પાક. મીડિયાને પેટમાં દુખ્યું:'આર્યન ખાનની ધરપકડ ભારતના સૌથી મોટા મુસ્લિમ હીરોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે'

મુંબઈ3 મહિનો પહેલા
  • પાક. મીડિયાએ આર્યન ખાનના કેસને બહાને ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થતો હોવાની વાત કહી

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં હજી સુધી જામીન મળ્યા નથી. તે 3 ઓક્ટોબરથી જેલમાં બંધ છે. 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી અને 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન 7 ઓક્ટોબર સુધી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની લૉકઅપમાં હતો અને ત્યારબાદથી આર્થર રોડ જેલમાં છે. કોર્ટમાં NCBએ ડ્રગ્સ ચેટ, ઇન્ટરનેશનલ ડ્રગ પેડલર સાથે સંબંધો, ડ્રગ્સ ટ્રાફિકિંગ જેવા ગંભીર આરોપો આર્યન ખાન પર મૂક્યા છે, તો સામે આર્યનના વકીલે કોર્ટમાં દલીલ કરી છે કે તેમના ક્લાયન્ટ પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી અને આર્યન તપાસમાં સહયોગ આપે છે અને તેથી જ તેની પાસેથી જામીનનો અધિકાર છીનવી શકાય નહીં. આ બધાની વચ્ચે પાકિસ્તાની મીડિયામાં પણ આર્યન ખાનનો કેસ ચર્ચામાં છે.

પાકિસ્તાનના જાણીતા ન્યૂઝપેપર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન'માં આર્યન ખાન અંગેનો અહેવાલ છાપવામાં આવ્યો છે. આ સમાચારનું હેડિંગ છે, 'આર્યન ખાનની ધરપકડ ભારતના સૌથી મોટા મુસ્લિમ હીરોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે?' આ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે, શાહરુખ ખાન માત્ર એક સફળ બોલિવૂડ સ્ટાર જ નથી, પરંતુ તે પોતાના ચાર્મ એટીટ્યૂડ તથા હેલ્પિંગ નેચરને કારણે ઇન્ડસ્ટ્રીમાં સૌથી મદદરૂપ થતાં લોકોમાં સામેલ છે. આ જ કારણ છે કે રીતિક રોશન, સુનીલ શેટ્ટી, અલી ફઝલ, સલમાન ખાન, પૂજા ભટ્ટ, ફરાહ અલી ખાન, સંજય ગુપ્તા, સ્વરા ભાસ્કર, ઝોયા અખ્તર, રવીના ટંડન, સોમી અલી ખાન જેવા સેલેબ્સે આ મુશ્કેલ ઘડીમાં શાહરુખને સપોર્ટ કર્યો છે.

આર્યન ખાનની જામીન અરજીનો ચુકાદો 20 ઓક્ટોબરે આવશે
આર્યન ખાનની જામીન અરજીનો ચુકાદો 20 ઓક્ટોબરે આવશે

આ આર્ટિકલમાં જે પણ સેલેબ્સે શાહરુખને સપોર્ટ કર્યો છે, તે તમામની સો.મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વરા ભાસ્કરે સો.મીડિયામાં કહ્યું હતું, 'આર્યન ભલે એક સ્ટારનો દીકરો હોય, પરંતુ એનો અર્થ એમ નથી કે કોઈને પણ તેના જીવનમાં દખલગીરી કરવાનો હક મળી જાય છે. તેને જનતાએ પસંદ કર્યો નથી અને તેની પર પબ્લિક રોલ મોડલ બનવાની કોઈ જવાબદારી છે. જો તેણે ડ્રગ્સ લીધું પણ છે, તો તેનાથી તેનું સ્વાસ્થ્ય, તેના પિતાના પૈસા તથા સમાજમાં માન-સન્માન દાવ પર લાગેલા છે. NCB સિવાય કોઈએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેની ફિલ્મનો બહિષ્કાર કરવા માગો છો તો કરી શકો છો, તેને સો.મીડિયામાં અનફોલો કરી શકો છો, પરંતુ પ્લીઝ આર્યન ડ્રગ્સ કેસને નેશનલ મુદ્દો બનાવીને મહત્ત્વના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ના કરો.'

