લોકપ્રિય સંતુરવાદક પદ્મશ્રી પંડિત ભજન સોપોરીનું ગુરુગ્રામની હોસ્પિટલમાં ગુરુવાર, 2 જૂનના રોજ અવસાન થયું હતું. તેમના પરિવારે આ અંગે માહિતી આપી હતી. 74 વર્ષીય સોપોરી છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા. તેમનો જન્મ 1948માં શ્રીનગરમાં થયો હતો. ભજન સોપોરીને ક્લાસિકલ મ્યૂઝિકમાં યોગદાન આપવા માટે 1992માં સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં ભારત સરકારે પદ્મશ્રી અવોર્ડથી નવાજ્યા હતા. નોંધનીય છે કે આ પહેલાં લોકપ્રિય ભારતીય સંગીતકાર તથા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની ઉંમરે 10 મેના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. છેલ્લા છ મહિનાથી તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા અને તેઓ ડાયાલિસીસ પર હતા.
સંગીત વારસામાં મળ્યું
ભજન સોપોરીને સંતુરવાદન વારસામાં મળ્યું હતું. તેમના દાદા એસ સી સોપોરી તથા પિતા પંડિત એસ એન સોપોરી પણ સંતુરવાદક હતા. તેમણે ઘરમાં જ સંતુરનું શિક્ષણ લીધું હતું. ભજન સોપોરી સંતુરની સાથે સાથે સિંગિંગમાં પણ નિપુણ હતાં. સંગીતની સાથે સાથે તેમણે અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી વેસ્ટર્ન ક્લાસિકલ મ્યૂઝિકમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ત્રણ રાગની રચના કરી હતી, જેમાં રાગ લાલેશ્વરી, રાગ પટવંતી તથા રાગ નિર્મલ રંજની સામેલ છે.
પંડિત ભજન સોપોરીના સંબંધ સુફિયાના ઘરાના સાથે હતાં. તેમણે આલબમ 'નટ યોગ ઑન સંતુર' બનાવ્યો હતો. ભજન સોપોરી એકેડમી ફૉર મ્યૂઝિક એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સના કો ફાઉન્ડર છે. આ એકેડેમીનો હેતુ શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવાનો છે.
ચાર હજારથી વધુ ગીતો માટે મ્યૂઝિક કમ્પોઝ કર્યું
પંડિત સોપોરી ભારતના એક માત્ર ક્લાસિક મ્યૂઝીશિયન હતાં, જેમણે સંસ્કૃત, અરબી સહિત દેશની લગભગ દરેક ભાષાના ચાર હજારથી વધુ ગીતો માટે મ્યૂઝિક કમ્પોઝ કર્યું હતું. સોપોરીએ દેશની એકતા માટે અનેક ગીતો કમ્પોઝ કર્યા હતાં, તેમાં 'સરફરોશી કી તમન્ના', 'કદમ કદમ બઢાએ જા..', 'વિજયી વિશ્વ તિરંગા પ્યારા' તથા 'હમ હોંગે કામિયાબ' સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.