'ઇન્ડિયન આઇડલ 12'ના વિનરનો પ્લાન:પવનદીપ-અરૂણિતા 10 દિવસ કેદારનાથના પ્રવાસે જશે, સાથે આ સ્પર્ધકો પણ જોવા મળશે

મુંબઈ3 મહિનો પહેલા
  • અરૂણિતા કાંજીલાલ ફર્સ્ટ તથા સાયલી કામ્બલે સેકન્ડ રનરઅપ છે.

સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12'ની ટ્રોફી પવનદીપ રાજને પોતાના નામે કરી છે. પવનદીપને ટ્રોફી ઉપરાંત ઈનામમાં એક કાર તથા 25 લાખ રૂપિયા મળ્યા છે. 15 ઓગસ્ટ, રવિવારના રોજ યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં પવનદીપ, અરૂણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, શન્મુખા પ્રિયા, નિહાલ ટૌરો તથા સાયલી કામ્બલે હતા. શો જીત્યા બાદ પવનદીપે એક ઇન્ટરવ્યૂમાં ફ્યૂચર પ્લાન અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે શોના સ્પર્ધકો સાથે 10 દિવસ માટે કેદારનાથ જશે.

શો બાદ ટ્રિપ પર જવાનું પ્લાનિંગ
ઇન્ટરવ્યૂમાં પવનદીપને પૂછવામાં આવ્યું હતું કે રિયાલિટી શો પૂરો થઈ ગયો છે અને હવે તે આગળ શું કરવા માગે છે? આ સવાલ પર પવનદીપે કહ્યું હતું, 'સૌથી પહેલાં, અમે તમામ લોકો 10 દિવસ માટે કેદારનાથની ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છીએ. મને આશા છે કે અમારો પ્લાન કામ કરશે અને અમે તમામ સ્પર્ધક એક સાથે ત્યાં રહીશું. ત્યારબાદ હું મારા પરિવાર સાથે સમય પસાર કરીશ અને કેટલીક બાબતો અંગે વિચારીશ. એકવાર હું આરામ કરી લઉં, પછી જ હું ભવિષ્ય અંગે કંઈક વિચારીશ.'

ફિનાલેમાં આવનાર તમામ સ્પર્ધકો વિજેતા
પવનદીપ રાજને કહ્યું હતું, 'ફિનાલેમાં આવનાર તમામ સ્પર્ધકો વિજેતા છે. ફિનાલે અંગે મેં બહુ વિચાર્યું નહોતું. મારા મનમાં બસ એ જ વાત હતી કે જે પણ જીતે, ટ્રોફી મિત્રોની વચ્ચે જ રહેશે. અમે પરિવાર જેવા છીએ. જ્યારે મને ટ્રોફી આપવામાં આવી ત્યારે હું બહુ ઉત્સાહમાં નહોતો, કારણ કે અમે બધા જ આ ટ્રોફીના હકદાર હતા. અમે તમામે ભવિષ્યમાં સાથે કામ કરવાનો પ્લાન બનાવ્યો છે. અમે એકબીજાના સંપર્કમાં રહીશું.'

સાથે મળીને મ્યૂઝિક ક્રિએટ કરશે
પવનદીપ રાજને કહ્યું હતું કે હવે ટોપ 6 સ્પર્ધકો સાથે મળીને મ્યૂઝિક ક્રિએટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. ટોપ 6 ઉપરાંત પવનદીપની સાથે આશીષ કુલક્રણી પણ હશે. ઉલ્લેખનીય છે કે શો દરમિયાન પવનદીપ તથા આશીષ ઘણાં જ સારા મિત્રો બની ગયા હતા. ગ્રાન્ડ ફિનાલેમાં આશીષ આવ્યો ત્યારે તેણે પવનદીપને ગિફ્ટ પણ આપી હતી. પવનદીપે કહ્યું હતું કે તે અને આશીષ સાથે મળીને કામ કરશે. તે મુંબઈમાં જગ્યા લેવાનું વિચારે છે, અહીંયા બંને સાથે મળીને મ્યૂઝિક કમ્પોઝ કરશે.

અરૂણિતા કાંજીલાલ ફર્સ્ટ અને સાયલી સેકન્ડ રનરઅપ
'ઇન્ડિયન આઈડલ 12'ની ગ્રાન્ડ ફિનાલે 12 કલાક સુધી ચાલી હતી. 'ઇન્ડિયન આઇડલ'ના ઈતિહાસમાં પહેલી જ વાર ફિનાલેમાં 5ને બદલે 6 સ્પર્ધકો જોવા મળ્યા હતા. અરૂણિતા શોની ફર્સ્ટ રનરઅપ બની હતી. સાયલી કામ્બલે સેકન્ડ રહી હતી. મોહમ્મદ દાનિશ ચોથા સ્થાને તો પાંચમા પર નિહાલ ટૌરો હતો. છઠ્ઠા નંબરે શન્મુખા પ્રિયા હતી. આ શો નવેમ્બર, 2020માં શરૂ થયો હતો.

પવનદીપે ટ્રોફી લીધી તો માતાની આંખ છલકાઈ ઊઠી
પવનદીપ કહ્યું હતું, 'જ્યારે મેં ટ્રોફી હાથમાં લીધી ત્યારે મારી માતાની આંખમાંથી ખુશીના આંસુ છલકાવવા લાગ્યા હતા.' ઉત્તરાખંડના લોકોએ પવનદીપની ખુશીમાં ફટાકડા ફોડ્યા હતા.