સંતુર લિજન્ડ પંડિત શિવકુમાર શર્માનું અવસાન:84 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા, પં. હરિપ્રસાદ ચૌરસિયા સાથે 'સિલસિલા’, 'ચાંદની’, 'લમ્હે’, 'ડર’માં સંગીત આપેલું

મુંબઈ6 દિવસ પહેલા
  • 'શિવ-હરિ’ની જોડી ખંડિત થઈ
  • પંડિત શિવકુમાર શર્મા છેલ્લા છ મહિનાથી કિડનીની બીમારીથી પીડાતા હતા

લોકપ્રિય ભારતીય સંગીતકાર તથા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લા છ મહિનાથી તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા અને તેઓ ડાયાલિસીસ પર હતા. આજે એટલે કે 10 મેના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. 2001માં તેમને ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે જોડી જમાવીને તેમણે ‘શિવ-હરિ’ નામે યશ ચોપરાની ‘સિલસિલા’, ‘ચાંદની’, ‘લમ્હે’ અને ‘ડર’ જેવી ફિલ્મોમાં સુુપરહિટ સંગીત આપ્યું હતું. વક્રતા એ વાતની છે કે આઠ વર્ષ બાદ ‘શિવ-હરિ’ની જોડી 15 મેના રોજ ભોપાલમાં પર્ફોર્મ કરવાની હતી. હવે ચાહકોની આ જોડીને એકસાથે પર્ફોર્મ કરવાની મહેચ્છા ક્યારેય પૂરી નહીં થાય.

જમ્મુમાં જન્મ થયો હતો
શિવકુમાર શર્માનો જન્મ 1938માં 13 જાન્યુઆરીના રોજ જમ્મુમાં થયો હતો. તેમનાં માતા ઉમા દત્ત શર્મા સિંગર હતાં. તેમની માતૃભાષા ડોગરી હતી. પાંચ વર્ષની ઉંમરથી શિવકુમારે તબલાં શીખવાની શરૂઆત કરી હતી. 13 વર્ષની ઉંમરે શિવકુમારે સંતુર શીખવાનું શરૂ કર્યું હતું. 1955માં મુંબઈમાં પંડિત શિવકુમારે પહેલું પબ્લિક પર્ફોર્મન્સ આપ્યું હતું. સંતુર જમ્મુ-કાશ્મીરનું લોકવાદ્ય યંત્ર છે. પંડિત શિવકુમારે આ વાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું હતું.

દીકરા રાહુલ (જમણે) સાથે પંડિત શિવકુમાર શર્મા.
દીકરા રાહુલ (જમણે) સાથે પંડિત શિવકુમાર શર્મા.

પંડિત શિવકુમારે મનોરમા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા છે. એક દીકરો રાહુલ 13 વર્ષની ઉંમરથી સંતુર વગાડે છે. પંડિત શિવકુમાર દીકરા સાથે 1996થી સાથે પર્ફોર્મન્સ આપતા હતા.

શિવ-હરિની જોડી લોકપ્રિય હતી
પંડિત શિવકુમાર શર્મા તથા વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા 'શિવ-હરિ'ની જોડીથી લોકપ્રિય હતા. 1967માં બંનેએ પહેલી જ વાર 'શિવ-હરિ'ના નામથી ક્લાસિકલ આલ્બમ તૈયાર કર્યું હતું. આ આલ્બમનું નામ 'કૉલ ઑફ ધ વેલી' હતું. ત્યાર બાદ બંનેએ અનેક મ્યુઝિક આલ્બમમાં સાથે કામ કર્યું હતું. સ્વર્ગીય ડિરેક્ટર-પ્રોડ્યુસર યશ ચોપરાએ શિવ-હરિની જોડીને પહેલીવાર ફિલ્મમાં બ્રેક આપ્યો હતો.1981માં આવેલી 'સિલસિલા' ફિલ્મમાં આ જોડીએ સંગીત આપ્યું હતું. યશ ચોપરાની ચાર ફિલ્મ સહિત આઠ ફિલ્મમાં સંગીત આપ્યું હતું.

  • સિલસિલા (1981)
  • ફાસલે (1985)
  • વિજય (1988)
  • ચાંદની (1989)
  • લમ્હે (1991)
  • પરંપરા (1993)
  • સાહિબાન (1993)
  • ડર (1993)

​​​​​​આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
પંડિત શિવકુમારને નેશનલ તથા ઇન્ટરનેશનલ અનેક અવૉર્ડ મળ્યા હતા. 1986માં તેમને સંગીત નાટક અકાદમીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1991માં પદ્મશ્રી તથા 2001માં ‘પદ્મ વિભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કાર સ્વીકારતા પં. શિવકુમાર શર્મા
તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કાર સ્વીકારતા પં. શિવકુમાર શર્મા

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણું કલ્ચરલ વર્લ્ડ વધુ ગરીબ બન્યું છે. તેમણે વૈશ્વિક સ્તરે સંતુરને લોકપ્રિય બનાવ્યું હતું. તેમનું સંગીત આગામી પેઢીને મંત્રમુગ્ધ કરતું રહેશે. તેમની સાથે થયેલી વાતચીત મને હંમેશાં યાદ રહેશે. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.'

સેલેબ્સે સો.મીડિયામાં શોક વ્યક્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...