2 ફિલ્મો, 2 લુક:'શમશેરા'માંથી રણબીરનો ફર્સ્ટ લુક લીક, લવ રંજનની ફિલ્મમાંથી શ્રદ્ધાની સાથે એક્ટરનો રોમેન્ટિક ફોટો પણ વાઈરલ

17 દિવસ પહેલા
  • ફિલ્મ આ વર્ષે 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે

રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત અભિનીત ફિલ્મ શમશેરા વર્ષ 2022ની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. ફેન્સ આ ફિલ્મમાં રણબીર કપૂરની એક ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે આ ફિલ્મનું પોસ્ટર લીક થઈ ગયું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂર એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટર લીક થતાં જ ટ્વિટર પર #Shamshera ટ્રેન્ડ થવા લાગ્યું અને રણબીરનો આ લુક જોઈ ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

ફિલ્મના લીક થયેલા પોસ્ટરમાં રણબીર કપૂરના લુકની વાત કરીએ તો તે ડાકુના અવતારમાં જોવા મળી રહ્યો છે. લાંબી દાઢી-મૂછોમાં તે જોરદાર દેખાય રહ્યો છે. તેના માથા પર ઈજાનું નિશાન છે. વાળ હવામાં ઉડી રહ્યા છે અને ગંદા કપડાં પહેરી અને હાથમાં કુહાડી લઈ તેના ચહેરા પર ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોસ્ટરની ટેગલાઈન છે કર્મથી ડાકુ, ધર્મથી આઝાદ.

તાજેતરમાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની સાથે ટીઝર પણ રિલીઝ કર્યું હતું. લગભગ એક મિનિટના મોનોક્રોમેટિક ટીઝરમાં ત્રણેય સ્ટાર્સને હથિયારોથી ઘેરાયેલી ધૂંધળી પ્રકાશવાળી જગ્યાના કેન્દ્રમાં બેઠેલા બતાવવામાં આવ્યા હતા.

આ ફિલ્મ કરણ મલ્હોત્રાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, ડાકુ શમશેરાની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર પણ હશે. તે સિવાય આશુતોષ રાણા, સૌરભ શુક્લા, રોનિત રોય, જેવા કલાકારો પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેને હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.

લવ રંજનની ફિલ્મના સેટથી લીક થયો રણબીર-શ્રદ્ધાનો ફોટો
બીજી તરફ રણબીર અત્યારે શ્રદ્ધા કપૂરની સાથે સ્પેનમાં લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના સેટ પરથી રણબીર અને શ્રદ્ધાનો ક્યૂટ રોમેન્ટિક ફોટો લીક થયો છે. જેમાં રણબીર, શ્રદ્ધાને ખોળામાં ઉઠાવવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. આ ફોટો પર ફેન્સ વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, રણબીર અને શ્રદ્ધાએ સ્પેનમાં ક્યૂટનેસની તમામ હદ પાર કરી દીધી છે. બીજા ફેને લખ્યું, આ બંનેએ અમને લવ રંજનની ફિલ્મ જોવા માટે ઉત્સાહિત કરી દીધા છે.

ફેને કમેન્ટમાં રણબીરની ફિલ્મનો ડાયલોગ લખ્યો
એક ફેને રણબીરની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'નો ડાયલોગ કમેન્ટ કર્યો, તુમ્હારી સ્માઈલ કિતની ડેન્જરસ હૈ પતા હૈ? મેરે પાસ દિલ હોતા ના પક્કા તેરી સ્માઈલ પર આ જાતા. લવ રંજનની ફિલ્મ 8 માર્ચે 2023ના રોજ રિલીઝ થશે.

રણબીર કપૂરની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ છે. અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...