સિંગર વિરુદ્ધ ફરિયાદ:પોલીસે બાંગ્લાદેશી હીરો અલોમને જેલમાં પૂરી વોર્નિંગ આપી, કહ્યું- 'બહુ જ ખરાબ ગાય છે, ગાવાનું બંધ કર'

ઢાકા5 દિવસ પહેલા

બાંગ્લાદેશના હીરો અલોમ પોતાની સિંગિંગ સ્ટાઇલને કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશનમાં આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસે અલોમને ફરી ક્યારેય ક્લાસિકલ સોંગ ના ગાવાનું કહ્યું છે. સિંગર હોવા છતાં તે ખરાબ સિંગર હોવાનું પણ કહ્યું હતું.

બાંગ્લાદેશમાં લોકપ્રિય છે
બાંગ્લાદેશમાં અલોમ સો.મીડિયામાં ઘણો જ લોકપ્રિય છે. અલોમ પોતાને સિંગર, એક્ટર તથા મોડલ કહે છે. સો.મીડિયામાં અલોમના વીડિયો ઘણા જ વાઇરલ થાય છે. તે પોતાની સિંગિંગ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. અલોમ પોતાની સિંગિંગ સ્ટાઇલને કારણે પરેશાન થયો છે. લોકોએ ફરિયાદ કરી હતી કે અલોમ ઘણું જ ખરાબ ગાય છે અને તે ક્લાસિકલ સોંગ સાથે છેડછાડ પણ કરે છે.

અલોમે શું કહ્યું?
અલોમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગયા અઠવાડિયે પોલીસે તેને માનસિક રીતે પરેશાન કર્યો હતો. પોલીસે તેને ક્લાસિકલ સોંગ ગાવાની ના પાડી છે. પોલીસે તેને એમ પણ કહ્યું કે તે સિંગર તરીકે ઘણો જ ખરાબ છે. આટલું જ નહીં, તેની પાસે માફીનામા પર સહી પણ કરાવી હતી.

તેણે જણાવ્યું હતું કે પોલીસ તેને સવારે છ વાગે ઉઠાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અહીં તેને આઠ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે તે નોબેલ પુરસ્કાર રવીન્દ્રનાથ ટાગોર તથા બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઈસ્લામનાં ગીતો કેમ ગાય છે?

આ કેસમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ચીફ ડિટેક્ટિવ હારુન ઉર રાશિદે પત્રકારોને કહ્યું હતું કે તેમને અલોમ વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી. હાલમાં અલોમે પોતાના વીડિયોમાં પરમિશન વગર પોલીસ યુનિફોર્મ પહેર્યો એ બદલ તથા ટાગોર-નઝરુલનાં ગીતો ગાવા માટે માફી માગી લીધી છે. વધુમાં હારુને કહ્યું હતું કે અલોમે ગીતની પારંપરિક શૈલીને બદલી નાખી છે. તેણે આશ્વાસન આપ્યું છે કે હવે તે આવી ભૂલ કરશે નહીં.

પૂછપરછ બાદ નવો વીડિયો રિલીઝ કર્યો
પોલીસ પૂછપરછ બાદ અલોમે એક નવો વીડિયો રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં તે કેદીનાં કપડાંમાં જેલમાં જોવા મળે છે. વીડિયોમાં તેણે દુઃખ સાથે કહ્યું હતું કે તેને ફાંસી આપવામાં આવશે.

સો.મીડિયા યુઝર્સે આકરી પ્રતિક્રિયા આપી
અલોમ સાથે થયેલા વ્યવહારને સો.મીડિયા યુઝર્સે વખોડી નાખ્યો છે. અનેક યુઝર્સ અલોમના સપોર્ટમાં ઊભા રહ્યા હતા. યુઝર્સે કહ્યું હતું કે આ વ્યક્તિગત અધિકારોનું હનન છે. સ્થાનિક પત્રકાર આદિત્ય અરાફાતે કહ્યું હતું કે તે અલોમની એક્ટિંગ કે ગીતનો પ્રશંસક નથી, પરંતુ તેનો અવાજ કચડવાનો પ્રયાસ થયો છે અને તે આની વિરુદ્ધમાં છે.

કોણ છે હીરો અલોમ?
બાંગ્લાદેશના બોગરામાં જન્મેલો અલોમ શરૂઆતમાં CD વેચતો હતો અને પછી તેણે સેટેલાઇટ ટીવી કનેક્શનના બિઝનેસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેને મ્યુઝિક વીડિયો બનાવવાનો શોખ હતો અને આ રીતે તેણે સો.મીડિયામાં વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા. 2015માં તેના કેટલાક મ્યુઝિક વીડિયો વાઇરલ થયા હતા અને તે બાંગ્લાદેશમાં લોકપ્રિય થયો હતો. 2018માં અલોમે બંગાળી ફિલ્મ 'મારી ચોક્કા'માં કામ કર્યું હતું.

ચૂંટણી પણ લડી હતી
2018માં બાંગ્લાદેશમાં જનરલ ઇલેક્શન યોજાયું હતું. અલોમ બોગરા-4 વિસ્તારમાંથી ઊભો રહ્યો હતો. જોકે ચૂંટણીમાં તેને માત્ર 638 મત મળ્યા હતા અને આ બેઠક મોશર્રફ હુસૈને જીતી હતી.

2019માં ધરપકડ થઈ હતી
અલોમ હાલમાં પત્ની સાદિયા તથા બે બાળકો આલો તથા કબીર સાથે બોગરાની નજીક ઉરુલિયામાં રહે છે. માર્ચ, 2019માં તેની ધરપકડ કરવામાં આવી હતી. અલોમ પર આરોપ હતો કે તેણે પત્નીને દહેજ માટે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...