બિગ બજેટ 'બાહુબલી':પ્રભાસ 'આદિપુરુષ', 'રાધે શ્યામ' સહિત ત્રણ ફિલ્મમાં વ્યસ્ત, ત્રણેય ફિલ્મનું ટોટલ બજેટ 1000 કરોડ રૂપિયા, દીપિકા સાથે પણ કામ કરશે

મુંબઈ2 વર્ષ પહેલા

પ્રભાસ છેલ્લે એક્શન ફિલ્મ 'સાહો'માં જોવા મળ્યો હતો. હાલમાં પ્રભાસ પાસે ત્રણ બિગ બજેટ 'આદિપુરુષ', 'રાધેશ્યામ' તથા નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ત્રણેય ફિલ્મ હાલમાં અલગ-અલગ તબક્કામાં છે. આ ત્રણેય ફિલ્મનું બજેટ અંદાજે એક હજાર કરોડ રૂપિયા જેટલું છે.

એસ એસ રાજમૌલિની ફિલ્મ 'બાહુબલી'ને કારણે પ્રભાસ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ ભારત તથા વિદેશમાં પણ એટલો જ લોકપ્રિય બન્યો છે. હવે તે માત્ર તેલુગુ સ્ટાર નથી.

'રાધે શ્યામ' રોમેન્ટિક ડ્રામા છે. ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે છે. આ ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા છે. ફિલ્મને રાધા ક્રિષ્ના કુમાર ડિરેક્ટ કરે છે, જ્યારે UV ક્રિએશને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં પ્રભાસ હસ્તરેખા નિષ્ણાત વિક્રમાદિત્યના રોલમાં છે અને પૂજા હેગડે સંગીતની શિક્ષિકા બની છે. આ ફિલ્મ તમિળ, મલયાલમ તથા હિંદીમાં રિલીઝ થશે. જ્યારે સાઉથની અન્ય ભાષામાં ડબ કરવામાં આવશે. હાલમાં પ્રભાસ આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

'આદિપુરુષ'માં રામની ભૂમિકા ભજવશે
ડિરેક્ટર ઓમ રાઉત 'આદિપુરુષ'ને ડિરેક્ટ કરશે. આ ફિલ્મ રામાયણ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. ફિલ્મમાં પ્રભાસ રામની ભૂમિકામાં અને સૈફ અલી ખાન રાવણનો રોલ ભજવતો જોવા મળશે. આ ફિલ્મ 2022માં 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. ફિલ્મનું બજેટ અંદાજે 450 કરોડનું હોવાનું ચર્ચાય છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સીતાના રોલમાં જોવા મળશે. ફિલ્મ હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

દીપિકા સાથે પહેલી જ વાર કામ કરશે
ડિરેક્ટર નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન આધારિત ફિલ્મમાં પ્રભાસ તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર કામ કરશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મ તેલુગુમાં બનશે અને પછી હિંદી સહિત વિવિધ ભાષામાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ વર્લ્ડ વૉર 3 પર આધારિત હોવાનું માનવામાં આવે છે. ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે.

પ્રભાસ તેલુગુ ફિલ્મમેકર કોરાતાલા સિવાની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ બે વર્ષ પછી શરૂ થશે. આ બંનેએ પહેલાં તેલુગુ એક્શન ડ્રામા 'મિર્ચી'માં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.