બોલિવૂડ ગીતકાર તથા રાઇટર મનોજ મુંતશિરના ગીતો રિલીઝ થતાં જ હિટ થતાં હોય છે. જોકે, આજકાલ તેઓ કંઈક બોલે એટલે તરત જ વિવાદ થાય છે. ગયા વર્ષે તેમણે શહીદ ચંદ્રશેખર માટે બે લાઇન લખી હતી, 'મલતે રહ ગયે હાથ શિકારી...ઉડ ગયા પંછી તોડ પિટારી અંતિમ ગોલી ખુદ કો મારી...જિયો તિવારી...જનેઉધારી...' ત્યારબાદ મનોજની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કર સાથે તેમણે આ અંગે વાત કરી હતી.
'જિયો તિવારી જનેઉધારી' પર વિવાદ કેમ થયો, શું અટક લગાવવી ગુનો છે?
ના. હું ફરી તેમને તિવારી કહીશ. જ્યારે તમે યાદ અપાવી જ દીધું છે તો હજી સુધી આ કવિતા પૂરી થઈ નથી, પરંતુ તમે સવાલ પૂછ્યો છે તો કહી દઉં કે 27 ફેબ્રુઆરીએ ચંદ્રશેખર આઝાદનો જન્મોત્સવ છે. તે દિવસે હું કવિતા આખી લખીને રિલીઝ કરીશ.
મનોજ શુક્લામાંથી મુંતશિર બનવામાં ઇમોશનલ પાર્ટ કયો હતો?
ઇમોશનલ પાર્ટ એટલો જ હતો કે બ્રાહ્મણને હંમેશાં દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ એટલા માટે કે તેમના બે જન્મ હોય છે, એક તે માતાની કોખમાંથી લે છે અને બીજો જ્ઞાનના ગર્ભમાંથી થાય છે. હું મુંતશિર બન્યો તે મારા સપનાની કોખમાંથી જન્મ લેવા સમાન હતું. હું મનોજ શુક્લા છું અને મને ગર્વ છે. મનોજ મુંતશિર એટલા માટે કે મારે મારી કળાને મોટા સ્ટેજ પર લઈ જવી હતી.
જ્યારે પહેલી જ વાર ઉર્દુ પુસ્તક ખરીદીને લાવ્યા તો ઘરમં શું રિએક્શન હતું?
ઉર્દૂ કોઈ એકની બોલી નથી, તે આખા હિંદુસ્તાનની બોલી છે. તો જ્યારે તમે ઉર્દૂ શીખો છો તો મને નથી લાગતું કે તમે કંઈક એવું કરો છે, જે તમારે ના કરવું જોઈએ. આ ભારતમાં જ જન્મેલી ભાષા છે. હું ઉર્દૂ શીખ્યો તો મારા માતા-પિતાને ખુશી થઈ હતી.
'તેરી મિટ્ટી' ગીતને અવોર્ડ ના મળ્યો, તેનો અફસોસ છે?
મારા માટે ઓડિયન્સનો પ્રેમ જ અવોર્ડ છે અને વિશ્વાસ કરો કે આનાથી મોટો કોઈ અવોર્ડ નથી. હવે તે અંગે વિચારતો પણ નથી. બસ ઓડિયન્સનો પ્રેમ આ રીતે મળતો રહે તે જ મારા માટે સન્માન છે.
પહેલું ગીત કયું લખ્યું હતું?
પહેલું ગીત તો મને પણ યાદ નથી, પરંતુ પહેલું ગીત હિટ થયું તે 'તેરી ગલિયા..' હતું.
દેશમાં લોકોની દેશભક્તિ બહુ મોડેથી જાગે છે?
પોતાના દેશને પ્રેમ કરો, કારણ કે પ્રેમ કરવા માટે બીજું ઘણું મળી જશે, પરંતુ આનાથી સારું અને સાચું બીજે ક્યાંય મળશે નહીં. આ એ દેશ છે, જેના વિશે મેં કહ્યું હતું, 'વો દેશ મેરે તેરી શાન પે સધ કે કોઈ ધન હૈ ક્યા તેરી ધૂલ સે બઢકે...'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.