NCB સામે સ્ટારગીરી ભારે પડી:NCB ઓફિસમાં સતત બે દિવસ મોડી પહોંચી એટલે સમીર વાનખેડેએ અનન્યા પાંડેની ઝાટકણી કાઢી, કહ્યું,-આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

3 મહિનો પહેલા
  • સમીર વાનખેડેએ કહ્યું, તમને 11 વાગે બોલાવવામાં આવ્યાં હતાં અને તમે હવે આવી રહ્યાં છો
  • અનન્યા પાંડેએ NCBનું સમન્સ મળ્યા બાદ જાહેરાતનું શૂટિંગ હોલ્ડ પર રાખી દીધું છે

બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન અત્યારે આ કેસમાં જેલમાં છે અને ડ્રગ્સકેસમાં એક્ટ્રેસ અનન્યા પાંડે પણ NCBની રડાર પર આવી ગઈ છે. શુક્રવારે અનન્યા પાંડેની આ કેસમાં બીજી વખત પૂછપરછ કરાઈ હતી, પરંતુ તે NCBની ઓફિસમાં નક્કી સમયની જગ્યાએ ત્રણ કલાક મોડી પહોંચી હતી. આ રીતે મોડાં પહોંચવા પર NCBએ અનન્યાની ઝાટકણી કાઢી હતી.

NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ અનન્યાને મોડાં આવવાથી ખખડાવી નાખી હતી. તેમણે કહ્યું, તમને 11 વાગે બોલાવવામાં આવ્યાં હતાં અને તમે હવે આવી રહ્યાં છો. અધિકારીઓ તમારી રાહ જોવા માટે નથી બેઠા. આ કંઈ તમારું પ્રોડક્શન હાઉસ નથી, આ સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે, જેટલા વાગે બોલાવવામાં આવે એટલા વાગે હાજર થઈ જવું.

મુંબઈ NCBએ એક્ટ્રેસ અનન્યા પાંડેને બીજી વખત પૂછપરછ માટે 11 વાગે હાજર થવા માટે કહ્યું હતું, પરંતુ તે 11 વાગ્યાની જગ્યાએ 2 વાગ્યા બાદ NCBની ઓફિસ પહોંચી હતી.

4 કલાક પૂછપરછ ચાલી હતી
NCBએ અનન્યા પાંડેની શુક્રવારે 4 કલાક પૂછપરછ કરી. ગુરુવારે પણ આ કેસમાં NCBએ 2 કલાક અનન્યાની પૂછપરછ કરી હતી. હવે અનન્યા પાંડેને સોમવારે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. બંને દિવસ અનન્યાની સાથે તેના પિતા ચંકી પાંડે પહોંચ્યા હતા. રિપોર્ટ્સના અનુસાર, જે રીતે અનન્યાની ડ્રગ્સકેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે એને લીધે આર્યનની મુશ્કેલી વધી શકે છે.

અનન્યા-આર્યનની ચેટ્સને લઈને NCBને શંકા
અનન્યા પાંડે સાથે સંબંધિત ત્રણ ચેટ્સ મુખ્ય પુરાવો બની શકે છે. 2018થી 2019ની વચ્ચે આ ચેટ્સ ગાંજાને લઈને થઈ છે. અનન્યાના બંને ફોન NCBએ જપ્ત કરી લીધા છે. અનન્યાને જ્યારે સવાલો પૂછવામાં આવ્યા તો તેણે એવું કહીને ટાળવાનો પ્રયાસ કર્યો કે તેને કંઈ યાદ નથી. માનવામાં આવે છે કે આર્યન ખાનની વ્હોટ્સએપ ચેટમાં અનન્યા પાંડેનું નામ હતું. આ પહેલાં એવી ચર્ચા હતી કે એક જાણીતા બોલિવૂડ પરિવારની દીકરી સાથે આર્યને ચેટ કરી હતી.

ગાંજાને લઈને વાતચીત થઈ હતી
એક ચેટમાં આર્યન ખાન અને અનન્યા પાંડેની વચ્ચે ગાંજાને લઈને વાત થઈ છે. આર્યન પૂછી રહ્યો હતો કે કંઈ જુગાડ થઈ શકે છે. અનન્યાએ જવાબ આપ્યો હતો કે- હું અરેન્જ કરી આપીશ. NCBએ અનન્યાની આ ચેટ જોઈ અને સવાલ પૂછ્યો, જેને લઈને અનન્યાએ જવાબ આપ્યો કે હું માત્ર મજાક કરી રહી હતી.