'પઠાન'એ ઈતિહાસ રચ્યો, 'બાહુબલી 2'ને પછાડી:માત્ર 38 દિવસમાં છ વર્ષ જૂના રેકોર્ડને ધ્વસ્ત કર્યો, સૌથી વધુ કલેક્શન કરનારી હિંદી ફિલ્મ બની

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

'પઠાન'એ 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. શાહરુખની ફિલ્મે રિલીઝના માત્ર 38 દિવસમાં 511.70 કરોડની કમાણી કરી છે. 'બાહુબલી 2'ના હિંદી વર્ઝને 510.99 કરોડનું લાઇફટાઇમ કલેક્શન કર્યું હતું. 'પઠાન'ના તમિળ ને તેલુગુ વર્ઝનની કમાણી ઉમેરવામાં આવે તો ભારતમાં આ ફિલ્મે 529.96 કરોડની કમાણી કરી છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મે 1026 કરોડનો બિઝનેસ કર્યો છે.

શાહરુખ ખાને નવા કીર્તિમાન સ્થાપિત કર્યા
'બાહુબલી 2' વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધી આ ફિલ્મની કમાણીનો રેકોર્ડ તૂટી શક્યો નહોતો. જોકે, શાહરુખ ખાનની 'પઠાન' ફિલ્મે છ વર્ષ બાદ આ ફિલ્મનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. 'પઠાન' 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ હતી.

સલમાનની 'બજરંગી ભાઈજાન'ને પણ પછાડી
ડોમેસ્ટિક બોક્સ ઓફિસ ઉપરાંત ફિલ્મે વિદેશમાં પણ સારી કમાણી કરી છે. વર્લ્ડવાઇડ સૌથી વધુ કમાણી કરનાર હિંદી ફિલ્મની યાદીમાં 'પઠાન' બીજા ક્રમે છે. પહેલા નંબરે આમિર ખાનની 'દંગલ' છે. 'પઠાન'એ સલમાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ને વર્લ્ડવાઇડ કમાણીમાં માત આપી છે. સલમાનની આ ફિલ્મે 969.06 કરોડનું કલેક્શન કર્યું હતું. 'દંગલ' તથા 'બજરંગી ભાઈજાન' ચીનમાં રિલીઝ થઈ હતી. આ જ કારણે બંનેની કમાણી વધારે છે.

'પઠાન'એ પહેલા દિવસે રેકોર્ડ બનાવ્યો હતો
રિલીઝના દિવસે શાહરુખની ફિલ્મે 55 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં શાહરુખની માત્ર 2 ફિલ્મ ચાલી
શાહરુખ ખાનની છેલ્લા 10 વર્ષની કરિયર પર નજર કરવામાં આવે તો 'ચેન્નઈ એક્સપ્રેસ' તથા 'હેપી ન્યૂ યર' સિવાય એક પણ ફિલ્મ ચાલી નથી. 'ચેન્નઈ એક્સપ્રેસ'એ 227.13 કરોડની તો 'હેપી ન્યૂ યર'એ 203 કરોડની કમાણી કરી હતી. આ ઉપરાંત 'ડિયર જિંદગી', 'ફેન', 'રઈસ', 'દિલવાલે' તથા 'ઝીરો' જેવી ફિલ્મે અપેક્ષા પ્રમાણેની કમાણી કરી નહોતી. 2018 પછી શાહરુખ ખાન લીડ રોલમાં જોવા મળ્યો નહોતો. 'પઠાન' ફિલ્મથી શાહરુખે બોલિવૂડમાં કમબેક કર્યું છે.