આપવીતી:લોહીની ઊલટીઓ થયા બાદ 28 દિવસ સુધી પહલાજ નિહલાણી હોસ્પિટલમાં રહ્યાં, કહ્યું- શત્રુધ્ન સિંહા જ માત્ર હોસ્પિટલમાં આવ્યા હતા

મુંબઈએક વર્ષ પહેલા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડના પૂર્વ પ્રમુખ પહલાજ નિહલાણી 28 દિવસ સુધી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં. રિપોર્ટ પ્રમાણે, તેમને પાંચ જૂનના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક ઈન્ટરવ્યૂમાં નિહલાણીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન માત્ર શત્રુધ્ન સિંહા જ તેમને મળવા ત્યાં આવ્યા હતા.

રાતના ત્રણ વાગે લોહીની ઊલટીઓ થઈ
વેબ પોર્ટલ સ્પોટબોય સાથેની વાતચીતમાં પહલાજે કહ્યું હતું, 'એક રાત્રે અચાનક ત્રણ વાગે મને બેચેની થવા લાગી અને લોહીની ઊલટીઓ થઈ હતી. મને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી હતી. આ ક્રોનિક ફૂડ પોઈઝનિંગ હતું. જોકે, ઈમરજન્સી હતી. શરૂઆતમાં મને 5-6 દિવસ સુધી ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો.'

પહેલાં હતું 2-3 દિવસમાં ઘરે જતો રહીશ
નિહલાણીએ કહ્યું હતું, 'જ્યારે હું ICUમાંથી બહાર આવ્યો ત્યારે વિચાર્યું કે 2-3 દિવસમાં ઘરે જતો રહીશ. જોકે, લાંબા સમય સુધી મને તાવ આવ્યો હતો. સાંજના સમયે પેટમાં બહુ જ દુખાવો થતો હતો. રિપોર્ટ થતાં ગયા અને આ ચિંતાનો વિષય બની ગયો.'

2015-17 સુધી CBFCના ચીફ
પહલાજ નિહલાણી 2015-2017 સુધી CBFCના ચીફ રહ્યાં હતાં. તેમની પર અનેક મેકર્સે આક્ષેપ મૂક્યો હતો કે તેઓ ફિલ્મમાંથી હિંસક તથા ઈન્ટિમેટ સીન્સ કારણ વગર હટાવી દેતા અથવા તો શોર્ટ કરી દેતા. 'જેમ્સ બોન્ડ' સિરીઝની ફિલ્મ 'સ્પેક્ટર'નો કિસિંગ સીન નાનો કર્યો હતો અને સો.મીડિયામાં વિવાદ થયો હતો.

'ઉડતા પંજાબ'માં 69 કટ કરાવ્યા હતા અને ઘણો જ વિવાદ થયો હતો. બોમ્બે હાઈકોર્ટે CBFCના નિર્ણયને ખોટો ઠેરવીને માત્ર એક કટ સાથે ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી આપી હતીત. 2017માં સરકારે પહલાજ નિહલાણીને હટાવીને પ્રસૂન જોષીને ચીફ બનાવ્યા હતા.

'અંદાજ' જેવી ફિલ્મ બનાવી છે
પહલાજ નિહલાણી ફિલ્મ પ્રોડ્યૂસર છે. તેમણે 'હથકડી', 'શોલા ઔર શબનમ', 'આંખે', 'અંદાજ', 'તલાશ', 'જૂલી 2', 'રંગીલા રાજા' જેવી ફિલ્મ બનાવી છે.