'છેલ્લો શૉ' હવે ઓનલાઇન રિલીઝ થશે:ઓસ્કર અવૉર્ડ માટે નોમિનેટ થયેલી પાન નલિનની ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા મળશે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ શૉ' (છેલ્લો શૉ) ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે 95મા ઓસ્કર અવૉર્ડમાં પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મે અત્યાર સુધી વિવિધ ઇન્ટરનેશનલ અવૉર્ડ જીત્યા છે. આ ફિલ્મે હાલમાં જ લોસ એન્જલસમાં યોજાયેલા એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ જીત્યો હતો.

ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ 25 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરના થિયેટરમાં રિલીઝ થઈ હતી. હવે તે ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે.

ડિરેકટર પાન નલીનના જીવન પર બનાવવામાં આવી છે ફિલ્મ
વર્ષ 2021માં બનેલી ‘છેલ્લો શૉ’ ફિલ્મ દોઢ કલાકની છે અને માત્ર ગુજરાતી ભાષામાં જ બની છે. ડિરેક્ટર નલિન પાનના જીવન સાથે વણાયેલી કહાની દર્શાવવાનો બખૂબી પ્રયાસ કરવામાં આવ્યો છે. નવ વર્ષના ટેણીયા ‘સમય’ ભાવિન રબારીની 35 MM સિંગલ સ્ક્રીન સિનેમા પ્રત્યેની હમદર્દી અને સિનેમા પ્રોજેક્ટર લીડનો રોલ કરતા ફઝલ નામના મિત્ર અને અન્ય બાળ મિત્રો વચ્ચેની કહાની છે. મનોરંજક અને લાગણી સાથેની પટકથા આ ફિલ્મના મુખ્ય અંગ છે.

નવ વર્ષના બાળક સમય (ભાવિન રબારી)ની વાર્તા કહેતી આ ફિલ્મ ‘છેલ્લો શૉ’ સિનેમાને પ્રેમપત્ર છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામ ચલાલાના એક નાનકડા સિનેમા હૉલના પ્રોજેક્શનિસ્ટ ફઝલ (ભાવેશ શ્રીમાળીની સાથે દોસ્તી કેળવીને ફિલ્મો જોનારા બાળકના સિનેમા પ્રત્યેના લગાવની આ દાસ્તાન છે. આ ફિલ્મની વાર્તા 1988માં આવેલી ખ્યાતનામ ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરેડિસો’ની યાદ અપાવે છે. આ ફિલ્મ પણ તે વર્ષનો બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર જીતી હતી.

અમરેલી સહિતના જુદા જુદા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ ફિલ્મનું ફિલ્માંકન થયું છે 35 mm ના સિંગલ સ્ક્રીન પર મિત્ર ‘ફઝલ’ પોતાના બાળ મિત્ર સમયને સમયાંતરે ફિલ્મ નિહાળવાનો અવસર આપે છે. દરમિયાન સમયને આ સિનેમા પ્રત્યે એટલો લગાવ થઈ જાય છે કે સિનેમા તેના જીવન સાથે વણાઈ જાય છે પરંતુ સમય જતાની સાથે મલ્ટિપ્લેક્સ સિનેમાનો જન્મ થાય છે અને સિંગલ સ્ક્રીન સિનેમા બંધ થવાની કગાર પર આવી જાય છે. સમય અને ફઝલ સિંગલ સ્ક્રીન સિનેમાને મલ્ટિપ્લેક્સ બનાવવાના ભરપૂર પ્રયાસ કરે છે. સિંગલ સ્ક્રીન સિનેમાના પતન વચ્ચે સમય પોતાની જિંદગી કેવી રીતે વેરવિખેર થતા જુએ છે? તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જામનગરના બાળકે લીડ રોલ પ્લે કર્યો
'મલ્ટિપ્લેક્સ સિનેમાના આગમનના પગલે સિંગલ સ્ક્રીન સિનેમાનુ પતન' - એ આ ફિલ્મનો મુખ્ય થીમ છે અને આ બંને સિનેમા વચ્ચે ‘સમય’ના જીવન પર ખાસી અસર પાડતું દર્શાવવામાં આવ્યું છે. મુખ્ય પાત્ર સમયના રોલમાં જામનગર નજીકના વસઈ ગામનો બાળ કલાકાર છે. આ બાળકનું નામ છે ભાવિન આલાભાઈ રબારી, રાવલસર વાડી શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરતો આ બાળ કલાકાર ગઈકાલ સુધી ક્યાંય પિક્ચરમાં નહોતો, પરંતુ હવે તે વિશ્વ સ્તરે ચમકી ચુક્યો છે. આ ફિલ્મમાં ભાવિન રબારીની સાથે જામનગરના અન્ય બાળકોએ પણ કામ કર્યું છે.

નલિન કુમાર પંડ્યા ઉર્ફે પાન નલિન
મૂળે અમરેલીના લાઠીના અડતાલા ગામના નલિન પંડ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મમેકર છે. તેમણે બનાવેલી ‘સમ્સરા’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ’ જેવી ફિલ્મોએ વિશ્વ સિનેમાના તખ્તા પર મજબૂત જગ્યા બનાવી છે. અત્યાર સુધીમાં તેમણે બનાવેલી ફીચર લેન્થ, શોર્ટ અને ડૉક્યુમેન્ટરી ફિલ્મોનો ટોટલ 21 જેટલો થાય છે. આ વર્ષે જૂન મહિનામાં ‘એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ (ઓસ્કર)માં વિશ્વ સિનેમામાં ધરખમ પ્રદાન કરનારા 397 કસબીઓમાં પાન નલિનને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ રીતે આમંત્રિત થનારા પાન નલિન પહેલા ગુજરાતી ફિલ્મમેકર છે.

અન્ય સમાચારો પણ છે...