કંગનાના આકરા પ્રહારો:'ફિલ્મ ઈન્ડસ્ટ્રી કરન જોહર અને તેના પિતાની નથી, વાહિયાત ફિલ્મ બનાવી અને ડ્રગ્સ કલ્ચર લાવ્યો; પૈસા-નામ તો દાઉદે પણ કમાયા હતા'

મનાલી2 વર્ષ પહેલા
  • આ પહેલા કંગનાએ જયા બચ્ચનને ઉદ્દેશીને કહ્યું હતું, 'મારી જગ્યાએ શ્વેતા હોત અને સુશાંતની જગ્યાએ અભિષેક હોત તોપણ તમે આમ જ કહેત?'

રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કંગના રનૌતનું નામ લીધા વગર તેના પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું, 'જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધિ મેળવી, તેઓ તેને ગટર કહી રહ્યા છે. જયાએ સરકારને અપીલ કરી હતી કે તે આવા લોકોને કહે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરે. હવે, કંગનાએ જયા બચ્ચનને સામે જવાબ આપ્યો હતો. ત્યારબાદ કંગનાએ કરન જોહર તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે ટ્વીટ કરી હતી.

કંગનાએ કહ્યું, 'કરોડો ભારતીયોએ આ ઈન્ડસ્ટ્રી બનાવી છે'
કંગનાએ એક ટ્વીટમાં કહ્યું હતું, 'ઈન્ડસ્ટ્રીને માત્ર કરન જોહર/તેના પિતાએ બનાવી નથી. બાબા સાહેબ ફાલ્કેથી લઈ દરેક કલાકાર તથા મજૂરોએ બનાવી છે. તે ફૌજીએ, જેણે સીમા બચાવી, એ નેતા જેણે બંધારણની રક્ષા કરી, તે નાગરિક જેણે ટિકિટ ખરીદી અને દર્શકનો રોલ પ્લે કર્યો, ઈન્ડસ્ટ્રી કરોડો ભારતીયવાસીઓ બનાવી છે'

કંગનાએ કહ્યું, થોડી દયા દાખવો
સંસદમાં જયા બચ્ચનનાં નિવેદન પર કંગનાએ ટ્વીટ કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેણે એક ટ્વીટમાં કહ્યું હતું, 'જયાજી, જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં માર મારવામાં આવ્યો હોત, ડ્રગ્સ આપવામાં આવ્યું હોત અને તેનું શોષણ થયું હોત ત્યારે પણ તમે આ જ વાત કહેત? અભિષેક સતત બુલીઇંગ તથા શોષણની વાત કરતો હતો અને એક દિવસ ગળેફાંસો ખાઈ જાત ત્યારે પણ તમે આમ જ કહેત? અમારા પ્રત્યે થોડી તો દયા દાખવો.'

અન્ય એક ટ્વીટમાં કંગનાએ કહ્યું હતું, એક જાણીતા કોરિયોગ્રાફરે કહ્યું હતું, 'રેપ કર્યો તો શું થયું, ભોજન પણ આપ્યું ને? શું તમે પણ આવું જ કંઈક કહી રહ્યાં છો? પ્રોડક્શન હાઉસમાં વ્યવસ્થિત HR ડિપાર્ટમેન્ટ નથી કે મહિલાઓ ફરિયાદ કરી શકે. પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરનારા માટે કોઈ સલામતી કે ઈન્શ્યોરન્સ નથી. આઠ કલાકની ડ્યૂટીનો નિયમ પણ પાળવામાં આવતો નથી.'

'ગરીબને રોટલી મળી એટલે બસ, આ માનસિકતા બદલાવી જોઈએ. ગરીબને ભોજનની સાથે સાથે સન્માન તથા પ્રેમ પણ જોઈએ. મારી પાસે કામદારો તથા જુનિયર આર્ટિસ્ટ જે સુધારાઓ ઈચ્છે છે એની આખી યાદી તૈયાર છે. કોઈક દિવસ હું માનનીય વડા પ્રધાનને મળીશ ત્યારે આ મુદ્દે તેમની સાથે ચર્ચા કરીશ.'

જયા બચ્ચને સંસદમાં શું કહ્યું હતું?
જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતું, 'મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે, જે સૌથી વધુ ટેક્સ ભરે છે, તેમ છતાંય તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. આપણી ઈન્ડસ્ટ્રીને અનેક વચન આપવામાં આવે છે, પરંતુ એ પૂરાં કરવામાં આવતાં નથી.'

'જે થાળીમાં જમે છે, એમાં જ થૂંકે છે'
સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને કહ્યું હતું, 'મને લાગે છે કે આ મહત્ત્વનું છે કે સરકાર આ ઈન્ડસ્ટ્રીને સાથ આપે. માત્ર એટલા માટે તેની હત્યા ના કરો, કારણ કે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઈન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરી શકો નહીં. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમને સન્માન આપે છે.' જયા બચ્ચને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું, 'હું કાલે ઘણી જ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી, જ્યારે લોકસભામાં અમારા જ એક સભ્યે, જે આ જ ઈન્ડસ્ટ્રીના છે અને તેમણે ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ વાત કહી. આ શરમજનક છે. જે થાળીમાં જમો છો, એ જ થાળીમાં થૂંકો છો. ખોટી વાત છે.'

જયા બચ્ચનની વાત પર રવિ કિશને શું કહ્યું હતું?
જયા બચ્ચનના નિવેદન પર રવિ કિશને મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું, 'મને આશા હતી કે જયાજી મારું સમર્થન કરતાં હતાં. ઈન્ડસ્ટ્રીમાં તમામ લોકો ડ્રગ્સ લેતા નથી, જોકે જે લોકો લે છે તેઓ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવાની યોજનાનો હિસ્સો છે. જ્યારે મેં અને જયાજીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જોઈન કરી હતી ત્યારે આવી સ્થિતિ ન હતી. જોકે આજે ઈન્ડસ્ટ્રીને બચાવવાની જરૂર છે.'

રવિ કિશને લોકસભામાં શું કહ્યું હતું ?
આ પહેલાં 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભાજપના સાંસદ રવિ કિશને લોકસભામાં ડ્રગ્સ અને બોલિવૂડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શૂન્યકાળ દરમિયાન કહ્યું હતું, 'પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડ્યંત્ર છે. આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘૂસણખોરી થઈ રહી છે અને NCB તેની તપાસ કરી રહ્યું છે. મારી માગ છે કે આ મામલામાં સખત કાર્યવાહી કરવામાં આવે.'

કંગનાએ 26 ઓગસ્ટે બોલિવૂડને ગટર કહી હતી
26 ઓગસ્ટની સાંજે એક ટ્વીટમાં કંગનાએ PMOને ટૅગ કરીને કહ્યું હતું, 'જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બોલિવૂડની તપાસ કરે છે તો એ લિસ્ટેડ સ્ટાર્સ જેલની પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયો તો ઘણી ચોંકાવનારી વાતો સામે આવશે. આશા છે કે વડા પ્રધાનજી સ્વચ્છ ભારત મિશન હેઠળ બોલિવૂડ જેવી ગટરને સાફ કરશે.'

અન્ય સમાચારો પણ છે...