ક્રૂઝ ડ્રગ્સ કેસ:હવે સેમ ડિસોઝાનો દાવો, 'આર્યન ખાનને મદદ કરવાના બહાને NCBના સાક્ષી કેપી ગોસાવીએ 50 લાખ લીધા હતા'

મુંબઈ3 મહિનો પહેલા
  • સેમનો દાવો- આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નહોતું
  • શાહરુખની મેનેજર પૂજા દદલાણી સાથે મીટિંગ થઈ હતી

આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. આ કેસના એક સાક્ષી સેમ ડિસોઝાએ હવે મોટો દાવો કર્યો છે. સેમે કહ્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નહોતું. તેને મદદ કરવા માટે કિરણ ગોસાવીએ શાહરુખની મેનેજર પૂજા દદલાણી પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા, જોકે પછી તેણે આ પૈસા પરત આપી દીધા હતા.

શું કહ્યું સેમ ડિસોઝાએ?
ટીવી ચેનલ 'ABP માંઝા'ના રિપોર્ટ પ્રમાણે, ડિસોઝાએ દાવો કર્યો છે કે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો આ ડીલમાં કોઈ રોલ નથી. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસના એક સાક્ષી પ્રભાકર સેઈલે દાવો કર્યો હતો કે કિરણ ગોસાવીએ સેમ ડિસોઝા નામની વ્યક્તિ સાથે કરી હતી. તેમણે 18 કરોડમાં ડીલ ફાઇનલ કરી હતી, એમાંથી 8 કરોડ રૂપિયા NCBના ડિરેક્ટર સમીર વાનખેડેને આપવાના હતા. ઉલ્લેખનીય છે કે કિરણ ગોસાવી આ કેસમાં NCBનો સાક્ષી છે.

NCBની ઓફિસની બહાર આર્યન ખાન (ફાઇલ તસવીર)
NCBની ઓફિસની બહાર આર્યન ખાન (ફાઇલ તસવીર)

હવે ડિસોઝાએ કહ્યું હતું કે કિરણ ગોસાવી એવું બતાવતો હતો કે તે સમીર વાનખેડેના સંપર્કમાં છે. કિરણ ગોસાવી ચીટર હોવાની જાણ થતાં જ તેણે આર્યન ખાનને મદદ કરવા માટે જે પૈસા લીધા હતા એ પરત આપી દીધા હતા. સમીર વાનખેડેએ લાંચના આરોપોને નકાર્યા હતા, જ્યારે કિરણ ગોસાવીની ગયા અઠવાડિયે છેતરપિંડી કેસમાં પુણેમાં ધરપકડ કરવામાં આવી હતી.

ડિસોઝાએ વધુમાં કહ્યું હતું કે તેણે દદલાણી તથા ગોસાવી વચ્ચે 3 ઓક્ટોબરની વહેલી સવારે મીટિંગ ગોઠવી આપી હતી. પૂજા દદલાણી પતિ સાથે આવી હતી. તે ગોસાવી તથા ચંકી પાંડે 3 ઓક્ટોબરે સવારે ચાર વાગે લોઅર પરેલમાં મળ્યા હતા. તે થોડીવાર બાદ ત્યાંથી નીકળી ગયો હતો અને પછી તેને જાણ કરવામાં આવી હતી કે આર્યનને મદદ કરવાના નામે કિરણ ગોસાવીએ પૂજા દદલાણી પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા.

કોર્ટની બહાર પૂજા દદલાણી (ફાઇલ તસવીર)
કોર્ટની બહાર પૂજા દદલાણી (ફાઇલ તસવીર)

ડિસોઝાએ દાવો કર્યો છે કે લોઅર પરેલમાં જ્યારે તેઓ મળ્યા ત્યારે ગોસાવીના ફોનમાં 'સમીર સર' નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. ડિસોઝાના મતે, કિરણ ગોસાવીએ પ્રભાકર સેઈલનો નંબર 'સમીર'ના નામથી ફોનમાં સેવ કર્યો હતો. તે ડીલ દરમિયાન એવું બતાવવા માગતો હતો કે તે વાનખેડેને ઓળખે છે.