મુસ્લિમ હીરોનો દીકરો હોવાને કારણે ટાર્ગેટ પર
આ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે એક લોકપ્રિય મુસ્લિમ એક્ટરનો દીકરો હોવાને કારણે પણ આર્યનના કેસને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. શત્રુધ્ન કહ્યું હતું કે તેમાં કોઈ બેમત નથી કે શાહરુખનો દીકરો હોવાને કારણે આર્યનને ટાર્ગેટ કરવામાં આવે છે. આ કેસમાં અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાને પણ પકડવામાં આવ્યા છે, પરંતુ ચારેબાજુ બસ આર્યનનું જ નામ છે. શાહરુખના દીકરાના બહાને તેઓ પોતાનો જૂનો હિસાબ પૂરો કરી રહ્યા છે.

આમિરે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબની પત્ની અમીન એર્દોગન સાથે મુલાકાત કરતા વિવાદ થયો હતો
આમિરે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબની પત્ની અમીન એર્દોગન સાથે મુલાકાત કરતા વિવાદ થયો હતો

આર્યનનો કેસ ઉદાહરણ છે કે મુસ્લિમો સાથે ભેદભાવની ઘટના વધી
આર્ટિકલ પ્રમાણે, અનેક લોકો કહી રહ્યા છે કે આર્યનનો કેસ ફરી એકવાર સાબિત કરે છે કે ભારતમાં મુસ્લિમોની સાથે ભેદભાવની ઘટનામાં વધારો થયો છે. અનેક પાર્ટીઓના ઘણાં નેતાઓએ જેમ કે ઉદિત રાજ, મહબૂબા મુફ્તી, નવાબ મલિકના નિવેદનો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આર્યન એક મુસ્લિમ સુપરસ્ટારનો દીકરો છે અને તેથી જ તેની આ હરકતને વધુ પડતી ચગાવવામાં આવી છે. બીજુ બાજુ લખીમપુર ખીરી કેસમાં ભાજપના નેતાના દીકરાએ કથિત રીતે ખેડૂતો પર જીપ ચઢાવી દીધી હોવાની બાબતને સરકારે ખાસ મહત્ત્વ આપ્યું નથી.

આ પહેલાં પણ લોકપ્રિય ખાન એક્ટર્સે મુશ્કેલી સહન કરી હતી
આર્ટિકલમાં છેલ્લે કહેવામાં આવ્યું છે, 'બોલિવૂડમાં ખાન ભલે ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર્સ હોય, પરંતુ તેમણે આ લોકપ્રિયતાની સાથે અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ગયા વર્ષે સૈફ અલી ખાનની વેબસિરીઝ 'તાંડવ'એ વિવાદનો ભોગ બનવું પડ્યું હતું. સૈફની આ વેબસિરીઝ સામે આરોપ હતો કે તેનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સો.મીડિયા પર 'કેન્સલ કલ્ચર'નો એ હદે પ્રભાવ વધી ગયો છે કે 'તાંડવ'ને પણ બૉયકૉટ કરવાની ડિમાન્ડ થઈ હતી. આ ઉપરાંત ગયા વર્ષે આમિર ખાન પોતાની ફિલ્મના શૂટિંગ અર્થે તુર્કી ગયો ત્યારે તે તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો હતો. ત્યારે પણ ભારતમાં સો.મીડિયામાં રાઇટ વિંગ ગ્રુપ્સે આમિરની ટીકા કરી હતી. આર્યન કેસ એ વાતનું ઉદાહરણ છે કે ભારતમાં જો મુસ્લિમ હસ્તીઓ સત્તામાં રહેલી ભાજપ પાર્ટીને સહયોગ કરતી નથી તો તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.'