રાજકુમાર-પત્રલેખાના વેડિંગ:લગ્નમાં પત્રલેખાએ હાથમાં મહેંદી શા માટે ના મુકાવી? ચૂંદડીમાં બંગાળી ભાષામાં સ્પેશિયલ મેસેજ લખ્યો હતો

ચંદીગઢ2 મહિનો પહેલા
  • રાજકુમાર તથા પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા
  • ચૂંદડીમાં મેસેજ હતો, હું પ્રેમથી ભરેલું મારું હૃદય તમને આપું છું'

રાજકુમાર રાવ તથા પત્રલેખાએ 15 નવેમ્બરના રોજ ચંદીગઢમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ચંદીગઢની ધ ઓબેરોય સુખવિલાસ સ્પા રિસોર્ટમાં થયા હતા. દુલ્હન બનેલી પત્રલેખાએ લગ્નમાં મહેંદી જ મુકાવી નહોતી. આ ઉપરાંત પત્રલેખાએ ચૂંદડીમાં બંગાળી ભાષામાં રાજકુમાર રાવ માટે સ્પેશિયલ મેસેજ પણ લખ્યો હતો.

શા માટે મહેંદી ના લગાવી?
પત્રલેખા તથા રાજકુમાર રાવના લગ્ન રીતરિવાજ સાથે થયા હતા. સામાન્ય રીતે લગ્નમાં મહેંદી મૂકવી સહજ વાત છે. જોકે માન્યતા છે કે લગ્નમાં હાથ કે પગમાં મહેંદીમાં મૂકવી હિંદુ સંસ્કૃતિનો હિસ્સો નથી. મહેંદીની પ્રથા ભારતમાં મુઘલ સામ્રાજ્ય આવ્યું પછી શરૂ થઈ હતી.

માન્યતા પ્રમાણે, લોકો હાથ તથા પગમાં આલતા લગાવતા હતા. કાચા લાખને પીસીને પાણીમાં ચઢાવીને આલતા બનાવવામાં આવતો હતો. જોકે હવે લાલ રંગને પાણીમાં મિક્સ કરીને આલતા બનાવવામાં આવે છે.

બંગાળી રીત-રિવાજમાં આલતા લગાવવાની પરંપરા
બંગાળી રીતરિવાજમાં આજે પણ દુલ્હન હાથમાં મહેંદી નહીં, પરંતુ આલતા લગાવે છે. પત્રલેખા બંગાળી છે અને તેથી બંગાળી કલ્ચરને મહત્ત્વ આપીને મહેંદી નહીં, પરંતુ આલતા લગાવ્યો હતો. બંગાળી રીત રિવાજ પ્રમાણે, દુલ્હનના હાથમાં આલતાનો રંગ જેટલો ઘાટ્ટો આવે તેટલો તેને વધુ પ્રેમ મળે છે.

ચૂંદડીમાં સ્પેશિયલ મેસેજ લખ્યો
લાલ સાડીમાં પત્રલેખા ઘણી જ સુંદર લાગતી હતી. પત્રલેખાએ ફેશન ડિઝાઇનર સબ્યાસાચીની ડિઝાઇનર સાડી પહેરી હતી. સાડી સાથે એક્ટ્રેસે સ્પેશિયલ ચૂંદડી ઓઢી હતી. આ ચૂંદડીની બોર્ડર પર પત્રલેખાએ બંગાળી ભાષામાં સ્પેશિયલ મેસેજ લખ્યો હતો, 'અમર પોરન ભૌરા ભાલોબાસા અભી તોમે સોમોરપોન કોરિલમ.' એટલે કે 'હું પ્રેમથી ભરેલું મારું હૃદય તમને આપું છું.'