બોલિવૂડ vs સાઉથ વિવાદ:હવે સુનીલ શેટ્ટીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું, બોલ્યો- 'બાપ હંમેશાં બાપ જ રહે છે'

મુંબઈ8 દિવસ પહેલા
  • છેલ્લાં કેટલાંક સમયથી બોલિવૂડ તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વિવાદ ચાલી રહ્યો છે
  • સાઉથ ફિલ્મ 'પુષ્પા', 'RRR' તથા 'KGF 2' સુપરડુપર હિટ રહી છે

અજય દેવગન તથા કિચ્ચા સુદીપ વચ્ચે બોલિવૂડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રી અંગે વિખવાદ થયો હતો. ત્યારથી જ બોલિવૂડ અને સાઉથ વિવાદ અંગે કોઈને કોઈ સ્ટાર્સ પોતાના નિવેદનો આપી રહ્યા છે. હવે સુનીલ શેટ્ટીએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે.

સો.મીડિયામાં સીન ક્રિએટ કરવામાં આવ્યો છે
રણવીર સિંહ, મધુ, સોનુ સૂદ, મનોજ વાજપેયી બાદ હવે સુનીલ શેટ્ટીએ આ અંગે કમેન્ટ કરી હતી. સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, 'મને લાગે છે કે સો.મીડિયામાં આ સીન ક્રિએટ કરવામાં આવ્યો છે. આપણે ભારતીયો છીએ. ડિજિટિલ પ્લેટફોર્મ પર ભાષા ક્યારેય મહત્ત્વની રહી નથી. કન્ટેન્ટ જ મહત્ત્વનું છે. આવો જ સીન છે. બોલિવૂડ તથા સાઉથ ફિલ્મમાં અહીંયા જ ફરક છે. હું પણ સાઉથમાંથી આવું છું. મારી કર્મભૂમિ મુંબઈ છે અને હું હંમેશાં મુંબઈકર જ રહીશ. વાસ્તવિકતા એ છે કે દર્શકો જ નક્કી કરે છે કે તેમને કઈ ફિલ્મ જોવી છે, કઈ ફિલ્મ જોવી નથી.'

'બોલિવૂડ હંમેશાં બોલિવૂડ જ રહેશે'
વધુમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું, 'મારો પ્રોબ્લેમ એ છે કે આપણે ક્યાંકને ક્યાંક દર્શકોને ભૂલી ગયા છીએ. આપણે તેમને વ્યવસ્થિત રીતે ભેગા કરી શકતા નથી. હવે હીરોઇઝમ રહ્યું નથી. હીરો રહ્યા નથી. લોકો મને હંમેશાં કહે છે કે સિનેમા કે ડિજિટલ પ્લેટફોર્મ. બાપ, બાપ જ રહેશે. બાકીના ફેમિલી મેમ્બર્સ, ફેમિલી મેમ્બર્સ જ રહેશે.'

સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું હતું, 'હીરોનો શોટ હોય કે હાઇ સ્પીડ વૉક હોય ત્યારે થિયેટરમાં 70% ભારતીય દર્શકો સિટી મારે છે. કન્ટેન્ટ પર કામ થવું જોઈએ અને બોલિવૂડ હંમેશાં બોલિવૂડ જ રહેશે. જ્યારે વાત ભારતની આવશે ત્યારે બોલિવૂડના હીરો તો આવશે. હાલની પરિસ્થિતિને કારણે આ સવાલ ચર્ચાઈ રહ્યો છે. આ એક એવી સફર છે, જ્યાં બીજીવાર વિચારવાની જરૂર છે અને સારું કન્ટેન્ટ આપવાનું છે.'

મહેશ બાબુએ વિવાદિત નિવેદન આપ્યું હતું
મહેશ બાબુ ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લૉન્ચિંગમાં આવ્યો હતો. અહીં મીડિયાએ એક્ટરને બોલિવૂડ ડેબ્યુ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં મહેશ બાબુએ કહ્યું હતું, 'એવું નથી કે મને બોલિવૂડમાંથી ઑફર્સ મળતી નથી, પરંતુ મને લાગે છે કે તે લોકો મને અફોર્ડ કરી શકશે નહીં. જે ઇન્ડસ્ટ્રી મને અફોર્ડ ના કરી શકે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને હું મારો સમય બરબાદ કરવા માગતો નથી.'

વિવાદ વધતા સ્પષ્ટતા કરી
ચોખવટ કરતાં મહેશ બાબુએ કહ્યું હતું, 'હું સિનેમાને પ્રેમ કરું છું અને તમામ ભાષાઓને માન આપું છું. હું જ્યાં ફિલ્મ કરું છું, ત્યાં કમ્ફર્ટેબલ છું. મને એ જોઈને ઘણો જ આનંદ થાય છે કે મારું સપનું પૂરું થઈ રહ્યું છે. તેલુગુ ફિલ્મને હવે ભારતમાં પસંદ કરવામાં આવી રહી છે.' મહેશ બાબુએ એમ પણ કહ્યું હતું કે તેની આગામી ફિલ્મ એસ એસ રાજમૌલિ સાથે છે અને તે પેન ઇન્ડિયા મૂવી છે.