ડિસોઝાએ આગળ વાત કરતાં કહ્યું હતું કે તેને પછીથી ખ્યાલ આવી ગયો કે કિરણ ગોસાવી ચીટર છે. ટ્રુ કોલર એપમાં 'સમીર સર'નો નંબર પ્રભાકર સેઈલનો હોવાનું જાણવા મળ્યું હતું. આ જોઈને તેને તરત જ ખ્યાલ આવી ગયો કે કિરણ ગોસાવી ખોટું બોલે છે. તેણે પ્રભાકર સેઈલનો નંબર જ 'સમીર સર'ના નામથી સેવ કરીને એવો દેખાવો કર્યો હતો કે તે સમીર વાનખેડે સાથે વાત કરે છે.

ડિસોઝાએ વધુમાં જણાવ્યું હતું કે મીટિંગ પૂરી થયાના થોડાક કલાકો બાદ જ તેણે ગોસાવી પર દબાણ કર્યું હતું કે તે પૈસા પરત આપે.

સેમ ડિસોઝા.
સેમ ડિસોઝા.

ડિસોઝાના મતે, કૉર્ડેલિયા શિપ પર જે દરોડા પડ્યા એની સાથે તેને કંઈ જ લેવાદેવા નથી. તેણે દાવો કર્યો છે કે સુનીલ પાટીલ નામની વ્યક્તિનો પહેલી ઓક્ટોબરે ફોન આવ્યો હતો. તે પોતાને 'પાવર બ્રોકર' તરીકે ઓળખાવે છે. પાટીલે ડિસોઝાને એમ કહ્યું હતું કે કૉર્ડેલિયા શિપની પાર્ટી અંગે તેની પાસે કોઈ માહિતી છે. પાટીલે તેને NCB સાથે સંપર્ક કરાવી આપવાનું કહ્યું હતું. તેણે ગોસાવીનો સંપર્ક કર્યો અને બંને વચ્ચે વાત કરાવી આપી હતી.

ડિસોઝાના જણાવ્યા પ્રમાણે, આર્યનની ધરપકડ બાદ ગોસાવીએ તેને ફોન કરીને કહ્યું હતું કે આર્યન મેનેજર પૂજા સાથે વાત કરવા માગે છે. ગોસાવીએ એમ પણ કહ્યું હતું કે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નહોતું અને તેઓ 'મદદ' કરી શકે તેમ છે. શાહરુખની મેનેજર પૂજા દદલાણી સાથે તે કેટલાક મિત્રોના માધ્મયથી સંપર્કમાં આવ્યો હતો, એમ ડિસોઝાએ કહ્યું હતું.

NCBની ઓફિસમાં કિરણ ગોસાવી તથા આર્યન ખાન
NCBની ઓફિસમાં કિરણ ગોસાવી તથા આર્યન ખાન

સેમ ડિસોઝાએ એમ પણ કહ્યું હતું કે ગોસાવીએ તેને આર્યન ખાનની સિલ્વર રંગની બેગ બતાવી હતી. તે બેગની તસવીર પણ લીધી હતી. પછી ગોસાવી NCBની ઓફિસમાં ગયા હતા. ગોસાવીએ આર્યનનો અવાજ રેકોર્ડ કર્યો હતો. આ વોઇસ નોટમાં આર્યને કહ્યું હતું, 'પાપા હું NCBમાં છું.'

NCB સાથેના સંબંધો તથા ડ્રગપેડલરના આરોપો અંગે ડિસોઝાએ કહ્યું હતું કે તેનો એવો કોઈ રેકોર્ડ નથી. તે બિઝનેસમેન છે. ભૂતકાળમાં જ્યારે તેને નાર્કોટિક્સ અંગેની માહિતી મળી હતી તો તેણે NCBના અધિકારીઓને આપી હતી.