને અપીલ કરીએ છીએ કે ફિલ્મને પેન ઇન્ડિયા માટે રિલીઝ કરે અને તેની સામે આપણે બસ ખાલી પ્રેમ જોઈએ છીએ. ફિલ્મ જોયા બાદ મારું દિલ તૂટી ગયું. એક્ટર કે અન્ય કોઈ વિરુદ્ધ કંઈ જ નહીં, પરંતુ ખરાબ લાગ્યું. આ સીનની જરૂર નહોતી. આશા છે કે મેકર્સ આ સીન હટાવી દેશે.

સાઉથમાં ફિલ્મના વખાણ થયા

ફિલ્મના વિવાદિત સીનને કારણે ટીકા કરવામાં આવી છે. જોકે, ચાહકોએ પ્રકાશ રાજની એક્ટિંગના વખાણ કર્યા છે. ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે. તમિળનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, કમલ હાસને ફિલ્મના વખાણ કર્યા છે. સૂર્યાની એક્ટિંગે ચાહકોને દિલ જીતી લીધું છે.

'જય ભીમ' તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ 1993ની સત્ય ઘટના પર આધારિત છે.