પ્રેગ્નન્સી બાઇબલ:કરીના કપૂરે કહ્યું, 'મેઇનસ્ટ્રીમ કલાકારો પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ અંગે વાત કરે તે સાંભળવા લોકો ટેવાયેલા નથી'

મુંબઈ2 વર્ષ પહેલા
  • કરીનાએ બુકમાં કહ્યું હતું કે સેકન્ડ પ્રેગ્નન્સી દરમિયાન તેને સરોગસીનો પણ વિચાર આવ્યો હતો.

કરીના કપૂર અવારનવાર અંગ્રેજી કહેવત 'નો ગટ્સ નો ગ્લોરી' બોલતી હોય છે. હાલમાં જ કરીનાની બુક 'પ્રેગ્નન્સી બાઇબલ' લૉન્ચ થઈ છે. આ બુકમાં કરીનાએ બંને પ્રેગ્નન્સી દરમિયાન તે શું અનુભવતી હતી, તે અંગે વાત કરી હતી. કરીનાએ પ્રેગ્નન્સી બુકમાં સેક્સ ડ્રાઇવ અંગે પણ વાત કરી હતી.

સેક્સ અંગે પહેલી જ વાર ઇન્ટરવ્યૂમાં વાત કરી
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં કરીનાએ કહ્યું હતું, 'મને નથી લાગતું કે સેક્સ અંગે વાત કરવામાં તમારે કોઈ હિંમતની જરૂર પડે. આ રોજબરોજની વાત છે. સેક્સ પતિ તથા પત્ની વચ્ચેનો જરૂરી વિષય છે અને આ અંગે મહિલા શું ફીલ કરે છે, તે વાત પર અસર કરે છે.'

બુકમાં 40 વર્ષીય કરીનાએ કહ્યું હતું કે એ વાત શક્ય છે કે પ્રેગ્નન્સીમાં મહિલાને સેક્સની જરૂર લાગતી નથી. બની શકે કે પ્રેગ્નન્સીમાં તે પોતાને પસંદ પણ ના કરતી હોય. બાળકને જન્મ આપ્યા પહેલાં મહિલા આ બધી બાબતોમાંથી પસાર થાય છે. મેઇન સ્ટ્રીમ એક્ટર્સ આ મુદ્દે વાત કરે તે બાબત ચાહકો માટે નવી છે. આટલું જ નહીં ચાહકોને મેઇનસ્ટ્રીમ કલાકારોને પ્રેગ્નન્ટ જોવાની પણ આદત નથી.

કરીનાએ કહ્યું હતું કે ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં તે યુવાન તથા વધુ એનર્જેટિક હતી. તેને લાગતું કે તે એકદમ ફિટ છે. જોકે, સેકન્ડ પ્રેગ્નન્સીમાં તે પોતાને સેક્સી માનતી નહોતી.

સરોગસીથી બાળકને જન્મ આપવા માગતી હતી
ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે તે એમ વિચારતી હતી કે તેણે સરોગસીથી બાળકને જન્મ આપવો જોઈએ? સૈફને જ્યારે તેણે આ અંગે વાત કરી તો તેણે એવો જવાબ આપ્યો હતો કે જો આપણે બાળક જોઈએ છીએ, તો આપણે પ્રયાસ કરવો જોઈએ. જો ભગવાન ઈચ્છશે તો આપણને બાળક થશે. સરોગસીનો વિચાર એકવાર તેના મનમાં આવ્યો હતો. જોકે, સૈફ આ અંગે એકદમ સ્પષ્ટ હતો કે પહેલાં તેને યોગ્ય રીતે કરીએ અને જોઈએ કે શું થાય છે. તે બંને બાળકોને હાથમાં લઈને ઘણી જ ખુશ છે.

પ્રેગ્નન્સીમાં પણ કામ કર્યું
વધુમાં કરીનાએ કહ્યું હતું કે તે બંને બાળકોના જન્મ અંગેના અનુભવથી ઘણી જ ખુશમાં છે. તેણે આ સમયને ઘણો જ એન્જોય કર્યો છે. તે એક એવી એક્ટ્રેસ હતી, જેણે પ્રેગ્નન્સીમાં પણ બહાર જવાનું બંધ કર્યું નહોતું. તેના ચહેરા તથા પગમાં સોજા હતા અને આ વાતની સહેજય ચિંતા કર્યા વગર તે બધે જ જતી હતી. તેણે આ સમય દરમિયાન પુષ્કળ કામ કર્યું હતું.

કરીનાએ પોતાની બુકમાં ફર્સ્ટ ડિલિવરીના પ્રથમ ત્રણ મહિના દરમિયાન તેને બ્લિડિંગ પણ થયું હતું તે પણ કહ્યું હતું. કરીનાએ કહ્યું હતું કે આ બુક ઓટોબાયોગ્રાફી નથી. તેણે બે પ્રેગ્નન્સીમાં શું અનુભવ્યું તથા ડૉક્ટર્સે તેને શું માહિતી આપી હતી, તે અંગે વાત કરી છે.