સુશાંત સિંહ રાજપૂતના ચાહકો રોષે ભરાયા:ટી શર્ટ પર એક્ટરની તસવીર સાથેના લખાણને કારણે હોબાળો, ફ્લિપકાર્ટને બોયકોટ કરવાની માગણી

મુંબઈ17 દિવસ પહેલા

2020માં બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહનું અવસાન થયુ હતું. તે સમયે એમ કહેવાતું હતું કે સુશાંત ડિપ્રેશનમાં હતો. હાલમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે સુશાંતની તસવીરનો ઉપયોગ ટી શર્ટ પર કર્યો હતો. હવે સુશાંતના ચાહકોએ આ ટી શર્ટનો વિરોધ કર્યો છે અને ફ્લિપકાર્ટને બોયકોટ કરવાની માગણી કરી છે.

કેમ ફ્લિપકાર્ટને ટ્રોલ કરવાની માગણી થઈ?
ઓન લાઇન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં એક ટી શર્ટ વેચાણ માટે મૂકવામાં આવી છે. આ ટી શર્ટ પર સુશાંત સિંહ રાજપૂતની તસવીર છે. તસવીર સાથે લખવામાં આવ્યું છે કે ડિપ્રેશન ડૂબવા જેવું છે. આ ટી શર્ટ ડિસ્કાઉન્ટ બાદ 179 રૂપિયામાં વેચાઈ રહી છે. આ ટી શર્ટની મૂળ કિંમત 1099 રૂપિયા છે. આ જોઈને ચાહકોએ ફ્લિપકાર્ટને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

ચાહકો ભડક્યા
સુશાંતનો ફોટો જોઈને ચાહકો રોષે ભરાયા હતા. સો.મીડિયામાં ફ્લિપકાર્ટને બોયકોટ કરવાની માગણી કરી હતી. સુશાંતનું નામ ડિપ્રેશન સાથે જોડાતા ચાહકોને ગુસ્સો આવ્યો છે. ચાહકોનું કહેવું છે કે સુશાંતને ડિપ્રેશને નહીં, પરંતુ બોલિવૂડ માફિયાએ માર્યો છે. એક યુઝરે મિસલીડિંગ લાઇન સાથે ટી શર્ટ વેચવા પર ફ્લિપકાર્ટને નોટિસ આપવાની વાત કરી છે.

2020માં સુશાંતનું મોત થયું

14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના મુંબઈ સ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. સુશાંતના મોતની તપાસ શરૂઆતમાં મુંબઈ પોલીસ કરતી હતી. ત્યારબાદ વિવિધ સેન્ટ્રલ એજન્સીઓ એન્ટર થઈ હતી. CBI આ કેસની તપાસ કરી રહી છે. હજી સુધી સુશાંતના મોતનું કારણ સામે આવ્યું નથી.