રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11'નો વિનર અર્જુન બિજલાણીને કોરોના થયો છે. અર્જુનને કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. અર્જુને હાલમાં જ કહ્યું હતું કે તેને ગળામાં સોજો અને દુખાવો હતો. ઓમિક્રોન ઘાતક નથી, તેને લાગે છે કે તે 2-3 દિવસમાં સાજો થઈ જશે. અર્જુને એમ પણ કહ્યું હતું કે તેની 70 વર્ષની માતા પણ કોરોના પોઝિટિવ છે.
દીકરા અયાનને ગળે લગાવવો છે
અર્જુને 'ઇટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'પરિવારથી દૂર રહેવામાં કોઈ સમસ્યા નથી, સમસ્યા એ છે કે હું ઘરમાં જ એક રૂમમાં અલગ છું. હું તેમને ગળે લગાવી શકતો નથી. તેમને મળી શકતો નથી. કંઈ પણ કરી શકતો નથી. હું મારા દીકરા અયાનની નિકટ પણ જઈ શકતો નથી. હું તેને રૂમમાંથી દૂરથી જોતો હોઉં છું. આ વેકેશનનો સમય છે અને અમે બહુ જ બધું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ બધા પર પાણી ફરી વળ્યું.'
ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી
અર્જુને વધુમાં કહ્યું હતું, 'હું લોકોને કહેવા માગું છું કે આ નવો વાઇરસ ઘાતક નથી, કારણ કે હું આને ફીલ કરી રહ્યો છું. હું 2-3 દિવસોમાં ઠીક થઈ જઈશ. મને નથી લાગતું કે બીજી વેવની જેમ આ વખતે હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં દર્દીઓએ જવું પડશે. મને લાગે છે કે આનાથી ડરવાની જરૂર નથી. કેસોમાં વધારો થયો છે, કારણ કે આ ઘણો જ ચેપી છે. આ પહેલાંના વેરિયન્ટ કરતાં 3-4 ગણી ઝડપથી ફેલાય છે. આ જ કારણ છે કે એક સાથે આટલા બધા લોકો પોઝિટિવ આવી રહ્યાં છે.'
માતાને પણ કોરોના
અર્જુનની માતાને પણ કોરોના થયો છે. તેણે કહ્યું હતું, 'મારી મમ્મીને ડાયબિટિઝ છે અને તે પણ કોરોના પોઝિટિવ છે. તેમની ઉંમર 70 વર્ષની છે. એક દિવસ તેમને તાવ આવ્યો અને અમે બધા તેમના માટે ચિંતાગ્રસ્ત હતા. જોકે, હવે તેમને સારું છે. ઓક્સિજન લેવલ પણ યોગ્ય છે. શુગર લેવલ રોજ ચેક કરીએ છીએ અને તે પણ સામાન્ય છે. હું એટલું જ કહીશ કે મારી માતા વૃદ્ધ અને ડાયબિટિક હોવા છતાં એકદમ ઠીક થઈ ગઈ. તમામને વિનંતી છે કે ડરો નહીં, પરંતુ તમામ સાવચેતી રાખો.'
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ, પહેલું મોત પણ અહીંયા
મહારાષ્ટ્રમાં કોરોના તથા ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હાલમાં 4333 એક્ટિવ કેસ છે અને ઓમિક્રોનના કેસ 450 જેટલા નોંધાયા છે.
આ સેલેબ્સને પણ કોરોના થયો
નોરા ફતેહી, શિલ્પા શિરોડકર, બમન ઈરાનીનો દીકરો પણ કોરોના પોઝિટિવ છે. અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બૂલાની પણ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. આ પહેલાં કરીના કપૂર, અમૃતા અરોરા, સીમા ખાન, મહિપ કપૂર, શનાયા કપૂર, ઉર્મિલા માતોંડકર, તનિષા મુખર્જી, કમલ હાસનને કોરોના થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.