મુંબઈના એક થિએટરમાં ફિલ્મ 'ગાંધી ગોડસે : એક યુદ્ધ' ફિલ્મના એક સ્ક્રીનિંગ દરમિયાન ભારે હોબાળો થયો હતો. સ્ક્રીનિંગ સાથે જોડાયેલી એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન મીડિયામાં બેઠેલા અજાણ્યા લોકોએ ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આ સાથે જ કાળા ઝંડા ફરકાવીને જોર જોરથી ‘ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.
વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું હતું કે, ફિલ્મમાં મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે, જ્યારે તેમના હત્યારા નાથુરામ ગોડસેનું મહિમામંડન કરવામાં આવ્યું છે, તેથી તેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. જ્યારે આ હંગામો થયો ત્યારે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી પણ ત્યાં હાજર હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી
મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક મિની થિયેટરમાં ફિલ્મના કેટલાક ફૂટેજ અને ડાયલોગ્સનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન આ હંગામો થયો હતો. મામલો એટલી હદે વણસી ગયો હતો કે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
જયારે આ બબાલ થઇ તે સમયે સ્ટેજ પર દિગ્દર્શક રાજકુમાર સંતોષી, ગાંધીજીની ભૂમિકા ભજવતા અભિનેતા દીપક અંતાણી અને ફિલ્મના સહયોગી નિર્માતા લલિત શ્યામ ટેકચંદાણી પણ હતા.
આ ફિલ્મ કોઈને અપમાનિત કરવા માટે બનાવવામાં આવી નથી
રાજકુમાર સંતોષીએ આ હંગામા બાદ જણાવ્યું હતું કે, તેણે આ ફિલ્મ કોઈને અપમાનિત કરવા માટે નથી બનાવી, ન તો કોઈને ગૌરવ આપવા માટે ફિલ્મ બનાવી છે. વધુમાં એમણે જણાવ્યું હતું કે, તેણે ફિલ્મ દ્વારા ગાંધી અને નાથુરામ ગોડસેને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
રાજકુમાર સંતોષીએ જણાવ્યું હતું કે, જ્યારે લોકો આ ફિલ્મને સિનેમાઘરોમાં જોશે ત્યારે તેઓ સમજી જશે કે તેણે આ ફિલ્મ દ્વારા શું કહેવાનો પ્રયાસ કર્યો છે અને આ રીતે તેની ફિલ્મનો વિરોધ કરવો યોગ્ય નથી.
રાજકુમાર સંતોષી પર અજાણી વ્યક્તિનો હુમલો
અત્રે ઉલ્લેખનીય છે કે, 'ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'ની પ્રેસ-કોન્ફરન્સમાં પહોંચતાં પહેલાં એક અજાણ્યા વ્યક્તિએ રાજકુમાર સંતોષી પર હુમલો કર્યો હતો અને તેમને શારીરિક ઇજા પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જ્યારે રાજકુમાર સંતોષીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે આ વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો અને ચાલ્યા ગયા હતાં.
26 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ
ગાંધી ગોડસે એક યુદ્ધ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપક અંતાણીએ મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી છે જ્યારે ચિન્મય માંડલેકરે નાથુરામ ગોડસેની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં રાજકુમાર સંતોષીની પુત્રી તનિષા સંતોષી અને અનુજ સક્સેના પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.