ભાઈજાન પર બીજીવાર હુમલાનું કાવતરું:સલમાન ખાનને ફાર્મહાઉસમાં મારવાનું પ્લાનિંગ કર્યું હતું, બિશ્નોઇ ગેંગના પ્લાન Bનો ઘટસ્ફોટ

મુંબઈ19 દિવસ પહેલા

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર હજીય જીવનું જોખમ રહેલું છે. સલમાન ખાન છેલ્લા ચાર વર્ષથી બિશ્નોઇ ગેંગના ટાર્ગેટ પર છે. આ ગેંગે આ વર્ષોમાં એક્ટરની હત્યા કરવાનો છ વાર પ્રયાસ કર્યો હતો. હવે પંજાબ પોલીસે આ કેસમાં નવો ઘટસ્ફોટ કર્યો છે. લોરેન્સ ગેંગે છેલ્લા ત્રણ મહિનામાં સલમાન પર હુમલો કરવાનો બેવાર પ્રયાસ કર્યો હતો. ગેંગે સલમાને ફાર્મહાઉસના રસ્તામાં મારવાનો પ્લાન બનાવ્યો હતો.

કેવી રીતે ઘટસ્ફોટ થયો?
સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ પહેલાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે સલમાન ખાનને મારવા માટે પ્લાન B તૈયાર કર્યો હતો. આ પ્લાનને ગોલ્ડી બરાડ, કપિલ પંડિત લીડ કરતા હતા. પંજાબ પોલીસે શૂટર કપિલ પંડિતની ત્રણ દિવસ પહેલાં જ ભારત-નેપાળ બોર્ડર પર ધરપકડ કરી હતી. પૂછપરછમાં કપિલ પંડિતે તમામ વાતો કહી હતી. મુંબઈના વાજે વિસ્તારમાં પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાધવ, દીપક પુંડી તથા અન્ય બે શૂટર્સે ભાડે રૂમ લીધો હતો.

પનવેલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું ફાર્મહાઉસ છે. તે ફાર્મહાઉસના રસ્તામાં જ લોરેન્સના શૂટર્સે રેકી કરીને રૂમ ભાડે લીધો હતો. તેઓ અહીંયા દોઢ મહિનો રોકાયા હતા. લોરેન્સના આ તમામ શૂટર્સ પાસે સલમાન પર હુમલો કરવા માટે ગન તથા કારતૂસ પણ હતા.

શૂટર્સને એ વાતની જાણ હતી કે હિટ એન્ડ રન કેસમાં નામ આવ્યા બાદ સલમાન ખાનની કારની સ્પીડ ઘણી જ ઓછી છે. પનવેલમાં જ્યારે પણ સલમાન આવે છે તો તેની સાથે બૉડીગાર્ડ શેરા હોય છે.

એટલું જ નહીં શૂટર્સે રેકી કરી હતી કે સલમાન ખાન પનવેલના કયા રસ્તેથી ફાર્મહાઉસ જાય છે. શૂટર્સે ફાર્મહાઉસના સુરક્ષાગાર્ડ્સ સાથે એક્ટરના ચાહક બનીને મિત્રતા કરી લીધી હતી. આ રીતે શૂટર્સ સલમાનની તમામ ગતિવિધિ પર ધ્યાન રાખી શકતા હતા. આ સમય દરમિયાન સલમાન ખાન બે વાર ફાર્મહાઉસ આવ્યો હતો, પરંતુ બિશ્નોઇ ગેંગ અટેક કરી શકી નહોતી.

ધમકી બાદ ગન લાઇસન્સ લીધું, બુલેટપ્રુફ કારમાં ફરે છે
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સેલ્ફ પ્રોટેક્શન માટે ગન લાઇસન્સ આપવામાં આવ્યું હતું. સલમાન ખાને ધમકી મળ્યા બાદ કારને બુલેટપ્રૂફ કરાવી હતી. બુલેટપ્રૂફ ટોયોટા લેન્ડ ક્રૂઝરની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. આ કારમાં 4461 cc એન્જિન તથા 262 BHPનો મહત્તમ પાવર છે.

જૂન મહિનામાં સલમાનને ધમકી મળી હતી
સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાંદ્રામાં ફરિયાદ કરી હતી. થોડા દિવસ બાદ એ વાત સામે આવી હતી કે લોરેન્સ ગેંગે પબ્લિસિટી માટે સલમાનને ધમકી આપી હતી.

આ પહેલાં પણ બિશ્નોઇ ગેંગે સલમાનને મારવાનો પ્રયાસ કર્યો હતો
લોરેન્સ બિશ્નોઈએ સલમાનને કાળિયાર હરણ કેસમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, કારણ કે બિશ્નોઈ સમાજ કાળિયાર હરણને પવિત્ર માને છે. ફિલ્મ 'રેડી'ના શૂટિંગ સમયે લોરેન્સે સલમાન પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ સફળ થયો નહીં. જેલમાં બંધ ગેંગસ્ટર બિશ્નોઈએ 2021માં સુરક્ષા એજન્સીને પૂછપરછમાં સલમાનની હત્યાના ષડ્યંત્રની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે સલમાનને મારવા માટે તેણે રાજસ્થાનના ગેંગસ્ટર સંપત નેહરાને કહ્યું હતું. ત્યારબાદ સંપત મુંબઈ ગયો હતો. તેણે સલમાનના ઘરની રેકી પણ કરી હતી. ત્યારબાદ પણ બિશ્નોઇ ગેંગે હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા નહોતા.